મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. આવનારા પાંચ વર્ષોમાં બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન છે, ત્યારે આવો જોઈએ કે આ બુલેટ ટ્રેનની શું ખાસિયત છે.
ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે ડબલ લાઇન નંખાશે
અમદાવાદ – મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે 508 કિલોમીટર લાંબો ટ્રેક તૈયાર કરવામાં આવશે. જ્યારે ગુજરાતથી મહારાષ્ટ્ર વચ્ચે ડબલ લાઈન નાંખવામાં આવશે. મહારાષ્ટ્રમાં 156 કિલોમીટર અને ગુજરાતમાં 351 કિલોમીટર તેમજ સંઘ પ્રદેશમાં બે કિલોમીટરનો ડબલ ટ્રેક નાંખવામાં આવશે. આમ, તો આ પ્રોજેક્ટ એલિવેટેડ હશે. પરંતુ, 21 કિલોમીટર લાંબી ટનલ નાખવામાં આવશે. જેમાંથી સાત કિલોમીટરની ટનલ દરિયા નીચે હશે. ઉપરાંત મુંબઈમાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરાશે.જ્યારે બાકીના બુલેટ ટ્રેનના સ્ટેશનો એલિવેટેડ હશે.
બુલેટ ટ્રેનનું ગુજરાતમાં પ્રથમ સ્ટોપ વાપી હશે
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સથી બુલેટ ટ્રેન શરૂ થશે. BKC થી આ ટ્રેન થાણે થઈને વિરાર જશે. ત્યારબાદ બોઈસરથી ગુજરાતમાં પ્રવેશશે. ગુજરાતમાં તેનું સૌથી પહેલું સ્ટોપ વાપી હશે. વાપીથી બિલીમોરા, સુરત,ભરૂચ થઈ વડોદરા પહોંચશે. અહીંથી વાયા આણંદ અમદાવાદ આવશે અને ત્યાંથી છેલ્લા સ્ટોપ સાબરમતી પહોંચશે.
બુલેટ ટ્રેનની મહત્તમ ડિઝાઈન સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક
આ બુલેટ ટ્રેનની મહત્તમ ડિઝાઈન સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાકની હશે. પરંતુ તેને 320 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવાશે. આ સ્પીડે 2 કલાક 7 મિનિટમાં મુસાફરી પૂરી થઈ જાય. પરંતુ તમામ સ્ટેશને બુલેટ ટ્રેન ઉભી રહેવાની હોવાથી તેનો મુસાફરીનો સમય 2 કલાક 58 મિનિટ હશે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા ટ્રાન્ફસર ઓફ ટેક્નોલોજી આધારિત હશે.
20 હજાર લોકોને રોજગારી મળવાનો અંદાજ
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લીધે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે 20 હજાર લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. જ્યારે કે 4 હજાર લોકોને સીધી રોજગારી અને 20 હજારને પરોક્ષ રોજગારી મળશે. આ ઉપરાંત વડોદરામાં હાઈ સ્પીડ રેલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ ખોલવામાં આવશે. જેમાં 4 હજાર લોકોને ઓપરેશન્સ અને મેન્ટેનન્સની તાલીમ અપાશે. વર્ષ 2020 ના અંત સુધીમાં ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ શરૂ કરવાની યોજના છે.
આ રહ્યાં બુલેટ ટ્રેનના 12 સ્ટેશન
મુંબઇ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી