દિવાળીમાં સરસ તૈયાર થાઓને જો જો તમારો ચહેરો મૂરઝાઈ ન જાય, કરો આ ઉપાયો

દિવાળીમાં  ખાણીપીણી, વસ્ત્રાભૂષણો, ફરવા જવાની બોલબાલા  વધી પડે. પરંતુ તમે જ વિચાર કરો કે આ તહેવાર  દરમિયાન  તમે સરસ મઝાના વસ્ત્રાભૂષણો  પહેરો  અને તમારો  ચહેરો ફિક્કો દેખાતો હોય તો કેવું લાગે?  

દિવાળી  એટલે  પર્વાધિરાજ. શ્રીમંતોથી લઈને  અદના ઈન્સાન સુધી એવું કોઈ શોધ્યુંય  ન જડે  જે  આ તહેવારની  ઉજવણી  ન કરે. અન્ય કોઈ પર્વમાં  લોકો સહકુટુંબ સેલિબ્રેશન કરે કે ન કરે, પરંતુ દિવાળી વખતે દૂર-નિકટ  રહેતા સઘળા પરિવારજનો અચૂક  એકઠા  થાય.    દિવાળીમાં  ખાણીપીણી, વસ્ત્રાભૂષણો, ફરવા જવાની  બોલબાલા  વધી પડે. 


પરંતુ તમે જ વિચાર કરો કે આ તહેવાર  દરમિયાન  તમે સરસ મઝાના વસ્ત્રાભૂષણો  પહેરો  અને તમારો  ચહેરોે ફિક્કો દેખાતો હોય તો કેવું લાગે?  વાસ્તવમાં  તમે ગમે તેટલા સરસ  તૈયાર  થાઓ,  આમ છતાં તમારી ત્વચા દૈદિપ્યમાન ન હોય તો સઘળું એળે જાય.  રખે માની લેતાં કે મેકઅપ  કરીને તમે તમારી નિસ્તેજ  ત્વચાને સંતાડી લેશો.  


માત્ર સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવાથી કે બાહ્ય ઉપચારો  કરવાથી ચામડીમાં ચમક નથી આવતી.  ત્વચાનું સૌંદર્ય  ખરેખર તો અંદરથી આવે છે. ડાઘ-ધાબા  વિનાની, સુંવાળી, ચળકતી ત્વચા તમારા સૌંદર્યને  મેકઅપ વિના પણ નિખારે  છે.  આવી ચામડી   મેળવવા  તમારે  ચોક્કસ  પ્રકારની કાળજી  લેવી રહી.

ત્વચા  નિષ્ણાતો  કહે છે કે ત્વચાને સૌંદર્ય  બક્ષવા  સૌથી પહેલા  તમારી ત્વચાનો પ્રકાર જાણી લો અને તે મુજબ તેની જાળવણી  કરો. ચામડી ચાર પ્રકારની  હોય છે. ઓઈલી (તૈલીય), ડ્રાય (શુષ્ક) સેન્સિટિવ  (સંવેદનશીલ)  અને કોમ્બિનેશન (મિશ્ર).  તેઓ વધુમાં કહે છે કે સામાન્ય  રીતે લોકો ગોરી  ત્વચાને જ સુંદર માને  છે.  હકીકતમાં ચોક્ખીચણાંક અને કસાયેલી  ત્વચા સુંદરતાનું  પ્રતિક  બને  છે.  ચામડીને  ચોક્ખી-ચળકતી  રાખવા આટલું કરો.

જો  તમારી  ચામડી  મિશ્ર  પ્રકારની  હોય તો પાણીમાં  અથવા ગુલાબજળમાં ઉબટન  મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો.  ઉબટન  લગાવતી વખતે જડબાં, હડપચી  અને નાકના ભાગમાં તે નીચેથી ઉપર તરફ લગાવો.

શુષ્ક ત્વચાને સ્વચ્છ રાખવામાં દહીં મહત્ત્વનો  ભાગ ભજવે  છે.  ઘરમાં  જમાવેલી દહીં ચહેરા પર લગાવીને તેને સુકાવા  દો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. સુકી ત્વચા  ધરાવતી  માનુનીઓએ ચહેરો ધોવા ભૂલેચૂકેય ગરમ પાણીનો  વપરાશ ન કરવો.

તૈલીય  ત્વચા પર દિવસભરમાં  વારંવાર  પાણી  છાંટો. આવી  ચામડી પર આલ્કોહોલ  ધરાવતા  ક્લિન્ઝરનો  ઉપયોગ ટાળો. આ પ્રકારનું ક્લિન્ઝર  લાંબા ગાળે તૈલીય ત્વચાને  ભારે નુકસાન કરે  છે.  ઘરે બનાવેલું  ઉબટન  ગુલાબજળમાં ભેળવીને લગાવો.  ઉબટન લગાવીને  સુકાઈ જાય પછી ચહેરો ધોઈ લો.

સંવેદનશીલ ત્વચા પાતળી અને નાજુક હોવાથી તેના ઉપર  બહુ જલદી ડાઘા-ધાબા- ચીરા   ઈત્યાદિ પડે  છે. તેથી સેન્સિટીવ સ્કીનને  સ્વચ્છ કરવા  કાચું દૂધ.  જોજોબાનુ તેલ શ્રેષ્ઠ ગણાય  છે. તેનાથી  ત્વચા   સાફસૂથરી  થવા સાથે તેમાં ભીનાશ પણ આવે છે. કાચુ દૂધ અને જોજોબા તેલ સંવેદનશીલ  ચામડીને  કોઈ જાતનું  નુકસાન નથી પહોંચાડતા. 

ત્વચા  નિષ્ણાતો   ઉમેરે  છે કે ઢીલી ત્વચા  પર બહુ જલદી કરચલીઓ  દેખાવા લાગે છે. જ્યારે કસાયેલી  ત્વચા લાંબા વર્ષો સુધી   ‘યુવાન’  દેખાય  છે.  વિવિધ  પ્રકારની  ત્વચાને  કસાયેલી  રાખવા અલગ અલગ  વસ્તુઓનો ઉપયોગ કરવો. જેમ કે….

કોમ્બિનેશન સ્કીન  માટે એલોવેરા (કુંવારપાઠુ)  ઉત્તમ મનાય  છે. આ સિવાય  વિચ હેઝલ પણ આવી ત્વચામાં  સારું કામ આપે  છે. વિચ  હેઝલ હેઝલ નટ  તરીકે  વધુ જાણીતું  છે.

શુષ્ક  ત્વચા  પર કાકડી, ગુલાબજળ અને વિટામીન ‘ઈ’ નો પ્રયોગ કરો. તૈલીય  ત્વચા પર એપલ  સાઈડર  વિનેગર અને ગુલાબ જળને સમાન  ભાગે  ભેળવીને  લગાવો. સંવેદનશીલ  ત્વચા  પર કુંવારપાઠુ અને  કાકડી લગાવો.

ચામડીને  સ્વચ્છ અને કસાયેલી  રાખવા સાથે લવચીક  રાખવી પણ  આવશ્યક  છે. આ કાર્ય મોઈશ્ચરાઈઝર  બખૂબી  કરે છે. ત્વચાને  મોઈશ્ચરાઈઝ કરવા, એટલે કે ભીનાશ બક્ષવા  આટલું  કરો. મિશ્ર  અને તૈલીય ત્વચા માટે શુદ્ધ  કર્યા  વિનાનું  અને ઓર્ગેનિક  મધ શ્રેષ્ઠ ગણાય  છે. તે કુદરતી  રીતે એન્ટિ-બેક્ટેરિયલ  હોવાથી  તે  ત્વચા  પર   લગાવવામાં  આવે  તો ખીલ થવાની  શક્યતા આપોઆપ ઘટી  જાય છે. અને તે રોમછિદ્રોને ખુલ્લાં રાખવામાં  મદદ કરે છે.

સંવેદનશીલ  અને શુષ્ક  ત્વચાને ભીનાશ   બક્ષવામાં  એવોકેડો મદદગાર  પુરવાર થાય  છે. એવોકેડોની  સ્લાઈસને છૂંદીને  ચહેરા  તેમ જ ગરદન પર  લગાવવાથી  ત્વચા   પર થતી બળતરા ઓછી થાય છે અને  ચામડી સુંવાળી બને છે. ત્વચા મોઈશ્ચ થવાથી તેના પર ઝટ  કરચલીઓ પણ નથી  પડતી. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter