GSTV
Home » News » ભાદરવે ભરપૂર : જુઓ ગુજરાતમાં આજે મેઘરાજા ક્યાં ક્યાં મન મૂકીને વરસ્યાં?

ભાદરવે ભરપૂર : જુઓ ગુજરાતમાં આજે મેઘરાજા ક્યાં ક્યાં મન મૂકીને વરસ્યાં?

રાજ્યના કેટલાક સ્થળોએ આજે વરસાદનું આગમન થયું છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના ડભોઇ, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદથી જળબંબાકાર થયું છે.

બનાસકાંઠા 

ફરી એકવખત બનાસકાંઠાવાસીઓને ભારે વરસાદનો ડર સતાવી રહ્યો છે. પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા 72 કલાક સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લા પર હાલમાં ભારે વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. જેથી ભારે વરસાદ વરસે તેવી પૂરી શકયતા છે.

ભાવનગર

રાજ્યમાં ભારે વરસાદના પગલે ભાવનગરના સિંહોર પંથકમાં વરસાદ વરસ્યો છે. જેમાં સિહોર તાલુકાના વરલ ગામની નદીમાં ઘોડાપુર આવ્યુ છે. તો પાલિતાણામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જકાતનાકા સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે.. વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદના કારણે અહીં અંધારપટ છવાયો છે. અત્યારસુધીમાં ભાવનગરમાં સાર્વત્રિક 1 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

પાલીતાણામાં ધોધમાર વરસાદ પડતાંની સાથે જ એસ ટી.રોડ પર વીજ વાયર તૂટી પડયો.આ ઘટનાની સાથે જ પી.જી.વી.સી.એલની ઘોર બેદરકારી સામે આવી છે.આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. આ ઘટના બનતાની સાથે જ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયાં હતા

ભાવનગરમાં ભારે વરસાદના પગલે વરતેજ નજીક આવેલ માલેશ્રી નદીમાં ઘોડાપુરની સ્થિતી સર્જાઇ છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે ભાવનગર પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે.. વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરસાદના કારણે અનેક સ્થળોએ વીજળી ગુલ થઇ છે. તો અત્યારસુધીમાં ભાવનગરમાં સાર્વત્રિક 1 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ડભોઇ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડભોઈના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી.  વરસાદના પગલે ઢાઢર નદીનું પાણી દંગીવાડા ગામના માર્ગો પર ફરી વળ્યું. ડભોઈના નારણપુરા, કરાલીપુરા અને વીરપુરા ગામ સંપર્ક વિહોણા બન્યાં છે.

ભરૂચ

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ વચ્ચે ભરૂચના હાંસોટમાં સૌથી વધારે 80 મી.મી. વરસાદ નોંધાયો છે. ભરૂચ શહેરમાં પડેલા વરસાદથી પાંચબત્તી, સેવાશ્રમ રોડ, કસક અને ફુરજા સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. જેથી વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતાં.

છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે નસવાડીની અશ્વિન નદી બે કાંઢે વહેવા લાગી છે. નદીનો નજારો જોવા ગ્રામજનો ઉમટી પડ્યાં છે. અશ્વિની નદી બાદ ઓરસંગ નદી પણ બે કાંઠે વહી રહી છે. છેલ્લા 3 દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

વાપી

વાપીમાં મેઘરાજાએ મહેર કરી છે. વાપી, પારડી, ભિલાડ અને ઉમરગામમાં વરસાદ પડ્યો છે. ડાંગરના પાકને અનુકુળ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. મધુબન ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. મધુબન ડેમમાં પાણીની આવક થતાં દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી નદી કિનારના વિસ્તારના ગામડાને એલર્ટ કરવામાં આવ્યાં છે.

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત પ્રાંતિજમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. વરસાદ બાદ મહદઅંશે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના વહીવટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

ગોધરા

ગોધરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વીજળી સાથે સમગ્ર પંથકમાં મેઘ રાજાએ અમી છાંટણા કર્યા છે. વરસાદના પગલે ગોધરાના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

ધોળકા

ધોળકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. પવન સાથે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ધોળકામાં ત્રણ જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાં હોવાની ઘટના સામે આવી છે. શહેરના મફલીપુર ગામ, સંતોકબા હોસ્પિટલ અને ત્રાસદ જવાના રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે.

સુરત

સુરતમાં મોડી રાત્રે પડેલા વરસાદે વિરામ લીધા બાદ સવારે ફરીથી વરસ્યો. જેને કારણે શહેરમાં પાણી ફરી વળ્યા હતા. સુરતના ઉધના-નવસારી રોડ પર ભારે વરસાદ વરસ્યો હતો. સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા.

 

Related posts

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, 5 દિવસ વહેલો થશે પગાર

Bansari

સુરત : મસાજ પાર્લરમાં આગ લાગતા નાસભાગ, ફાયર ફાયટર ઘટના સ્થળે

Nilesh Jethva

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!