GSTV

જીરુંનો પાક ગુજરાતમાં ટનાટન થશે, 144 ટકા વધેલું વાવેતર 25 ટકા ઉત્પાદન વધારશે

  • સૌરાષ્ટ્રમાં વાવેતરનો આંક 2.76 લાખ હેક્ટરે પહોંચી જતાં ગુજરાતનું કુલ વાવેતર વધ્યું
  • ઓછા ઉત્પાદન અને નિકાસમાગમાં 25 ટકાનો વધારો થતાં ભાવ વર્ષભર પ્રતિ મણ 2700થી લઇને 3400 સુધી જળવાયા
  • ભૂગર્ભજળની સારી સ્થિતિને પગલે ખેડૂતોએ વાવણી વધારી
  • રાજસ્થાનમાંથી વહેલો પાક બજારમાં આવશે
  • 1.80 લાખ ટન વર્ષ 2018-19માં જીરુંની નિકાસ
  • 12 લાખ ટન જીરુંનો બજારમાં સ્ટોક
  • 01 લાખ હેક્ટરમાં દ્વારકામાં થયું વાવેતર

હવામાનમાં ફેરફારની સૌથી મોટી અસર રવી પાકમાં જીરુંના પાકને થઈ છે. ઘઉંની ખેતી બદલે આ વર્ષે જીરુંના પાકમાં 144 ટકાનો વધારો થતાં ગુજરાતમાં 25 ટકા ઉત્પાદન વધીને આવે તેવી સંભાવના છે. દેશમાં રાજસ્થાન અને ગુજરાત જીરું પકવતા સૌથી મોટા રાજ્યો છે. રાજસ્થાનમાં વાવેતર ગત વર્ષની સમકક્ષ પણ ગુજરાતમાં વાવેતરના આંકે ઉત્પાદનના ગણિત ફેરવી કાઢ્યા છે. રાજ્યમાં 5થી 6 હજાર ગુણી રોજની આવક વચ્ચે ભાવની 100 રૂપિયાની વધઘટ વચ્ચે ભાવ વર્ષભર 2700થી 3400 રૂપિયા જળવાઈ રહ્યાં છે. ગત વર્ષે નીચા ઉત્પાદન વચ્ચે નિકાસમાગમાં પણ 25 ટકાનો વધારો થતાં ભાવ હાલમાં પણ જળવાઈ રહ્યાં છે. લગ્નની સિઝન વચ્ચે પણ એક માસ બાદ શરૂ થતી જીરુંની સિઝનમાં રાજસ્થાનમાંથી આવક વહેલી આવવાના સંજોગો છે. જીરુંના પાકમાં હાલની ટનાટન સ્થિતિ વચ્ચે જીરુંએ હવામાન આધારિત પાક હોવાની સાથે વાતાવરણમાં ફેરફારો જોતાં ખેડૂતોએ આ વર્ષે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.

સંવેદનશીલ પાક હોવાથી હવામાન પર ભાવનો આધાર

જીરાની ખેતી ગુજરાત અને રાજસ્થાનમાં જ વધુ થાય છે, તેમાંય ગુજરાતના મહેસાણા જીરું માટે પ્રખ્યાત છે. એશિયાનું સૌથી મોટું જીરુંનું માર્કેટ ઊંઝામાં છે. જીરાના પાકને ઓછા પાણીની જરૂરિયાત હોય છે. જીરાની ખેતી અન્ય ખેતી કરતા વધારે નફાકારક અને જોખમી છે. જીરું એ અત્યંત સંવેદનશીલ છોડ છે. વરસાદ કે ઝાકળ પડે તો પાક નકામો થઈ જાય છે. હવામાન, બિયારણ, ખાતર અને સિંચાઈ યોગ્ય રીતે ન થાય તો ભારે મોટું નુકસાન થાય છે. બિયારણ, ખાતર અને મહેનત-મજૂરી નકામી જાય છે. જીરાની વાવણી સમયે તાપમાન 24-28 સેલ્સિયસ હોવું જોઈએ. જે 2019માં રહ્યું હતું. વધું ઠંડી હોય તો અંકુરણમાં સમસ્યા આવવાની શક્યતા રહે છે. આ વર્ષે સારા વરસાદને કારણે ઉત્પાદનમાં વધારો થવાની ધારણા છે. જીરું ભારતમાંથી દર વર્ષે સૌથી વધુ નિકાસ પામતો તેજાનો છે. દર વર્ષે રૂ. 2,500 કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવે છે.

જીરુંની મુખ્ય ખેતી ભારતમાં

વરસાદ થવાના કારણે હવે પાકના છોડમાં રંગ બદલાયો હતો. ક્યાંક વિકાસ એકદમ અટકી ગયો હતો. વરસાદી વાતાવરણ, ભેજ, ઝાકળ અને ઠારના કારણે ખેડૂતો પર આફત આવી હતી. જોકે પાક હાલમાં ટનાટન હાલતમાં ઉભો છે. 25 દિવસ આગોતરા જીરુંમાં સુકારો છે. મસીનો ઉપદ્વવ હવે ધીમેધીમે ઘટવા લાગ્યો છે. જીરુંની મુખ્ય ખેતી ભારતમાં છે, એ બાદ જીરુંની નિકાસ કરનારા મુખ્ય ઉત્પાદકોમાં સીરિયા અને તુર્કી આવે છે. સીરિયામાં 2011ના વર્ષથી ગૃહયુધ્ધ ચાલે છે તેને કારણે સીરિયામાં ખેતી નષ્ટ થઇ રહી છે. આ બંને દેશોના ઉત્પાદનો અને આયાત ઘટવાને કારણે જીરું ખરીદનારા દેશોએ ભારત તરફ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નજર કરી છે અને તેને કારણે ભારતમાંથી જીરુંની નિકાસ વધી રહી છે. જીરુંની ખેતી ઓછા પાણી અને ઓછી મહેનતે થાય છે. 90 દિવસ એટલે કે ત્રણ મહિનામાં જ પાક તૈયાર થઇ થતો હોવાથી ખેડૂતોને પણ ફાયદો રહે છે.

જીરુંના ખેતરો પર વેપારીઓ પણ નજર

ગુજરાતમાં જીરુંનું સરેરાશ વાવેતર 3.36 લાખ હેક્ટર કરતાં 144 ટકા વધારે એટલે 4.86 લાખ હેક્ટર થયું છે. ભૂગર્ભજળની સારી સ્થિતિને પગલે ખેડૂતોએ પણ વાવણીનું રિસ્ક લીધું છે. જીરુંના ખેતરો પર વેપારીઓ પણ નજર રાખીને બેઠા છે. દેશમાં 50 ટકા જીરું ગુજરાત પકવે છે. રાજ્યના કુલ જીરુંમાંથી 50 ટકા વાવણી આ વર્ષે સૌરાષ્ટ્રમાં થઈ છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ જીરુંની વાવણીમાં મસમોટો વધારો કર્યો છે. એક માત્ર દ્વારકામાં જ વાવણીનો આંક 1.01 લાખ હેક્ટરે પહોંચ્યો છે. બનાસકાંઠા 85 હજાર હેક્ટર, સુરેન્દ્રનગર 69 હજાર હેક્ટર, કચ્છમાં 62 હજાર હેક્ટર, પાટણમાં 48 હજાર હેક્ટર, પોરબંદર 30 હજાર હેક્ટર વિસ્તારમાં જીરુંની વાવણી થઈ છે. મધ્ય ગુજરાતમાં માત્ર અમદાવાદ જિલ્લામાં જીરુંની વાવણી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં જીરું ઉગાડાતું નથી.

જીરુંના વાવેતરમાં 144 ટકાનો વધારો

જીરુંમાં વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતા 10 વર્ષમાં વધી છે. 2013-14માં રૂ.6,800 કરોડનું જીરું દેશમાં પાક્યું હતું. મરી-મસાલામાં તે 14 ટકાનો હિસ્સો ધરાવે છે.  ગુજરાતમાં 2011-12માં આ આંક 3,895 કરોડ હતો. 2019માં 9 હજાર કરોડ રૂપિયાનું જીરું પાક્યું હોવાનો અંદાજ છે. આ વર્ષે 10 હજાર કરોડનું જીરું પાકશે એ ફાયનલ છે. સારા વરસાદને પગલે જીરુંના વાવેતરમાં 144 ટકાનો વધારો થતાં ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થવાની સંભાવના છે. ગુજરાતમાં જીરુંના વાવેતરમાં 1.41 લાખ હેક્ટરનો વધારો થયો છે. 13મી જાન્યુઆરી સુધી આ આંક 4.87 લાખ હેક્ટરે પહોંચ્યો છે. વર્ષ 2019માં 3.45 લાખ હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું હતું. ખેડૂતોએ આ વર્ષે સારા વરસાદને પગલે જીરુંના વાવેતરને વધાર્યું છે. ખેડૂતોને ઊંચા ભાવ અને જમીનમાં ભેજને પગલે ખેડૂતો જીરુંના વાવેતર તરફ વળ્યા છે. ઓછા ઉત્પાદનને પગલે આ વર્ષે ખેડૂતોને સરેરાશ 2700થી 3400 રૂપિયા પ્રતિ મણ ભાવ મળ્યો છે. સરેરાશ ભાવ પણ 2,700થી 3,200ની આસપાસ રહ્યો છે.

ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થવાની સંભાવના

વાવેતરમાં વધારાને પગલે ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થવાની સંભાવના છે. જોકે, આ સમય દરમિયાન હવામાન કેવું રહે છે એની પર પણ સૌથી મોટો આધાર છે. વેપારીઓના અંદાજ અનુસાર ગત વર્ષે જીરુંનું ઉત્પાદન 1.67 લાખ ટન રહ્યું હતું. જે વર્ષ  2018માં 1.71 લાખ ટન હતું. જીરું એ ભારતનો બીજા નંબરનો મસાલામાં નિકાસ કરતો પાક છે. આ વર્ષે રાજસ્થાન અને ગુજરાતમાં પણ જીરુંનો પાક સારો છે. ગત વર્ષે ઓછા વરસાદને પગલે જીરુંના ઉત્પાદનમાં 12 ટકાનો ઘટાડો થયો હતો. ઉત્પાદનનો આંક 6.07 લાખ ટન રહ્યો હતો. વર્ષ 2018-19માં 25 ટકા નિકાસ વધતાં 1.80 લાખ ટન જીરુંની નિકાસ થઈ હતી. આ જ પ્રકારે આવકમાં પણ 19 ટકાનો વધારો થયો હતો.

રાજ્યમાં હાલમાં જીરુંનું બજાર ડાઉન

ભારતમાંથી ગત વર્ષે 2,885 કરોડ રૂપિયાના જીરુંની નિકાસ થઈ છે. રાજ્યમાં હાલમાં જીરુંનું બજાર ડાઉન છે. રાજસ્થાનમાં પણ પાક ગત વર્ષની સમકક્ષ આવવાની સંભાવનાની સાથે પાક વહેલો આવશે. ગુજરાતમાં હવામાનમાં ફેરફાર અને કમોસમી માવઠાને પગલે પાક લેટ હોવા છતાં માર્ચના અંત કે એપ્રિલની શરૂઆતમાં બજારમાં આવી જશે. હાલમાં જીરુંના ભાવમાં 100 રૂપિયાની આસપાસ ભાવમાં વધઘટ રહે છે. રાજ્યમાં 5થી 6 હજાર બોરી જીરુંની આવક આવી રહી છે.

રાજ્યમાં 10થી 12 લાખ બોરી સ્ટોક

નવી આવક વધીને આવે તેવા સંજોગો વચ્ચે સ્ટોકિસ્ટો હાલમાં માલ ખાલી કરી રહ્યાં છે. રાજ્યમાં 10થી 12 લાખ બોરી સ્ટોક વચ્ચે નવી સિઝન પહેલાં નહિવત સ્ટોક હોવાથી હાલમાં ભાવ જળવાઈ રહ્યાં છે. છેલ્લાં 2 વર્ષથી ભારતીય જીરુંની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. જીરુંની માગ યુરોપ, ગલ્ફ કન્ટ્રી, ચીન, અમેરિકા, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનની સતત માગ વધી રહી છે. પાકિસ્તાનમાં પણ વાયા અફઘાનિસ્તાન થઈ જીરું જઈ રહ્યું છે. ઊંઝામાં માર્ચના અંત સુધી સિઝનની શરૂઆત થઈ જશે. ખેડૂતોએ હાલમાં હવામાનને આધારે પાકના વેચાણનો નિર્ણય લેવો જોઈએ.

Related posts

બિહાર/ NDAમાં નક્કી થઈ ગયું કઈ પાર્ટીને કેટલી મળશે સીટ, 104 પર JDU અને 100 પર લડશે BJP

Pravin Makwana

ચીન સામે લડવા સેનાની રણનીતિ, લદ્દાખ બોર્ડર ઉપર T-90 અને T-72 ટેંકોની હુંકાર

Mansi Patel

રાજ્યમાં Coronaનાં છેલ્લાં 24 કલાકમાં 1411 પોઝિટિવ દર્દીઓ સાથે 10નાં મોત, 1231 લોકો થયા સાજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!