આ રહ્યાં લાંબા, કાળા, સુંવાળા, મજબૂત વાળ પામવાના આસાન ઉપાય

સૌંદર્યના  નિખારમાં  વાળનું  મહત્ત્વ ત્વચા કરતાં  જરાય ઉતરતું ન ગણી  શકાય.  જે રીતે  લિસ્સી-  સુંવાળી, ડાઘ-ધાબા વિનાની  ત્વચા તમારી  સુંદરતાને  નિખારે  છે એ રીતે જ મખમલી – ચમકદાર  કેશ તમને વધુ આકર્ષક બનાવે  છે. 

પરંતુ મોટાભાગની  સ્ત્રીઓ  પોતાના વાળ વિશે એક યા બીજા  પ્રકારની  ફરિયાદ કરતી જોવા મળે છે.   જો કે સૌંદર્ય  નિષ્ણાતો કહે  છે કે  જો  તમે તમારા  કેશની ચોક્કસ રીતે માવજત  કરો તો તે અચૂક લાંબા, રેશમી  અને ચમકદાર  બની શકે.  આને  માટે  તેઓ વિવિધ પ્રકારની  પધ્ધતિઓ  વિશે માહિતી  આપતાં કહે છે…..

 • વાળને  ચમકદાર  બનાવવામાં  જાસૂદના  ફૂલ મહત્ત્વનો ભાગ ભજવે છે. જાસૂદના  એક કપ  જેટલા પાન રાતભર પાણીમાં  પલાળી રાખો.  સવારના  આર પાનમાં  અડધો  કપ બદામનું  તેલ અને  પાંચ મોટા  ચમચા દહીં  નાખીને  સારી રીતે ભેળવી  લોે. હવે તેને માથા પર  લગાડીને  અડધો કલાક રહેવા દો. ત્યારબાદ  કેશ  શેમ્પૂ  કરી લો. 
 • આ સિવાય  વાળને  કુદરતી ચમક આપવા બેથી ત્રણ  સ્ટ્રોબેરી , એક  મોટો ચમચો નારિયેળ  તેલ અને  એક મોટો  ચમતો મધ  મિક્સરમાં  નાખીને  પ્યુરી બનાવી લો.  આ પેસ્ટને  વાળ ભીના  કરીને તેના પર લગાવો.  થોડીવાર  બાદ વાળ ધોઈ લો.
 • વાળને  મૂળમાંથી  મજબૂત  કરવા માટે  કાંદાનો  ઉપયોગ  કરી શકાય.  કાંદાનો રસ કાઢીને  તેને વાળના મૂળમાં લગાવો.  ૧૫  મિનિટ  પછી વાળ  શેમ્પૂ કરી લો.  કાંદામાં  રહેલા  સલ્ફરથી  વાળ મૂળમાંથી  મજબૂત  થાય છે અને  તેમાં વધારાની  ચમક આવે  છે.

 • જો  તમારા વાળ વાંકડિયા  હોય અને તમે  તેને બાઉન્સી બનાવવા ઈચ્છતા હો  તો અડધા  મોટા ચમચા જીરા  પાવડરમાં  અડધું  કપ ઓલિવ ઓઈલ અને એરંડિયાનું  તેલ નાખીને  મિક્સ કરી લો. આ  મિશ્રણ  વાળમાં  લગાડીને  ૧૫ મિનિટ  પછી કેશ શેમ્પૂ  કરી  લો.
 • જો  તમારા વાળનો રંગ ફીકો પડી ગયો હોય તો પેરૂના  પાનને પીસીને વાળમાં  લગાડો. ૨૦ મિનિટ  પછી કેશ ધોઈ  લો.
 • કેરીની  સીઝનમાં   આંબાની ગોટલીને સુકવીને  તેનો પાવડર  બનાવી રાખો.  આ પાવડર  તેમ જ  આમળાનો  પાવડર  કોપરેલ  તેલમાં  ભેળવીને  માથામાં ઘસો.  અડધા કલાક  પછી વાળ ધોઈ લો. 

 • વાળને  કાળા  કરવામાં  સરસવનું  તેલ મદદગાર પુરવાર  થાય  છે.  અલબત્ત, તેની તીવ્ર  ગંધ  ઘણાં લોકો સહન કરી શકતા નથી. પણ જેઓ  સરસવના  તેલની ગંધ  સહન કરી શકે તે ચાર મોટા  સરસવના  તેલમાં  ૬૦ ગ્રામ મહેંદીના પાન નાખીને  તેને થોડીવાર  ઉકાળી લે. વાળ ધોવાથી  અડધા  કલાક પહેલા આ તેલ માથામાં  લગાવવાથી  વાળ કાળા  થાય  છે.
 • વાળ વધતા અટકી  ગયા  હોય કે અત્યંત  ધીમે ધીમે વધતા હોય તો આમળાના રસમાં  થોડો લીંબુનો રસ ઉમેરો.  આ મિશ્રણ  વાળના  મૂળમાં  લગાવીને  ૧૫ મિનિટ  રહેવા  દો. હવે  વાળને શેમ્પૂ  કરી  લો.
 • લાંબા કેશ માટે લીમડાના  પાનને  સુકવીને તેનો પાવડર  બનાવી લો.  મેયોનીઝમાં  આ પાવડર  ભેળવીને  વાળમાં  લગાવી રાખો.  થોડાં કલાક  પછી કેશ ધોઈ લો. 
 • વાળ  શુષ્ક થઈ  ગયા  હોય કે બહુ  ખરતા  હોય તો એક પાકેલા કેળાને છુંદીને તેમાં મધ તેમ જ  ફુદીનાના પીસેલા  પાન નાખો. આ પેસ્ટને  વાળને મૂળમાં  લગાડી  અડધો- પોણો  કલાક રહેવા દો. મધ અને કેળાથી  વાળ કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ  થાય છે.  વળી આ  પેસ્ટ  પૌષ્ટિક  હોવાથી  વાળ ખરવાની  સમસ્યા પણ  દૂર થાય છે. 

 • વાળમાં  ખોડો  થવો બહુ સામાન્ય  સમસ્યા  છે. તેમાંથી  છૂટકારો  મેળવવા  બે મોટા ચમચા  લીંબુનો  રસ,  બે મોટા ચમચા ઓલિવ ઓઈલ અને  બે મોટા  ચમચા પાણીને  સારી રીતે  મિક્સ કરો. આ મિશ્રણ  વાળના  મૂળમાં  લગાવો.  અડધા કલાક પછી  કેશ શેમ્પૂ  કરો. 
 • જો માથા  પર પોપડા જામવાની  સમસ્યા  હોય તો કોપરેલ  તેલમાં  લસણની  બે કડી  કૂટીને  નાખો.  આ  તેલથી  વાળના  મૂળમાં  માલીશ  કરો.  એક કલાક પછી કેશ ધોઈ  લો.
 • વાળના  મૂળને  સ્વસ્થ રાખવા ઓલિવ  ઓઈલમાં  આદુનો  થોડો  રસ  ભેળવો.  હવે  આ મિશ્રણ  માથામાં લગાવો.  થોડીવાર પછી હર્બલ  શેમ્પૂથી  વાળ ધોઈ લો.
 • બે કપ પાણીમાં  અડધો કપ લીમડાના પાન નાખીને  ઉકાળો.  હવે તેને ગાળીને  ઠંડુ થવા  દો. તેમાં  પા  કપ કોપરેલ  તેલ ભેળવીને માથામાં  લગાવો.  અડધા  કલાક પછી  વાળ  ધોઈ લો.  આ પ્રયોગ વાળને  ખરતા અટકાવે  છે.
 • ત્રણ  કપ પાણીમાં  એક મોટો  ચમચો ભરીને  મેથીના  દાણા નાખો. તે સારી રીતે ભીંજાઈ જાય પછી  તેને ગાળી લો. વાળ શેમ્પૂ કર્યા પછી  કેશ પર  આ પાણી  નાખવાથી  તે કંડિશનરની  ગરજ સારશે. કોપરાનું  દૂધ કાઢીને તેમાં  એક કેળંું  છૂંદીને  ભેળવી દો.  આ મિશ્રણ  માથામાં  અડધા કલાક  માટે લગાવી રાખો.  હવે  કેશને હર્બલ  શેમ્પૂથી ધોઈ લો.
 • કોપરેલ  તેલને  હુંફાળું  ગરમ કરો. આ  તેલથી  વાળના  મૂળમાં  ૧૦ મિનિટ સુધી માલિશ  કરો.  આમ કરવાથી  માથાનું રક્ત પરિભ્રમણ ઝડપી બને  છે અને તેનો સીધો ફાયદો  વાળને  મળે  છે.  આ તેલથી  માલીશ  કર્યા પછી અડધા  કલાકમાં  વાળ ધોઈ લો.
 • બે મોઢાળા  વાળની  સમસ્યામાંથી  મુક્તિ મેળવવા  વાળને શેમ્પૂ કર્યા પછી  તેની પોની વાળી લો. હવે તેના  છેવાડામાં  હેર સીરમ  અથવા કંડિશનર  લગાવો.  બે-ત્રણ મિનિટ પછી  કેશ ધોઈ  લો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter