GSTV
Home » News » ચીની ભારતને ચેતવણી, માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ થશે તો ચુપ નહીં બેસીએ

ચીની ભારતને ચેતવણી, માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ થશે તો ચુપ નહીં બેસીએ

માલદીવના રાજકીય સંકટ પર ચીનના સરકારી અખબારના તંત્રીલેખમાં ભારતને ચેતવણી આપવામાં આવી છે. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું છે કે સૈન્ય હસ્તક્ષેપ કરવામાં આવશે તો ચીન ચુપ બેસશે નહીં. ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું છે કે માલદીવનું હાલનું રાજકીય સંકટ તેનો આંતરીક મામલો છે. જો ભારત સૈન્ય હસ્તક્ષેપ કરશે, તો ચીન પણ વળતી કાર્યવાહી કરવા માટે બાધ્ય બનશે.

માલદીવના રાજકીય સંકટ વચ્ચે ચીને ધમકી ભરેલા લહેજામાં ભારતને કહ્યું છે કે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તો બીજિંગ ચુપ બેસશે નહીં. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે કે માલદીવ હાલ સંકટની સામે ઝઝૂમી રહ્યું છે અને તેવામાં ભારતે પણ સંયમથી કામ કરવું જોઈએ. માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપનું સમર્થન કરનારાઓને નિશાને લેતા માલેમાં અનધિકૃત સૈન્ય હસ્તક્ષેપ રોકવો જોઈએ- શીર્ષક હેઠળ તંત્રીલેખ પ્રકાશિત કર્યો છે. આવા હસ્તક્ષેપને આંતરરાષ્ટ્રીય સંબંધોના માપદંડ પ્રમાણે ચીની અખબારે અયોગ્ય ગણાવ્યા છે.

ગ્લોબલ ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તમામ દેશોએ એકબીજાના સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડિતતા અને હસ્તક્ષેપ નહીં કરવાના સિદ્ધાંતનું સમ્માન કરવું જોઈએ. જો માલદીવમાં પરિસ્થિતિ વધુ ખરાબ થાય, તો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હેઠળ આનું સમાધાન કાઢવું જોઈએ. મહત્વપૂર્ણ છે કે માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નશીદે ભારત સરકારને ટાપુસમૂહોના દેશમાં રાજકીય સંકટને દૂર કરવા માટે સૈન્ય હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો હતો.

પાંચમી ફેબ્રુઆરીએ માલદીવના રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામિને દેશમાં કટોકાટી લાગુ કરી હતી. નશીદે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે માલદીવના લોકો તરફથી તેઓ ભારતને સેના સમર્થિત રાજદ્વારી મોકલવાનો આગ્રહ કરી રહ્યા છે. જેથી ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મેમૂન અબ્દુલ ગયૂમ સહીતના રાજકીય કેદીઓ અને ન્યાયાધીશોને મુક્ત કરાવી શકાય.

આ પહેલા સાતમી ફેબ્રુઆરીએ ચીને પરોક્ષપણે ભારતના માલદીવમાં હસ્તક્ષેપ સામે ચેતવણી આપી હતી અને બહારી દખલગીરીથી સંકટ વધારે જટિલ બનશે તેવી પ્રતિક્રિયા આપી હતી. ચીને માલદીવના રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ્લા યામિનનું સમર્થન કરવાનો ઈન્કાર કર્યો હતો. બીજિંગે અન્ય દેશોની આંતરીક બાબતોમાં હસ્તક્ષેપ નહીં કરવાની નીતિનું પાલન કરવાનો દાવો પણ કર્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યુ હતુ કે માલદીવની હાલની સ્થિતિમાં પક્ષકારો વચ્ચે વાટાઘાટોથી સંકટ ઉકેલવું જોઈએ. ચીન ઈચ્છતું નથી કે ડોકલામ બાદ માલદીવ પણ ભારત સાથે ટકરાવનો મુદ્દો બને.

મહત્વપૂર્ણ છે કે નશીદ ભારત સાથે નિકટવર્તી માનવામાં આવે છે. તેમને 2012માં ષડયંત્ર હેઠળ માલદીવના રાષ્ટ્રપ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હતા. માલદીવની સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ફેબ્રુઆરીએ વિપક્ષના નવ હાઈપ્રોફાઈલ રાજકીય કેદીઓની મુક્તિ અને તેમની વિરુદ્ધના કેસો રાજકારણ પ્રેરીત હોવાનું જણાવ્યું હતું. માલદીવની સરકાર અને સુપ્રીમ કોર્ટના આમને-સામને આવવાને કારણે અહીં કટોકટી જાહેર કરવામાં આવી હતી.

Related posts

ચંદ્ર પરથી પાછા ફરવા કર્યો પેનનો જબરો જુગાડ, આર્મસ્ટ્રાંગે આ રીતે ચંદ્રની સપાટી પરથી ભરી હતી ઉડાન

Arohi

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમેરિકામાં માનવતસ્કરી કરનાર ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની સજા અને લાખો ડોલર દંડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!