ચીન આતંકી મસૂદને બચાવે છે ને મોદી જિનપિંગ સાથે હિંચકા ખાય છે : રાહુલ ગાંધી

Rahul Gandhi public meetings in Gujarat

સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં ચીને ચોથી વખત વીટોનો ઉપયોગ કરીને અડચણ ઉભી કરી દીધી છે. જેને પગલે વિપક્ષે હવે નરેન્દ્ર મોદીની સરકારની આંતરરાષ્ટ્રીય નિતિ પર સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ચીને મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકી જાહેર થતા અટકાવ્યો, અગાઉ પણ ચીન આવુ જ કરી ચુક્યું છે છતા નરેન્દ્ર મોદીના મોઢામાંથી ચીનના પ્રમુખ અને જિનપિંગ મુદ્દે એક પણ શબ્દ નથી નીકળી રહ્યો. 

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ડરેલા ગણાવ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે નબળા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રમુખ જિનપિંગથી ડરી રહ્યા છે. ચીને આટલી અવળ ચંડાઇઓ કરી તેમ છતા નરેન્દ્ર મોદીના મોઢામાંથી એક પણ શબ્દ નથી નીકળ્યો. 

નરેન્દ્ર મોદીની વિદેશ નિતિની ટીકા કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની વિદેશ નિતિ છે કે પહેલા ગુજરાતમાં ચીનના પ્રમુખ જિનપિંગ સાથે ઝુલે ઝુલવાનું, બાદમાં જિનપિંગને જાહેરમાં ભેટી પડવાનું અને ચીનમાં જઇને જિનપિંગની સામે ઝુકવાનું.

રાહુલે ટોણો મારતા કહ્યું હતું કે આખો દેશ ઇચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં આવે, તેમ છતા ચીન સતત ભારત સામે અડચણ ઉભી કરીને આતંકી મસૂદ અઝહરને બચાવી રહ્યું છે જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદી ચીનના પ્રમુખ સાથે ઝુલે ઝુલે છે. જેના હાથ લોહીથી રંગાયેલા છે તે આતંકી મસૂદ અઝહરને ભાજપે બીજી વખત જવા દીધો છે.

નોંધનીય છે કે અગાઉ કંદહાર કાંડ સમયે ભાજપની સરકાર હતી અને મસૂદ અઝહરને છોડવો પડયો હતો. જેને પગલે રાહુલે કહ્યું હતું કે ભાજપ દ્વારા બીજી વખત મસૂદને જતો કરવામાં આવ્યો છે. 

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું હતું કે આતંકવાદ સામેની સમગ્ર વિશ્વની જંગ માટે આ અતી દુ:ખદ દિવસ છે. અને એટલી જ દુ:ખદ બાબત એ પણ છે કે નરેન્દ્ર મોદીની વિદેશ નીતી દેશને એકબાદ એક આંચકા આપી રહી છે.

જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશને જણાવે કે ૧૯૯૯માં આ મસૂદ અઝહરને છોડનારી ભાજપ સરકાર જ હતી. રાહુલે અન્ય એક ટોણો મારતા કહ્યું હતું કે લોકસભાની આ ચૂંટણી મહાત્મા ગાંધીના ભારત અને તેમના હત્યારા નાથુરામ ગોડ્સેના ભારત વચ્ચેની છે.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ જિનપિંગને આમંત્રણ આપ્યું હતું, તેઓ ગુજરાત આવ્યા ત્યારે મોદીની સાથે બેસીને ઝુલે ઝુલ્યા હતા, જેને પગલે રાહુલે આ ઘટનાને ટાંકીને મસૂદ અઝહર મુદ્દે ચીને ભારત સાથે જે દગાબાજી કરી તે મુદ્દે મોદીને ઘેર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter