ગુજરાતને ગાયની ચોથી નવી નસલ મળશે, ડગરીને મળશે માન્યતા

કાંકરેજ, ડાંગી, ગીર ગાય બાદ હવે ગુજરાતમાં ગાયની ચોથી નસલની ઓળખ થઇ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ ડગરી ગાયની ઓળખ કરી છે. ડગરી ગાયની સંશોધન કાર્યવાહી કરી માન્યતા મેળવવા રાજ્ય પશુપાલન વિભાગે તૈયારી કરી છે. ટૂંક જ સમયમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો, કરનાલને દરખાસ્ત મોકલવામાં આવશે.

રાજ્યમાં ત્રણ નસલની ગાયો

ભારતમાં સૌથી વધુ પશુ નસલોની ઓળખ ગુજરાતમાં થઇ છે. રાજ્યમાં ત્રણ નસલની ગાયો, ચાર નસલની ભેંસો, ૩ નસલના ઘેટાં – ઘોડા, ૨ નસલના ઉંટ, એક નસલના ગર્દભની ઓળખ થઇ છે અને જેને માન્યતા પણ મળી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૬-૧૭માં ડગરી ગાયનું આનુવંશિક અને બાહ્ય લાક્ષણિકતાનું પાત્રાલેખન કર્યુ હતું.

યુનિવર્સિટીએ ૬૦૦ ગાયોના શારિરીક લક્ષણોનું માપલેખન કર્યુ

ડગરી ગાય રાજ્યના આદિવાસી-પહાડી વિસ્તારો જેવા કે દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદામાં સૌથી વધુ જોવા મળે છે. ડગરી ગાય ગુજરાત માળવી તરીકે પણ જાણીતી છે.આ ગાય અન્ય ગાય કરતાં જુદી પડે છે. યુનિવર્સિટીએ ૬૦૦ ગાયોના શારિરીક લક્ષણોનું માપલેખન કર્યુ હતું.  માત્ર ડગરી ગાય જ નહીં, બચ્ચાના વજન, પ્રજનન અને બળદોની ખેતીલક્ષી કાર્યક્ષમતાના વૈજ્ઞાાનિક માપદંડોની ય માપણી કરી હતી.

પર્વતીય ઓલાદ ગણાતી ડગરી ગાય ચરિયાણ પર નિર્ભર રહે છે પરિણામે ઘાસચારાની ઓછી જરુરિયાત રહે છે. જોકે, ડગરી ગાયનું દૂધ ઉત્પાદન ઘણુ ઓછું છે. આ નસલના નાના કદના બળદો વધુ કાર્યક્ષમ માટે પ્રચલિત છે. આમ, ગુજરાતને ગાયની ચોથી નવી નસલની ગાય મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter