આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના સુંજાવાનમાં આર્મી કેમ્પને નિશાન બનાવી. જેમાં બે જવાન શહીદ થયા જ્યારે એક અધિકારીની પુત્રી સહિત છ લોકો ઘાયલ થયા છે. સેનાના ઓપરેશનમાં એક આતંકી ઠાર થયો છે. સુંજવાનમાં ચાલી રહેલા ઓપરેશનમાં વાયુ સેના પણ જોડાઈ છે. હુમલાને પગલે કાશ્મીરથી લઈને દિલ્હી સુધી એલર્ટ જારી કરાયું છે.
જમ્મુ-કાશ્મીરમાં પઠાણકોટ હાઈવે પર સુંજવાનમાં આતંકીઓએ સેનાના જવાનોને નિશાન બનાવ્યા. સવારે 5 વાગ્યે ત્રણથી ચાર આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો. આતંકીઓ આર્મી કેમપના પાછળના રસ્તેથી જાળી કાપીને અંદર ઘૂસ્યા હતા. અને અંદર ઘૂસીને ફાયરિંગ શરૂ કરી દીધું. તો ક્વીક રિસ્પોન્સ ટીમે પણ આતંકીઓને જવાબ આપ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ આતંકીઓ આર્મી કેમ્પમાં રહેણાંક વિસ્તારમાં છૂપાયા હતા. ગુપ્ત સુત્રોની જાણકારી મુજબ 9 ફેબ્રુઆરીએ અફઝલ ગુરુને અપાયેલી ફાંસીની વરસીને ધ્યાને લઈને જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું હતુ અને જૈશ-એ-મોહંમદ દ્વારા આત્મઘાતી હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે સૈનિકો તેમની જવાબદારી નિભાવી રહ્યા છે.
સુંજવાંનમાં સેના પર આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધ રાખવા ઈચ્છે તો પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવુ પડશે. પાકિસ્તાન માનશે નહીં તો યુદ્ધ થશે. તો વિવિધ રાજકીય પક્ષોએ પણ સેના પર આતંકી હુલાને વખોડ્યો.
આ પહેલા 31 ડિસેમ્બર 2017માં જૈશના બે આતંકીઓએ પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. હુમલાને પગલે જમ્મુમાં પ્રશાસને શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી સુધી એલર્ટ જારી કરી દેવાયું છે. સુરક્ષાદળ હેલિકોપ્ટર દ્વારા નજર રાખી રહ્યુ છે.