GSTV

જસદણ : કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતાં ભાજપનું ટ્રમ્પકાર્ડ બાજી બગાડશે, કોંગ્રેસ રહે એલર્ટ

Last Updated on November 24, 2018 by Karan

લોકસભાની ચૂંટણી પહેલાં જસદણની ચૂંટણી એ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ માટે સેમિફાયનલ છે. મુખ્યમંત્રી રૂપાણીની ખુરશી દાવ પર મૂકાયેલી છે. ભાજપ માટે કપરાં ચઢાણ એટલા માટે છે કે, જસદણ એ કોંગ્રેસનો ગઢ છે. જેમાં અત્યારસુધી જીતતા બાવળિયા હાલમાં ભાજપ સરકારમાં મંત્રી છે. જેઓ હાર્યો તો ધારાસભ્ય પદ સાથે મંત્રીની ખુરશી પણ જશે. ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભાજપ હાર્યું તો દેશભરમાં આબરૂનું ધોવાણ થશે. ગુજરાત ભાજપ ભેગા મળીને એક મંત્રીને ન જીતાડી શક્યું તેવો ખોટો મેસેજ દેશભરમાં જશે અને લોકસભાની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ જશે. ભાજપ માટે આ બેઠક જીતવી કોઈ પણ સંજોગોમાં જરૂરી છે. જેને પગલે ભાજપે પોતાની તમામ તાકાત આ ચૂંટણી જીતવા માટે લગાવી છે. અમિતશાહે પણ ચૂંટણી અંતર્ગત પ્લાન ગોઠવી આપ્યા છે. જો ભાજપ જસદણ હાર્યું તો સૌરાષ્ટ્રમાં એન્ટિઇન્કમ્બસીનો માહોલ હોવાનું પૂરવાર થઈ જશે. જે ભાજપને લોકસભામાં નડશે. આમ રૂપાણીની ખુરશી ખતરામાં પડી શકે છે. રૂપાણી માટે આ છેલ્લો ચાન્સ છે. રાજ્યમાં ભાજપની પક્કડ ઢીલી પડતી જાય છે. ઓફિસરો દ્વારા રૂપાણી સરકાર ચલાવાય છે તેવા લોકો આક્ષેપો કરી રહ્યાં છે.

ભાજપ સરકારની હાર ગણાશે

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ગુજરાતના પાણી-પુરવઠા, પશુપાલન વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજી ભાઈ બાવળિયા અને ભાજપ માટે આ ચૂંટણી અતિ મહત્વપૂર્ણ છે. જો આ ચૂંટણી ભાજપના ઉમેદવાર અને મંત્રી હારી જાય તો માત્ર એક વિધાનસભા બેઠકની નહીં પરંતુ ભાજપ સરકારની હાર ગણાશે. તેથી આ ચૂંટણી જીતવા ભાજપ દિવસ-રાત એક કરી રહ્યું છે. જેની સામે કોંગ્રેસે પણ આ બેઠક પરથી ભાજપના ઉમેદવારને હરાવીને સરકારને પાડી દેવા માટેની વ્યૂહરચના અપનાવી છે. 60 ધારાસભ્યોને જસદણની કામગીરી સોંપી છે. હાલમાં કોંગ્રેસ હજુ 27થી 28મી તારીખે ઉમેદવારની જાહેરાત કરશે. કોંગ્રેસ આ બેઠકમાં કાચું કાપવા માગતી નથી. મુસિબત એ છે કે, પાટીદાર અને કોળી ઉમેદવારો હાલમાં દાવેદારો છે. જેમાં કોંગ્રેસે બળવો ખાળવાની તૈયારી રાખવી પડશે. જો કોંગ્રેસમાંથી જ અપક્ષ ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું તો ભાજપ વન વે જીતી જશે. ભાજપ હાલમાં આ પ્રયાસોમાં છે કે, કોંગ્રેસમાંથી દાવેદાર એક ઉમેદવાર ટીકિટ ન મળતાં અપક્ષ તરીકે ઝંપલાવી કોંગ્રેસના વોટ તોડે. ભાજપ હાલમાં જડ તોડની નીતિ પણ અખત્યાર કરી શકે છે. ભાજપનો આ માસ્ટર પ્લાન છે. કોંગ્રેસે જસદણ જીતવા માટે બળવાની સ્થિતિ અને અંદરો અંદરની ફાટફૂટ ડામવાની જરૂર છે. પ્રભારી સાતવ પણ ગુજરાત આવી રહ્યાં છે. કોંગ્રેસ પાસે ભાજપને હરાવવાની તક છે પણ આ તકને જીતમાં બદલવા માટે સંગઠિત રહેવાની જરૂર છે. ભાજપ પાસે પણ આ બેઠક જીતવાના ઉજળા ચાન્સ હોવાથી તે પણ એડીચૌટીનું જોર લગાવશે. ભાજપ હાલમાં સત્તામાં છે. સરકાર પાસે મની અને મસલ્સ બંને પાવર છે. જેનો તેઓ ભરપૂર ઉપયોગ કરશે.

સરકાર સામે સૌરાષ્ટ્રમાં નારાજગી વધુ

ગુજરાતમાં ગત જાન્યુઆરી મહિનામાં પાતળી બહુમતી સાથે ભાજપની રૂપાણી સરકારે શાસન સંભાળ્યું હતું, પરંતુ મુખ્યમંત્રી પદે રૂપાણીને ફરીથી બેસાડવામાં આવતા ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. જેમાં મુખ્યમંત્રી પદ અને નાયબ મુખ્યમંત્રી પદ વચ્ચેની લડાઈ ચાલી હતી. તેની સાથે સાથે સરકારની કામગીરી સામે પણ ભાજપના કેટલાક ધારાસભ્યો અને કાર્યકરો પણ નારાજ છે, તે સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતી મેળવી બાદ સૌપ્રથમ વખત જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી છે, ત્યારે સરકારની કામગીરીની પણ કસોટી આ પેટા ચૂંટણીમાં થશે. સરકાર સામે સૌરાષ્ટ્રમાં નારાજગી વધુ છે. જેમાં સૌથી વધુ નારાજ એ ખેડૂતો છે. ભાજપ સરકાર જસદણ જીતી તો લોકસભામાં તે ડબલ જોરથી જીત માટે પ્રયાસો કરશે. જસદણની હાર ભાજપમાં પણ નીરાશાનો માહોલ ઉભો કરશે એ નક્કી છે.

વિજયભાઈનું ભવિષ્ય લોકસભાની ચૂંટણી નક્કી કરશે

સામાન્ય રીતે વર્ષોથી ભાજપમાં એક એવી નૈતિકતા બતાવવામાં આવે છે કે, ભાજપનો શાસન કર્તા પેટા ચૂંટણી જીતવામાં નિષ્ફળ જાય તો તેની જવાબદારીના ભાગરૂપે તેણે હોદ્દા પરથી રાજીનામું આપવું પડે છે. ગુજરાતમાં 2001માં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના શાસન દરમિયાન સાબરકાંઠા લોકસભા અને સાબરમતી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની પરાજય થતાં કેશુભાઇ પટેલનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અને તેમના સ્થાને 7 ઓક્ટોબર 2001થી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું હતું. આમ જો સાબરમતી અને સાબરકાંઠાની પેટાચૂંટણીમાં ભાજપની હારના કારણે કેશુભાઈ પટેલે રાજીનામું આપવું પડ્યું હોય તો જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં જો ભાજપ હારી જાય તો કેશુભાઈ પટેલની જેમ મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને વિદાય લેશે એ તો આગામી સમય બતાવશે પણ આ પ્રકારના કોઈ સંજોગો ઉભા થાય તેવી હાલમાં કોઈ સંભાવના નથી. ભાજપ જીતે કે હારે વિજયભાઈ રૂપાણીનું ભવિષ્ય એ લોકસભાની ચૂંટણી નક્કી કરશે.

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!