GSTV
Home » News » આજની સોમવતી અમાસનું શાસ્ત્રોક્ત મહત્વ, શું આજની અમાસ ભારે કહેવાય ?

આજની સોમવતી અમાસનું શાસ્ત્રોક્ત મહત્વ, શું આજની અમાસ ભારે કહેવાય ?

વર્ષમાં ઘણાં ઓછા દિવસો આવતા હોય છે કે, જ્યાં આપણે પ્રભુસ્મરણ કરી અખૂટ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ. આજનો દિવસ એવો જ પુણ્યશાળી છે. શાસ્ત્રમાં વિધાન છે કે, આજે પ્રભુભક્તિ કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે, પોતાનો પરિવાર સુખી અને સમૃદ્ધ થાય છે અને એ પ્રાપ્ત થયેલું સુખ શાશ્વત ટકે છે. શાશ્વત ટકવું એટલે આપણે જે પ્રાપ્ત કર્યું છે તેનો નાશ ન થાય. જીવનમાં જો નુકશાન ન થાય તો એ સૌથી મોટો ફાયદો સમજવો. જીવનમાં ક્યારેય હાનિ ન થાય અને શુભફળ પ્રાપ્ત થાય તો પ્રગતિ નક્કી જ જાણવી. આજે સોમવાર અને અમાસનો સુમેળ છે જેથી, આજની અમાસ – સોમવતી અમાસ કહેવાય છે. આજની સોમવતી અમાસનું શું મહત્ત્વ છે ? આજના દિવસને મૌની અમાવસ્યા શા માટે કહેવાય છે ? આજે એવા ક્યા કર્મ કરવા કે જેથી આપણો સંકલ્પ સિદ્ધ થાય ? આ જ વિષયની શાસ્ત્રોક્ત માહિતી આપને આજે આપી રહ્યો છું. જેથી આપને આપના પરિશ્રમનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય.

અમાસ શું છે, અમાસ કોને કહેવાય ?

 • સૂર્ય-ચંદ્રના આંશિક મિલનના દિવસને અમાસ કહેવાય છે.
 • જ્યાં સૂર્ય અને ચંદ્ર સાથે હોય છે અને તેમના અંશ સમાન હોય છે. જ્યારે સૂર્ય અને ચંદ્રના અંશ સમાન થાય ત્યારે ચંદ્રનું બળ ઘણું ઘટી જાય. એક પ્રકારે ચંદ્ર ક્ષીણ થઈ જાય છે. સમાજમાં આપણે સાંભળીએ છીએ કે, અમાસ ભારે. અમાસના સંપૂર્ણ સમયગાળામાં મન નકારાત્મકતા ધારણ કરે. ગંભીર બિમારીમાં સપડાયેલો વ્યક્તિ જીવનની ઇચ્છા ત્યાગી દે છે. પોતે ક્યારેય સાજો નહીં થઈ શકે તેવા વિચારો તેને આવે છે. મુશ્કેલીમાં સપડાયેલો વ્યક્તિ આપઘાતના વિચારો કરવા લાગે. આમ અંતર-મન ઉપર સર્વપ્રકારે હતાશા વ્યાપી જાય છે. કારણ કે, આજે ઇચ્છાશક્તિ, ઉત્સાહ અને મનનો કારક ચંદ્ર બળ ગુમાવે છે.
 • આજે જો ચંદ્ર અને સૂર્યના નક્ષત્રનો અભ્યાસ કરીએ તો ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરે છે, સૂર્ય પણ શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરે છે. શ્રવણ નક્ષત્ર દેવગણ નક્ષત્ર છે. એટલે કે, શુભ છે. પણ, ચંદ્ર અને સૂર્ય આ બેઉ અગત્યના ગ્રહ રાહુ સાથે પ્રતિયુતિમાં છે અને ચંદ્ર અને સૂર્ય સાથે કેતુ પણ ગોઠવાયેલો છે. આમ, આજે આત્માનો કારક સૂર્ય અને મનનો કારક ચંદ્ર એક પ્રકારે શુભનક્ષત્રમાં હોવા છતાં દૂષિત છે.
 • હું એમ કહીશ કે આજની અમાસ થોડી ભારે છે પણ શાસ્ત્રની અંદર આપણને ખૂબ પવિત્ર અને મહત્ત્વનું માર્ગદર્શન સાંપડ્યું છે. જેના દ્વારા આપણે આ પ્રત્યેક દૂષિત અસરોને નાબૂદ કરી શુભફળ પ્રાપ્ત કરવા સમર્થ બનીશું.

આજે સોમવતી અમાસ છે. જેને મૌની અમાવસ્યા પણ કહેવાય છે. આજે કુલ પાંચ મહત્ત્વની ઘટનાનો સુમેળ સધાયો છે-

 • આજે આ પાંચ વાતનું ખૂબ મહત્ત્વ છે. (1) મૌન જાળવવું (2) પીપળાના વૃક્ષની પૂજા (3) શિવજીની પૂજા (4) ગંગાસ્નાન (5) સૌભાગ્યની કામના.
 • સૌ પ્રથમ મૌન જાળવવાથી શું ફાયદો થશે તે સમજી લઈએ – (1) મૌન જાળવવાથી – આપણી આત્મિક શક્તિ ખૂબ જ વધ છે. જ્યારે નૈસર્ગિક ઊર્જાની બચત કરીએ ત્યારે આપણી આત્માની શક્તિ બળવાન થાય છે. શાસ્ત્રમાં આ વાતનો પુરાવો મોજુદ છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધનનો વિજય થાય તે માટે ગાંધારીએ પોતાના આંખના પાટા ખોલી પ્રથમ દુર્યોધનને નિરખ્યો હતો અને દુર્યોધન વજ્રનો થઈ ગયો. શા માટે આમ થયું હશે ? થોડો ઊંડો વિચાર કરીએ તો સમજાશે કે ગાંધારીએ જે આંખો દ્વારા વેડફાતી ઊર્જા બચાવી તેનો સંચય થયો અને તે ઊર્જાનો પાત દુર્યોધન ઉપર કર્યો. બીજું ઉદાહરણ ધૃતરાષ્ટ્રનું છે- ધૃતરાષ્ટ્રના 100 પુત્રો કુરુક્ષેત્રમાં માર્યા ગયા. ધૃતરાષ્ટ્રનો અતિ પ્રિય દુર્યોધન પણ આ યુદ્ધમાં ભીમ દ્વારા માર્યો ગયો. જેથી, ધૃતરાષ્ટ્રના મનમાં ડંખ રહી ગયો.
 • યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્રે શ્રીકૃષ્ણ સમક્ષ પાંડવોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. આ મુલાકાત દરમિયાન ધૃતરાષ્ટ્ર બોલ્યા કે, મારો પ્રિય ભીમ ક્યાં છે ? મારે તેને આલીંગન આપવું છું. શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રનો મલીન ઇરાદો સમજી ગયા અને ભીમને ધૃતરાષ્ટ્ર સમક્ષ ન મોકલ્યો અને ભીમનું પૂતળું ધૃતરાષ્ટ્ર સમક્ષ સરકાવી દીધું. ભારે રોષ સાથે ધૃતરાષ્ટ્ર એ લોખંડી પૂતળાને ભેટ્યા અને તે પૂતળના ચૂરેચૂરા થઈ ગયા હતા. શા માટે આમ બન્યું ? જાણે-અજાણે ધૃતરાષ્ટ્રની નૈસર્ગિક શક્તિનો પણ સંચય થયો હતો અને એ શક્તિ બળ એટલું વિપુલ અને શક્તિશાળી હતું કે એ લોખંડી પૂતળાના પણ ચૂરેચૂરા થઈ ગયા. આ ભૌતિક યુગમાં નિત્ય મૌન પાળવું પ્રત્યેક માટે શક્ય ન થાય. પણ, આજનો દિવસ જો મૌન ધારણ કરીશું તો થોડેઘણે અંશે આપણી નૈસર્ગિક શક્તિ બળવાન બનશે. વળી, શ્રીકૃષ્ણે ગીતામાં સ્થિતપ્રજ્ઞતાની એટલે કે એકાગ્ર ચિત્તની વાત ખૂબ સારી પેઠે કરી છે. એ સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ મેળવવા તરફ આ મહત્ત્વનું ડગલું થઈ રહે.

આજે શિવપૂજાનું શું મહત્ત્વ છે ?

 • આજે આસુરી શક્તિ પ્રબળ છે કારણ કે, ચંદ્ર અને સૂર્યનું બળ પણ આજે ઘટ્યું છે. આ બે ગ્રહોનું બળ જ્યારે જ્યારે ઘટે ત્યારે તામસી બુદ્ધિ પ્રબળ બને. તામસી બુદ્ધિ વ્યક્તિને અનિષ્ઠ તરફ ધકેલતી હોય છે. વ્યક્તિ ન કરવાનું કાર્ય કરી બેસે અને મુશ્કેલી વહોરી લે. જીવનમાં વણજોઈતી ગંભીર પરિસ્થિતિ દાખલ ન થાય તે માટે આજે શિવપૂજા અવશ્ય કરવી.
 • શિવપૂજન કરીએ ત્યારે આત્મા અને મનની શુદ્ધિ થાય. આપણે કોઈપણ પ્રકારના ગભરાટ અને ભયથી મુક્ત થઈએ. વળી, પ્રગતિ મેળવવી હશે તો ગભરાટ અને ભયથી મુક્ત થવું પડશે.
 • શિવજી ચંદ્રશેખર છે. તેમણે ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે અને ગંગાજી જટામાંથી અસ્ખલિત વહે છે. શિવપૂજાથી પ્રથમ પવિત્ર થઈશું ત્યારે જ ભક્તિમાર્ગ ઉપર આગળ વધી શકીશું. શિવપૂજા આજે અખંડ અને અક્ષુણ્ણ પવિત્રતા અર્પશે.

સોમવતી અમાસે પીપળાના વૃક્ષનું પૂજન શા માટે કરવામાં આવે છે ?

 • अश्वत्थ सर्ववृक्षाणाम्  એટલે કે વૃક્ષોમાં હું પીપળો છું. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતાના વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહી છે. એટલે કે – શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના સ્વરૂપની સમજણ આપી છે કે, શ્રીકૃષ્ણ સ્વયં ક્યાં ક્યાં બિરાજમાન છે. વળી, કળીયુગમાં મનુષ્યને શ્રીકૃષ્ણ દુર્લભ નથી તેઓ આપણી સમીપ જ છે તેની પ્રતીતિ તેમણે આપણને કરાવી છે. પીપળમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમાયેલું છે.
 • આજે પીપળાની પૂજા કરવાથી એક પ્રકારે પિતૃતર્પણ થાય છે.
 • પિતૃઓના આત્માને સુખ પ્રાપ્ત થાય છે અને આપણને આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
 • સ્ત્રીઓ પોતાના પરિવાર અને સૌભાગ્યની વૃદ્ધિ-સમૃદ્ધિ માટે પીપળાના વૃક્ષને સૂતરનો દોરો લપેટી 108 પ્રદક્ષિણા ફરે છે અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે.
 • ઓમ નમો ભગવતેવાસુદેવાય – આ મંત્રનો જાપ કરતા કરતા પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા ફરવાથી આજે અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
 • કુરુક્ષેત્રના યુદ્ધ પછી યુધિષ્ઠિરને ચિંતા થઈ કે મારા ઘણાં વડીલો યુદ્ધમાં માર્યા ગયા છે. શું તેમનો જીવ અવગતે જશે ? તેમની મોક્ષ પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ ? આ પ્રકારે  જ્યારે ચિંતીત થઈ યુધિષ્ઠિર ભીષ્મપિતામહ પાસે ગયા ત્યારે ભિષ્મપિતામહે પિપળાના વૃક્ષનું પૂજન કરવાનું તેમજ ગંગાસ્નાન કરવાની સલાહ યુધિષ્ઠિરને આપી હતી.
 • આજે પ્રયાગરાજના કુંભમેળામાં શાહીસ્નાનનો અવસર છે. અગણિત શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવી પોતાના સર્વપાપથી મુક્ત થશે અને શુભસંકલ્પ સાથે જીવનનો નૂતન પ્રારંભ કરશે. પ્રત્યેક દેવો અને તીર્થસ્થાન સ્વયં સોમવતી અમાસના દિવસે નદીઓમાં સમાયેલા રહે છે.
 • આપણે ગંગાસ્નાન કરી શકીએ તો ઉત્તમ છે પણ ન કરી શકીએ તો સ્થાનિક નદીમાં કે પછી ઘરે – ગંગૈ ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, નર્મદે સિંધુ કાવેરી સંન્નિધિં કુરુ – શ્લોક બોલી સ્નાન કરવું.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

 • ઈતિ શુભમ્

Related posts

આ નેતા મોદી પર ભડક્યા: બોલ્યા, બધુ મોદી નામનું બની રહ્યું છે,હવે માત્ર મોદી નામનાં ચપ્પલ બનવાના બાકી છે

Riyaz Parmar

Tik Tok પર ભારતમાં પ્રતિબંધ હટી શકે છે, કંપનીની આ જાહેરાતથી સરકાર પર આવશે પ્રેશર

Path Shah

મુકેશ અંબાણીનાં રસપ્રદ કિસ્સા, જે ઓછા લોકોને હશે ખબર

Path Shah