જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર એક પોલીસ અધિકારીને ફરજ બજાવતા શહીદી વ્હોરવાનો વારો આવ્યો છે. શ્રીનગરમાં ગુરુવારે રાત્રે આક્રોશિત ભીડે એક ડીએસપી મોહમ્મદ અયૂબ પંડિતની માર મારીને હત્યા કરી દીધી.
શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં શુક્રવારે સવારે જામિયા મસ્જિદની બહાર ડીએસપી અયૂબ પંડિતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સ્થાન પર જ તેમના ઉપર હુમલો થયો હતો.
શ્રીનગરની સૌથી મોટી મસ્જિદમાં સેંકડો લોકો નમાજ અદા કરવામાં વ્યસ્ત હતાં. ત્યારે અરાજક તત્વોના એક જૂથે ડીએસપીની હત્યા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે ડીએસપી અયૂબ પંડિત જામિયા મસ્જિદ ખાતે ડયૂટી પર તેનાત હતા. ત્યારે તેમના ઉપર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો.
સૂત્રો મુજબ અધિકારીએ ખુદને ભીડથી બચાવવા માટે પુરજોર કોશિશ કરી હતી. ખુદને બચાવવાની કોશિશમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. પરંતુ ભીડે તેમને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા.
અહેવાલ મુજબ મોટી સંખ્યામાં ભીડે ડીએસપી મોહમ્મદ અયૂબ પર હુમલો કર્યો અને તેને કારણે સુરક્ષાકર્મીઓ ભાગી ગયા હતા. તેઓ ખાનયાર ક્ષેત્રના વતની હતાં. આ વિસ્તાર નૌહટ્ટાની નજીક છે.