GSTV
Home » News » પાકિસ્તાની સેનાની બદમાશીથી ભારત સાથે તણાવ

પાકિસ્તાની સેનાની બદમાશીથી ભારત સાથે તણાવ

પાકિસ્તાનની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સંયોજક નદીમ નુસરતે પાકિસ્તાની સેનાને નિશાને લઈને ભારત સાથેની પાકિસ્તાનની દુશ્મની માટે જવાબદાર ઠેરવી છે. એમક્યૂએમના નેતા નદીમે કહ્યું છે કે પાકિસ્તાની સેનાની વહીવટી તંત્ર અને રાજનીતિમાં હદ ઉપરાંતની દખલગીરી છે.

એમક્યુએમના સંયોજક નદીમ નુસરતે કહ્યુ છે કે પાકિસ્તાન હંમેશાથી સામંતી વ્યવસ્થાના પ્રભાવમાં રહી છે. પાકિસ્તાનની મોટી સમસ્યા તેની સેનાના વહીવટી તંત્ર અને રાજનીતિમાં બેફામ હસ્તક્ષેપ છે. સેનામાં પંજાબ પ્રાંતનું મોટું વર્ચસ્વ છે અને તેના કારણે જ 1971માં પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. ગત કેટલાક દશકાઓથી પાકિસ્તાની સેનામાં કટ્ટરતા પણ વધી છે. સેનાના મોટા અધિકારીઓ લઘુમતી સમુદાયોને ખતરો માનીને ચાલી રહ્યા છે અને વિપક્ષી નેતાઓને સુનિયોજિતપણે મારવાનું અભિયાન પણ ચલાવી રહ્યા છે.

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા માનવાધિકાર ભંગના મામલા દુનિયાની સામે હોવાનું પણ એમક્યૂએમના નેતા નદીમે જણાવ્યુ છે. બલૂચ લોકો સેના અને સરકારની વિરુદ્ધ સડકો પર દેખાવો કરી રહ્યા છે. પાકિસ્તાની સેના બલૂચો સાથે બર્બર વ્યવહાર કરી રહી છે. પાકિસ્તાનમાં લઘુમતીઓને અધિકાર આપવાના સ્થાને તેમની કત્લેઆમ થઈ રહી હોવાનું પણ નદીમે જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પંચે પાકિસ્તાની સેનાની આકરી ટીકા પણ કરી છે. કસ્ટડીમાંથી ગુમ થઈ રહેલા સામાજિક કાર્યકર્તાઓ મામલે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. પાકિસ્તાનનું ન્યાયતંત્ર પણ યોગ્ય રીતે પોતાની ફરજ નિભાવવામાં અસમર્થ હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

એમક્યૂએમનું માનવું છે કે તમે તમારા પાડોશીઓને બદલી શકો નહીં. અફઘાનિસ્તાન અને ભારત પાકિસ્તાનનના પાડોશી છે અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ બંને પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલા છે. ભારત સાથેના સંબંધોને સુધારવાની પુરજોર વકીલાત કરતા એમક્યૂએમના સંયોજક નદીમે બંને દેશોના ખરાબ સંબંધો માટે પાકિસ્તાની સેનાને જ જવાબદાર ઠેરવી છે. પાકિસ્તાનની નીતિઓ લઘુમતીઓના વિરોધમાં બનાવાતી હોવાનું જણાવીને નદીમે આવી સ્થિતિમાં પાકિસ્તાની પ્રગતિ થવા બાબતે આશંકા વ્યક્ત કરી છે.

Related posts

અમદાવાદ કોર્પોરેશને પાર્ટી પ્લોટ અને હોલના બુકિંગ માટે શરૂ કરી આ સિસ્ટમ

Nilesh Jethva

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva

લતા મંગેશકરનું ગીત ગાઈને ફેમસ થયા હતા રાનુ, હવે હિમેશની ફિલ્મમાં મળ્યુ ગીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!