કચ્છમાં પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ તરફી તાલુકા પંચાયતના ઉપપ્રમુખના રણ રિસોર્ટમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે રીતે નર્મદાના પાણીનું કનેકશન લગાવવામાં આવ્યું છે. પરિણામે નજીકના સગુ ગામના લોકોને પાણી મળતું નથી.
પંચાયત દ્વારા આ મુદ્દે ઠરાવ કરાયો હોવા છતાં ગ્રામજનો પીવાના પાણીથી વંચિત છે. અને વહીવટીતંત્ર જવાબદારો સામે કોઇ પગલાં નથી ભરતું. કોંગ્રસે વધુમાં આક્ષેપ કર્યો છે કે બન્ની વિસ્તારને પુરું પાડવાનું પાણી રણ ઉત્સવમાં આપી દેવામાં આવે છે. આથી બન્ની વિસ્તારના લોકો અને તેમના પશુઓ માટે ભરશિયાળે પાણીની તંગી સર્જાય છે. આથી જો પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.