આધારની અનિવાર્યતાને કાયદાની એરણે નવો પડકાર મળ્યો છે. શનિવારે રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી હતી કે, બેંક એકાઉન્ટ્સને આધાર કાર્ડ સાથે લિંક કરવા પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ કાયદા હેઠળ ફરજિયાત છે. આરબીઆઈના નિર્ણયની બંધારણીય કાયદેસરતાને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આના પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિના ખાનગીપણાના ભંગને ટાંકીને આધાર વિરુદ્ધ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેના ઉપર હજી આખરી નિર્ણય થવાનો બાકી છે. સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કલ્યાણી મેનન સેને દાખલ કરી છે. તેઓ મહિલા અધિકારવાદી છે અને 25 વર્ષથી મહિલાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. કલ્યાણીએ 23 માર્ચે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરને પડકારતા જણાવ્યું હતું કે તમામ નાગરિકોને પોતાના મોબાઈલ નંબરોને પણ આધાર સાથે લિંક કરવા પડશે. જો કે તેમનું કહેવું છે કે બંને નિર્ણયોથી લોકોના ખાનગીપણાનો ભંગ થાય છે. તેથી આ નિર્ણય ગેરબંધારણીય છે. કલ્યાણી મેનન સેનની અરજી પર આગામી સપ્તાહે સુનાવણી થવાની શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે, સુપ્રીમ કોર્ટના નવ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે, ખાનગીપણાનો અધિકાર બંધારણના અનુચ્છેદ-21 હેઠળ આપવામાં આવેલા જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો ભાગ છે. હવે સુપ્રીમ કર્ટની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ આધારના મામલામાં ખાનગીપણાના અધિકારનો ભંગ થાય છે કે નહીં તેનો નિર્ણય કરશે.