GSTV
Home » News » પોષીપૂનમ – આજે પાંચ અતિ મહત્વની ઘટના

પોષીપૂનમ – આજે પાંચ અતિ મહત્વની ઘટના


પોષીપૂનમનું શું મહત્ત્વ છે ?

તા. 21 જાન્યુઆરી, 2019, સોમવાર (પોષ સુદ પૂનમ) એટલે કે પોષીપૂનમ. પોષીપૂનમનું મહત્ત્વ આ વખતે અનેક પ્રકારે છે. આપણા સતશાસ્ત્ર જીવનને પવિત્ર અને સુખમય બનાવવાનો અવસર સમયે સમયે આપતું જ રહે છે. ક્યારેક આપણે આ સમયની જાણ નથી હોતી, તો પછી ક્યારેક, આપણે દુર્લક્ષ સેવીએ છીએ. સમયનો અભાવ પ્રત્યેક વેળાએ આડો આવે છે. આપણે આપણા લક્ષ્યને લઈને જીવન જીવીએ છીએ. લક્ષસિદ્ધિ એક માત્ર આપણું ધ્યેય રહેતું હોય છે. ઈશ્વરપ્રાપ્તિની વાતને હું અહીં ન વાગોળું અને કેવળ ભૌતિક સિદ્ધિની વાત કરું તો પણ આપણા શાસ્ત્ર આ સંદર્ભમાં અત્યંત ઉપયોગી પુરવાર થયા છે.

જેમ કે, આજે કુલ પાંચ મહત્ત્વની ઘટના આકાર લઈ રહી છે. જેમાં અનુક્રમે –

  1. આજે માતા અંબાનો પ્રાગટ્યોત્સવ છે. અરવલ્લીની ગિરીકંદરામાં આવેલું અંબાજીધામમાં આજે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણ રચાશે.
  2. આજે શાકંભરી નવરાત્રિનો અંતિમ દિવસ છે.
  3. આજથી માઘસ્નાનનો પ્રારંભ થશે.
  4. પ્રયાગરાજમાં જે અર્ધકુંભમેળાનું પર્વ છે તેમાં આજે શાહીસ્નાન થશે.
  5. આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. (જે ભારતમાં દેખાવાનું નથી.)

આમ, કુલ પાંચ અતિ મહત્ત્વની ઘટના આજે આકાર લઈ રહી છે. એક પછી એક પ્રત્યેક દિવ્યપ્રસંગની છણાવટ કરીએ.

અંબાજીનું સ્થાન એ શક્તિપીઠ છે. આદ્યશક્તિ માતા અંબે ત્યાં સાક્ષાત બિરાજમાન છે. શિવપુરાણમાં ખૂબ જ વિસ્તારથી શક્તિપીઠની ઉત્પત્તિ કથા વર્ણવી છે. પણ, અહીં ટૂંકમાં આખીય કથાને સમજીએ. દક્ષના યજ્ઞમાં જ્યારે પાર્વતીદેવી(સતી)એ હવનકુંડમાં અગ્નિસ્નાન કરી દેહ ત્યાગ કર્યો ત્યારે શિવજીએ કોપાયમાન થયા અને પાર્વતી દેવીના મૃતદેહને હાથમાં પકડી તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ત્રણે ય લોક કંપન કરવા લાગ્યા. સમસ્ત દેવગણને એમ થયું કે શિવજી સમસ્ત બ્રહ્માંડનો ધ્વંસ કરશે. આ દુષ્કર ઘટનાને નિવારવા શ્રીવિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને પાર્વતીદેવીના દેહના ટુકડા કરી નાંખ્યા. એ ટુકડા જુદી જુદી જગ્યાએ પૃથ્વી ઉપર પડ્યા. તેમાં માતા પાર્વતીદેવીનું હૃદય અરવલ્લીસ્થિત આ ગિરિકંદરામાં પડ્યું. જ્યાં આજે માતા અંબાનું ભવ્ય મંદિર છે. પ્રત્યેક પોષીપૂર્ણિમાએ માતાનો પ્રાગટ્યોત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આજે અંબેમાતાની કૃપાપ્રાપ્ત કરવા માટે દુર્ગાસપ્તશતીનો પાઠ કરી શકાય, માતાજીના સહસ્રનામજપ થઈ શકે, દેવીસૂક્તનો પાઠ પણ થઈ શકે, આનંદનો ગરબો થઈ શકે. જો આપના ઘરે શ્રીયંત્ર હોય તો તેનું પૂજન થઈ શકે છે. માતાજીની ધૂપ-દિપ અને નૈવેદ્યથી આરતી થઈ શકે.

પોષીપૂર્ણિમાને શાકંભરીપૂર્ણિમા શા માટે કહે છે ?

અંબેમાતા તો જગતજનની છે. સર્વશક્તિની સ્વામીની માતા જગદંબા જ છે. સર્વ શક્તિનું કેન્દ્રબિંદુ માઁ અંબે જ છે. પ્રત્યેક જીવપ્રાણીની પ્રાર્થના સાંભળી માતાજી તેનું શુભફળ પણ આપે છે. યુગો પહેલા કારમો દુષ્કાળ પડ્યો હતો. તે આખાય મલકમાં અનાજની ફળ-ફળાદીની ખૂબ તંગી હતી. મનુષ્યો, પશુ-પક્ષીઓ મરવા લાગ્યા હતા. ત્યારે ભક્તોએ માતાજીને પ્રાર્થના કરી, ભાવપૂર્વક તેમની સ્તુતિ-આરાધના કરી અને પોતાનું દુઃખ માતા સમક્ષ વર્ણવ્યું. માતાજીએ તેમની પ્રાર્થના સાંભળી ખૂબ કૃપાવર્ષા કરી. ચોમાસામાં મેઘરાજા અનરાધાર વરસ્યા અને ખૂબ શાકભાજી થયા. જેના પ્રતાપે અગણિત જીવપ્રાણીના ઊગરી ગયા. સૌ ભક્તોએ માતાજીને આ દિવસે વિવિધ શાકના ભોગ ધરાવ્યા, ત્યારથી આ પૂર્ણિમાને શાકંભરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આઠમથી પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્રિનો ઉત્સવ ઉજવાય છે. જેમ ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રિમાં જનસમુદાય ભક્તિમય થઈ માતાજીની પૂજા-ઉપાસના કરે છે, તે પ્રમાણે આ નવરાત્રિમાં પણ જનસમુદાય ભક્તિમય બની જાય છે. ધન-ધાન્ય ભરપૂર રહે, ક્યારેય દુષ્કાળ કે અછત ન વર્તાય તે માટે આ નવરાત્રિમાં માતાજીની પૂજા-ઉપાસના કરવાનું વિધાન છે.

આજથી માઘસ્નાનનો પણ પ્રારંભ થવાનો છે…

આજથી એટલે પોષીપૂર્ણિમાથી માઘીપૂર્ણિમા સુધી માઘસ્નાન રહેશે. માઘીપૂર્ણિમા એટલે કે, તા. 19 ફેબ્રુઆરીના રોજ માઘસ્નાનની પૂર્ણાહૂતિ થશે.

આ પવિત્ર દિવસોમાં બ્રહ્મમુર્હૂર્તમાં સ્નાન કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. કુંભના પર્વમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સૌ પાવન થાય છે પણ, અલ્હાબાદ, હરદ્વાર, નાસિક, ઉજ્જૈન વગેરે તમામ સ્થાનમાં સ્નાન કરી ભાવિક ભક્તો સ્નાન કરી પુણ્યફળ પ્રાપ્ત કરે છે.

માઘ સ્નાન કરવાથી પુરૂરવા નામના રાજાનું કુરૂપ નાશ પામ્યું હતું તેવું પુરાણમાં વિધાન છે. એટલે કે, માઘસ્નાનથી રૂપ નીખરે છે. સ્વરૂપવાન થવાય છે. બાહ્ય સ્વરૂપ તો સુંદર બને છે પણ આંતરિક સૌંદર્ય પણ નિખરે છે. આત્માશુદ્ધ થાય છે. અનિષ્ટનો નાશ થાય છે અને અંતરમાં શ્રદ્ધાનો જન્મ થાય છે. વળી, માઘસ્નાન દરમિયાન કલ્પવાસનો પણ મહિમા છે. કળિયુગમાં માઘમાસ દરમિયાન હવન, યજ્ઞ, મંત્ર, જપ આદિક કરીએ એટલે એ કલ્પવાસ સમાન જ છે.

જે વ્યક્તિઓ નદિમાં સ્નાન નથી કરી શકતા, તિર્થસ્થાનમાં જઈ ત્રિવેણી સંગમમાં ડૂબકી નથી લગાવી શકતા તેમના માટે પણ શાસ્ત્રમાં ઉપાય આપેલા છે. માટીના ઘડામાં પાણી ભરી લેવું અને તે ઘડો રાત્રીના સમયે ચંદ્રમાની ચાંદનીમાં આખી રાત મૂકી રાખવા. આ ઘડાના જળનું સ્નાન બ્રાહ્મમુર્હૂર્તમાં કરવું. સાથે સાથે આ મંત્ર પણ બોલવો…. ગંગૈ ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી, નર્મદે, સિંધુ કાવેરી જલસ્મૈ સન્નિધિં કુરુ… આ મંત્ર બોલી બધી નદીઓનું આવાહન કરવું. આમ, પવિત્રભાવથી માઘસ્નાન કરવાથી તન-મનની શુદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે નિર્વિવાદ છે.

કુંભના મેળાનું શાહીસ્નાન પણ આજે…

શાહીસ્નાનનો સૌ પ્રથમ અર્થ સમજી લઈએ. શાહી સ્નાન એટલે વિશિષ્ટ પુણ્ય ફળ પ્રદાન કરવાવાળું સ્નાન. આજના દિવસે ત્રિદેવ એટલે કે, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એ પ્રયાગરાજ ગમન કરે છે અને એ પવિત્રસ્થાનમાં સ્નાન કરે છે. પરમતત્ત્વનો પણ પ્રયાગરાજમાં આજે વાસ હોય છે. વળી, ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ રચાય છે. સૂર્ય પોતાના નક્ષત્રમાં આજે ભ્રમણ કરી રહ્યો છે. એક પ્રકારે આ સ્નાન સર્વ પાપમાંથી મુક્તિ આપનારું છે માટે તેને શાહીસ્નાન કહે છે જે આજના દિવસે થાય છે.

આજના ખગ્રાસ ચંદ્રગ્રહણનો માનવજીવન ઉપર પ્રભાવ…

આજે ચંદ્રદેવ કર્કરાશિમાં ભ્રમણ કરે છે. જ્યાં, રાહુદેવ અગાઉથી ભ્રમણ કરી રહ્યા છે. ચંદ્ર અને રાહુ બરાબર સૂર્યની સન્મુખ પસાર થવાના છે. આજે સૂર્યદેવ મકરરાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. મકર રાશિમાં કેતુદેવ પણ અગાઉથી ભ્રમણ કરી રહ્યા છે. એટલે કે, કર્ક રાશિમાં ચંદ્ર અને રાહુની યુતિ થશે અને મકર રાશિમાં કેતુ અને સૂર્યની યુતિ થશે. જ્યોતિષશાસ્ત્રમાં ઋષિઓએ સૂર્યને આત્મા અને ચંદ્રને મનનું પ્રતિનિધિત્વ આપ્યું છે. હવે જ્યારે આત્મા અને મન દૂષિત થાય ત્યારે  ઓછે વત્તે અંશે પ્રત્યેક જાતકો પ્રભાવિત થતા હોય છે.

ભારતીય સમય પ્રમાણે સવારે 10.30થી 11.00ની વચ્ચે ચંદ્રદેવ બરાબર સૂર્યદેવની સમક્ષ ડિગ્રીકલ રહેશે. ચંદ્ર તે સમયે પુષ્ય નક્ષત્રમાં છે જેના સ્વામી શનિમહારાજ છે. અને સૂર્ય તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્રમાં છે જે સૂર્યનું પોતાનું નક્ષત્ર છે.

આજે ખાસ કરીને જે સ્ત્રીઓ ગર્ભીણી છે, જે માતાઓનું બાળક ધાવણું છે, જે ઘરમાં વડીલ નાદુરસ્ત છે તે સૌએ આજે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. શિવસહસ્ર નામાવલિનો જાપ પણ કરવો. મરીમસાલાવાળા ખોરાકથી દૂર રહેવું. અન્ય સૌ વ્યક્તિઓ આજે શિવમંદિરમાં પૂજા-ઉપાસના કરી શકે છે, પોતાના ઈષ્ટદેવી-દેવતાના પૂજનમાં આજનો સમય વ્યતિત કરી ચંદ્રગ્રહણના દુષ્પ્રભાવથી બચી શકે છે.

  • અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 7069998609 ઈમેલ- harisahitya@gmail.com

ઇતિ શુભમ્

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar