પાટીદારોને અનામત મળે માટે હાર્દિક પટેલનો છે આ પ્લાન, આજે જશે ગાંધીનગર

અનામત માટે આંદોલન ચલાવતા પાસના આગેવાનો આજે ઓબીસી પંચ સમક્ષ રજૂઆત કરવાના છે જોકે તે પહેલાં અમદાવાદમાં હાર્દિકના નિવાસ સ્થાન ખાતે પાસ આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં નિખીલ સવાણી, ગીતા પટેલ સહિતના પાસના 25 આગેવાનો જોડાયા હતા. બે દિવસ અગાઉ પણ હાર્દિકના સાથી એવા નિખીલ સવાણી ઓબીસી પંચ સમક્ષ પોતાની રજૂઆત માટે ધક્કો ખાઈને પરત ફરેલા છે ત્યારે આજે તો હાર્દિક 25 પાસ કન્વીનરના તામજામ સાથે ઓબીસી પંચની મુલાકાતે જવાનો છે. તે પહેલાં તેમણે રણનીતિ ઘડી છે. હાર્દિક સહિત પાસના કન્વીનરો પાટીદાર સમાજને મરાઠા અનામત પેટન્ટ પ્રમાણે અનામત મળે તેવી રજૂઆત કરવાના છે.

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા માટે સરકાર ગંભીર છે. મરાઠા અનામત મામલે હાઇકોર્ટમાં થયેલી એક અરજીને ફગાવી દેવાઈ છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાના કેબિનેટના નિર્ણય પહેલા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મરાઠાઓની આર્થિક, સામાજિક સ્થિતિનો અભ્યાસ કરાયો હતો. તેવી જ રીતે ગુજરાતમાં પણ પાટીદારોના સર્વેની કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરશે.પાટીદાર સમાજ ને અનામત મળે એ હેતુથી હાર્દિક પટેલ સહીત 25 કન્વીનરોની ટીમ પછાત વર્ગો માટેનું પંચ(ઓ.બી.સી. પંચ,ગાંધીનગર સેક્ટર -૧૯)ને આજે બપોરે 3:00 વાગ્યે તમામ પુરાવા સાથે રૂબરૂ મળીને યોગ્ય રજૂઆત કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ કહી ચૂકયા છે કે, મરાઠાઓને અનામત કાયદાકીય રીતે મળશે તો ગુજરાત સરકાર પણ વિચારી શકે છે. ગુજરાત સરકાર મરાઠાઓના અનામતના મામલાનો અભ્યાસ કરી શકે છે.

 પાસના કન્વિનર હાર્દિક પટેલે રાજ્ય સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતા આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારનો અહંકાર પાટીદારોને અનામત આપતા રોકે છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે પાટીદાર સમાજના યુવાનોને સારી નોકરી મળે, સારું શિક્ષણ મળે તે માટે અનામતની લડાઈ છે. પરંતુ ભાજપની સરકારે અહંકારમાં સમાજના યુવાનોને સમર્થન આપવાની જગ્યાએ યુવાનો પર અત્યાચાર કરવા સિવાય કાંઈ કર્યું નથી.

હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો કે મહારાષ્ટ્રમાં શાંતિપૂર્ણ રીતે અનામત મળી ગઈ. ગુજરાતમાં પાટીદાર સમાજે લોકહાશી માર્ગે પોતાનાં અધિકાર માટે આંદોલન કર્યું પણ આ આંદોલનથી ગુજરાતની ભાજપ સરકારનો અહમ ઘવાયો. અહંકારી ભાજપ સરકારે પાટીદાર આંદોલન ચલાવતા નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓને હેરાન-પરેશાન કરવામાં કોઈ કસર છોડી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter