કેન્દ્રીય કેબિનેટે બુધવારે ગુજરાતનાં કંડલા પોર્ટને એક નવું નામ આપ્યું છે. દેશના ટોચના 12 પોર્ટમાં સ્થાન ધરાવતાં ગુજરાતના કંડલા પોર્ટનું નામ દીનદયાલ પોર્ટ રખાયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર કંડલા પોર્ટનું નામ બદલી દેવાયું છે. હવે કંડલા પોર્ટ દીનદયાલ બંદરગાહનાં નામથી ઓળખાશે. કચ્છનાં રણમાં સ્થિત કંડલા પોર્ટ ટ્રસ્ટ દેશનાં સૌથી મોટા 12 બંદરોમાંનું એક છે.
કેન્દ્રીય પ્રધાનમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને બહાલી આપવામાં આવી હતી. કંડલા પોર્ટનું નામ અગાઉથી જ બદલી નાખવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્રીય પ્રધાનમંડળે હવે મંજૂરીની મ્હોર મારી છે.
કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે કંડલા પોર્ટનું નામ બદલી પંડિત દીનદયાલ પોર્ટ રાખવાની જાહેરાત કરી હતી.
સામાન્ય રીતે દેશમાં પોર્ટ જે શહેરમાં હોય તેની સાથે જ નામ જોડવામાં આવે છે, પરંતુ અગાઉ પણ સરકારે ખાસ કિસ્સામાં મહાન નેતાઓના નામ સાથે નામકરણ કર્યું છે. નિવેદનમાં જણાવ્યું હતું કે કંડલા પોર્ટનું નામ બદલી દીનદયાલ પોર્ટ રખાતા કૃતજ્ઞ રાષ્ટ્રના દેશના મહાન સપૂતોના યોગદાનને યાદ કરવા સમાન છે.
મંત્રાલયનાં આદેશ અનુસાર કેન્દ્રીય સરકારે ભારતીય પોર્ટ અધિનિયમ-1908નાં અંતર્ગત કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ સંશોધન કરી “દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ” કરી દીધું છે.