GSTV
Home » News » કઠોળનું રેકોર્ડબ્રેક આયાત : આંશિક પ્રતિબંધો ખોખલા પુરવાર થયા

કઠોળનું રેકોર્ડબ્રેક આયાત : આંશિક પ્રતિબંધો ખોખલા પુરવાર થયા

સરકારના કૃષિમાં આયાત-નિકાસના નિર્ણયો વેપારીલક્ષી વધુ અને ખેડૂતો માટે ખોટના સોદા સાબિત થઈ રહ્યા છે. કઠોળમાં એક પણ પાકના ભાવ ટેકાથી ઊંચા નથી ત્યાં આયાતમાં આંશિક પ્રતિબંધો અને આયાતડ્યૂટીમાં વધારાના નિર્ણયો તરકટ સાબિત થયા છે.

સરકાર ડબલ ગેમ રમી રહી છે. વિદેશથી આયાતની છૂટછાટમાં વેપારીઓનાં ખિસ્સાં ભરાઈ રહ્યાં છે અને ખેડૂતો પાસેથી ટેકાએ ઊંચા ભાવે ખરીદી કરી બજારમાં નીચા ભાવે વેચાણ કરી લોકોના પરસેવાની કમાણીનાં ટેક્સ પેટે ઉધરાવેલાં નાણાંના લાખના બાર હજાર કરી રહી છે. મગફળી તેનું તાજેતરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. કઠોળના ખેડૂતોને આ વર્ષે ઊંચા ભાવ મળે તેવી સંભાવના હવે ઓછી છે. આ વર્ષે 230 લાખ ટનથી વધુ કઠોળનું ઉત્પાદન છતાં રેકોર્ડબ્રેક આયાત થઈ છે. આંશિક પ્રતિબંધો ખોખલા પુરવાર થયા છે. સરકાર દ્વારા જાહેર કરેલા આંક પ્રમાણે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કુલ 50.80 લાખ ટન કઠોળની આયાત થઈ છે, જે પેટે ભારતે 17,280 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ગુમાવ્યું છે.

દેશમાં વર્ષ 2016-17માં 229 લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું છે. સરકાર પાસે 19 લાખ ટનનો સ્ટોક છે. જેના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવા વચ્ચે સરકારે 30મી જાન્યુઆરી સુધી ફરી 5.60 લાખ ટન કઠોળની ખરીદી પેટે ખેડૂતોને 3077 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. સરકારે ઓસ્ટ્રેલિયા, ટાન્ઝાનિયામાંથી ચણાની સતત આયાતને પગલે 21 ડિસેમ્બરના રોજથી ચણાની આયાત પર 30 ટકા આયાતશુલ્ક લગાવ્યો છે. પણ એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં ચણાની આયાત 5.83 લાખ ટન થઈ છે. ગત વર્ષે આ આંક 1.22 લાખ ટન હતો.

બજારમાં ઓછા ભાવ વચ્ચે ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદી એ જરૂરી છે, પણ સરકારનાં આયોજનના અભાવે 51 લાખ ટન કઠોળની આયાત થઈ ચૂકી છે. દેશની 245 લાખ ટન કઠોળની વપરાશ વચ્ચે હવે સ્થાનિક ખેડૂતોએ પકવેલા કઠોળના ભાવ નથી મળી રહ્યા અને આપણે વિદેશી ખેડૂતોને સારા ભાવ ચૂકવ્યા છે.

ભારતમાં કૃષિસંલગ્ન નિકાસ છેલ્લાં ચાર વર્ષમાં 19 ટકા ઘટી ગઈ છે. વર્ષ 2013-14માં 39.6 અબજ ડોલરનો વેપાર વર્ષ 2016-17માં ઘટીને 32 અબજ ડોલર રહી ગયો છે. આ સમયગાળામાં કૃષિ સંબંધિત વસ્તુઓની આયાતમાં 66 ટકાનો વધારો થયો છે. વર્ષ 2013-14માં 14.6 અબજ ડોલરથી વધીને વર્ષ 2016-17માં 24.2 અબજ ડોલરે પહોંચી ગઈ છે. કૃષિક્ષેત્રની નિકાસમાં વધારો થાય તો કૃષિવિકાસને ચાર ચાંદ લાગે પણ આયાત-નિકાસમાં આયોજનોને અભાવે કૃષિ વિકાસદર ઘટીને 2.1 ટકા રહે તેવી સંભાવના છે.

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!