GSTV
Home » News » ગુજરાત કોંગ્રેસનું ‘મિશન પ૦ ટકા’ : 13 બેઠકો જીતવાનો દાવો, 9માં કોંગ્રેસ પણ જાણે છે હારશે

ગુજરાત કોંગ્રેસનું ‘મિશન પ૦ ટકા’ : 13 બેઠકો જીતવાનો દાવો, 9માં કોંગ્રેસ પણ જાણે છે હારશે

હિંદીભાષી ત્રણ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કોંગ્રેસનો જુસ્સો વધી ગયો છે. કોંગ્રેસ પાસે આ લોકસભાની ચૂંટણીમાં જીતનો સૌથી મોટો ચાન્સ છે. ભાજપને ખુદ ડર છે કે, 26માંથી 26 બેઠકો જીતી નહીં શકાય. ભાજપને પણ 4થી5 બેઠકો ગુમાવવાનો ડર છે. કોંગ્રેસે મિશન 50 ટકા શરૂ કરી 26માંથી 13 બેઠકો જીતવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં તેઓ સફળ કેટલા થશે એતો આગામી સમય જ બતાવશે પણ કોંગ્રેસે આ વર્ષે ચાન્સ લેવાની 100 ટકા જરૂર છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હાલમાં સેન્સ લેવાની કામગીરી કરાઈ રહી છે.

રાજીવ સાતવ 5મીએ ગુજરાત આવશે

લોકસભાની ચૂંટણીને આડે હવે 3 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે સત્તામાં વાપસી કરવા કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાવાના કારણે કોંગ્રેસે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી માટે કોઇ કચાશ છોડવા નથી માંગતી.આ જ ધ્યેય સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી 5 જાન્યુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાજીવ સાતવ લોકસભાના ઉમેદવારોની પસંદગી અંગે બેઠક યોજશે. તેમજ નારાજ સિનિયર નેતાઓ સાથે પણ વન ટુ વન બેઠક કરી શકે છે.

કોંગ્રેસે ગુજરાતમાં ‘મિશન પ૦ ટકા’ શરૂ કર્યું

આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતમાં ‘મિશન પ૦ ટકા’ શરૂ કર્યું છે, જેમાં તે લોકસભાની ર૬માંથી ૧૩ બેઠકો પર વિજય મેળવવા માંગે છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં એક પણ બેઠક જીતી શકી ન હતી અને સફાયો બોલાઈ ગયો છે. મોદીના જાદુમાં ગુજરાતે 26માંથી 26 બેઠકો જીતાડી મોદીને પીએમ બનાવવામાં સહયોગ આપ્યો હતો. પરંતુ આ વખતે ર૬ બેઠકોમાંથી અડધી બેઠકો જીતી શકાશે તેમ કોંગ્રેસ માને છે. તેણે બૂથ લેવલ કમીટી દ્વારા તળિયાં સુધી જનસંપર્ક વધારવાની યોજના ઘડી છે. કોંગ્રેસ પ્રતિબધ્ધ કાર્યકર્તાઓની પણ શોધમાં છે. કોંગ્રેસની યોજનાઓથી માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે મિશન પ૦ ટકામાં લોકસભાની ૧૩ બેઠકોને લક્ષ્ય બનાવવામાં આવશે.

આ બેઠકો જીતવાની કોંગ્રેસને છે આશા

 • આણંદ
 • અમરેલી
 • બનાસકાંઠા
 • સાબરકાંઠા
 • પાટણ
 • જુનાગઢ
 • દાહોદ
 • બારડોલી
 • સુરેન્દ્રનગર
 • જામનગર
 • પોરબંદર
 • ભરૂચ
 • મહેસાણા

કોંગ્રેસને ખબર છે આ બેઠકો પર નહીં જીતાય

 • અમદાવાદ (પૂર્વ)
 • અમદાવાદ (પશ્ચિમ)
 • નવસારી
 • સુરત
 • વડોદરા
 • ગાંધીનગર
 • ભાવનગર
 • કચ્છ
 • વલસાડ

શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોને ફોન કરી તેમના અભિપ્રાય લીધા હતા

કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દેવાઇ છે. લોકસભામાં સક્ષમ ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ દ્રારા આ વખતે નવો કિમીયો અજમાવવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોનો મેસેજ મારફતે જવાબ લેવામાં આવી રહ્યો છે કે તેઓ કોને પોતાના ઉમેદવાર માટે પસંદ કરી રહ્યાં છે. મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સીએમની પસંદગી માટે પણ રાહુલ ગાંધીએ શક્તિ પ્રોજેક્ટમાં જોડાયેલા લોકોને ફોન કરી તેમના અભિપ્રાય લીધા હતા. ત્યારે લોકસભાના ઉમેદવાર માટે પણ આ જ પેટર્ન અમલમાં મુકવામાં આવી છે.

પ્રભારીની નિમણુક કરી ઉમેદવારની પસંદગી માટે ટાસ્ક સોંપી દેવાયા

લોકસભાના ઉમેદવારની પસંદગીને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્રારા જીલ્લા અને તાલુકા સંગઠનની બેઠકો અને કામગીરી પર રિવ્યુ બેઠકો યોજવામાં આવી રહી છે. તો તમામ જીલ્લાઓમાં અનુભવી અને સિનિયર આગેવાનોની પ્રભારી તરીકેની નિમણુક કરીને ઉમેદવારની પસંદગી માટે ટાસ્ક સોંપી દેવાયા છે.

બેઠકો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી

અગાઉની બે વિધાનસભા ચૂંટણીઓ અને બે લોકસભાની ચૂંટણીઓનાં પરિણામોના ગહન વિશ્લેષણ પછી આ બેઠકોને ઓળખવામાં આવી છે. કોંગ્રેસના એક પદાધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહયું કે, ‘આ બેઠકો મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે અથવા અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર બેઠકો છે જયાં કોંગ્રેસ હાજરી ધરાવતી હતી અને વધુ ટેકો મેળવી શકે તેમ છે.’ કોંગ્રેસે આ મતક્ષેત્રો હેઠળ દરેક એસેમ્બલી સેગમેન્ટમાં ગુજરાત કોંગ્રેસના એક સચિવ ફાળવ્યા છે. સચિવોને ચોકકસ યોજના મુજબ કામ કરવા જણાવાયું છે, જેમાં બૂથ લેવલના કાર્યકરો ઓળખવા, તેમને યોગ્ય સમિતિમાં ગોઠવવા, સમગ્ર એસેમ્બલી મતક્ષેત્રમાં કોંગ્રેસના સક્રિય કાર્યકરોની ચકાસણી કરવી અને પક્ષના કાર્યકરો સાથે વાતચીતના કાર્યક્રમનો સમાવેશ થાય છે.

સમગ્ર કવાયત પર એક પ્રાઇવેટ કન્સલ્ટન્સી નજર રાખશે

દરેક એસેમ્બલી સેગમેન્ટમાં લગભગ ર૭૦ બુથ પર તેનું અમલીકરણ કરવામાં આવશે. કોંગ્રેસે ઉમેદવારોની એક ઉપરછલ્લી યાદી પણ તૈયાર કરી લીધી છે. તેમાંથી અમુકે પોતાના ક્ષેત્રમાં કામગીરી શરૂ કરી દીધી છે. જો કે સાથીપક્ષો સાથે વાતચીત પછી ચૂંટણી નજીક આવે ત્યારે જ આ યાદી જાહેર કરવામાં આવશે. પાયાના સ્તરે થતી સમગ્ર કવાયત પર એક પ્રાઇવેટ કન્સલ્ટન્સી નજર રાખશે.

Related posts

બીમારીથી પીડાઈ રહેલા 103 વર્ષના માન કૌરે કહ્યું એશિયન ગેમ્સમાં પદક જીતવુ છે

Kaushik Bavishi

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને EDએ આ કારણે મોકલ્યુ સમન

Mansi Patel

કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબ્યો, વાહનવ્યવહાર કરાયો બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!