ગુજરાત માટે જાપાન અંગત મિત્ર છે અને આ ખાસ મિત્ર જ્યારે ગુજરાતમાં બે દિવસની મહેમાનગતિ કરવા આવ્યા છે ત્યારે ગુજરાત સાથે સંકળાયેલી જાપાનની કેટલીક રસપ્રદ બાબતો પર એક નજર ફેરવીએ.
જાપાનમાં પણ એક ગુજરાત વસે છે. જાપાનમાં ગુજ્જૂઓનો ગઢ ‘કોબે’ છે, જ્યાં જૈનો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને મોતીનો વ્યવસાય કરે છે. જાપાનમાં ગુજરાતીની સંખ્યા ૧૪૦૦ જેટલી છે. કોબે શહેરમાં સૌથી વધુ ગુજરાતીઓ વસે છે. અહીંના ઈન્ડિયા ક્લબ ખાતે દર શુક્રવાર અને રવિવારે બધા ગુજરાતીઓ મળે છે અને ખાણીપીણીના આયોજન સાથે હળે મળે છે. કોબેમાં વસતા ગુજરાતીઓમાં મોટા ભાગના જૈનો છે. જાપાનનો ગુજરાતી સમાજ તમામ ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે. ખાસ કરીને સંવત્સરીના દિવસો ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ઈન્ડિયા કલબમાં ફક્ત ભારતીય લોકોને જ જમવા માટે પ્રવેશ મળે છે. વર્ષમાં માત્ર એક દિવસ હોય છે જેમાં ગમે તેને પ્રવેશ મળે. તે વખતે જાપાની લોકો ઉમટી પડે છે.
ટોકિયો અને ઓસાકામાં પણ ગુજરાતીઓ વસે છે. જાપાનમાં ભારતીય એમ્બેસેડર તરીકે કાર્યરત સુજાન ચિનોય મૂળ રાજકોટના છે અને વિશ્વના અનેક દેશોમાં સેવા આપી ચૂક્યા છે. હાલ તેઓ જાપાનમાં કાર્યરત છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કોબે ગયા હતા. ઉપરાંત નરેન્દ્ર મોદી સહિત દેશના રાજકીય અગ્રણીઓ જાપાન યાત્રાએ આવે ત્યારે કોબેની મુલાકાત જરૂર લે છે.
જાપાનમાં દર વર્ષે ભારતીય સમાજ દ્વારા સાંસ્કૃતિક મેળો યોજવામાં આવે છે. આ મેળામાં અઢી લાખ જેટલા લોકો ઉમટે છે. જાપાનમાં ભારતીય રેસ્ટોરન્ટોની ભરમાર છે. એકલા હીરોસીમામાં જ ૪૦ થી વધુ ભારતીય રેસ્ટોરન્ટ છે. પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ અહીં હોટેલ-રેસ્ટોરન્ટ શરૂ કરે તો તેનું નામ ભારતીય રાખે છે.