પીએનબી દ્વારા જાહેર કરવામા આવેલા સાખ પત્રોના આધારે આચરવામાં આવેલા 11,400 કરોડના કૌભાંડમાં અલ્હાબાદ બેંકના બે બજાર કરોડ રૂપિયા ફસાયા છે. અલ્હાબાદ બેંકે પીએનબી દ્વારા આપવામાં આવેલા ગેરંટી પત્રના આધારે બે બજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. અલ્હાબાદ બેંક બાદ યુનિયન બેંકના પણ નાણા ફસાયા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નાણા અલ્હાબાદ બેંકની હોંગકોંગમાં આવેલી શાખાથી પીએનબીના નોસ્ટ્રો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. સૂત્રોનું માનીએ તો અલ્હાબાદ બેંકે પેહલાથી બે હજાર કરોડની વસૂલાત માટે ઉઘરાણી પણ શરૂ કરી હતી.
કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદીએ પીએનબી સાથે અલ્હાબાદ બેંકને પણ ભરડામાં લીધી. પીએનબીના કર્મચારીઓની મિલીભગતના કારણે નિરવ મોદીએ 11,400 કરોડનો ગોટાળો કર્યો. સમગ્ર કૌભાંડની ગંધ નિરવને આવી જતા તે વિદેશ ભાગવામાં સફળ રહ્યો. કૌભાંડ મામલે તપાસ કરી રહેલી ઈડીની ભલમામણ બાદ વિદેશ મંત્રાલયે નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ કર્યો છે.
મહત્વનું છે કે, પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવતા બેંક, રોકાણકાર સહિત અન્ય કંપનીઓના રૂપિયા 15 હજાર કરોડ ડૂબ્યા છે. કૌભાંડ મામલે સીબીઆઈ, ઈડી સહિત ઈન્ટરપોલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.