રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ લોકોના નબળા પ્રતિસાદના કારણે ભાજપમાં ચિંતા છે ત્યારે ગૌરવ યાત્રાને સફળ બનાવવા માટે ભાજપે પક્ષના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે.
શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દક્ષિણ ગુજરાત ગૌરવ યાત્રામાં ભાગ લેશે. તો 14મી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, 15મી ઓક્ટોબરના રોજ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગૌરવ યાત્રામાં હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઇરાની,પિયુષ ગોયલ અને પ્રકાશ જાવડેકર જેવા કેન્દ્રીય પ્રધાનો ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યાં છે. જ્યારે આગામી 14 ઓક્ટોબરે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ગુજરાતમાં મહિલાઓની સભા ગજવવા આવી રહ્યાં છે. જ્યારે 16 ઓક્ટોબરે ખુદ વડાપ્રધાન મોદી ફરી વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.
આવામાં કોંગ્રેસ પહેલાં જ કહી ચૂક્યું છે કે ભાજપ હારના ડરે આખું કેન્દ્રીય કેબિનેટ ગુજરાતમાં ઉતારી દીધું છે.