આજથી રામમંદિર નિર્માણ મુદ્દે સાધુ-સંતોની બે દિવસીય બેઠક

લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને રાજકારણ ગરમાયું છે. રામમંદિર નિર્માણ પર ચર્ચા માટે આજથી સાધુ-સંતોની બે દિવસીય બેઠક ધર્માદેશ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમાં શરૂ થઈ રહી છે. દિલ્હીમાં સાધુ-સંતોનો આ જમાવડો પ્રયાગરાજ કુંભ પહેલા સૌથી મોટો જમાવડો છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં દેશભરમાં ત્રણ હજાર મુખ્ય સંતો એકઠા થઈ રહ્યા છે.

આ બેઠકમાં હિંદુ ધર્મના તમામ 125 સંપ્રદાયોના સંતો ભાગ લઈ રહ્યા છે. 1990ના રામમંદિર આંદોલન બાદ હિંદુ ધર્મ અંતર્ગત આવતા સવાસો સંપ્રદાયોની આ બેઠક પહેલીવાર થઈ રહી છે. વીએચપી સાથે જોડાયેલા સાધુ-સંતો પહેલા જ રામમંદિર આંદોલનને તેજ કરવા માટે સાંસદોનો ઘેરાવ કરવાનું એલાન કરી ચુક્યા છે. ત્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશી દ્વારા રામમંદિર નિર્માણ માટે કાયદા પર વિચારણા અને 1992 જેવા આંદોલનની જરૂર પડે તૈયારી વચ્ચે સાધુ-સંતોનું સંમેલન યોજાઈ રહ્યું છે.

અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે સંતોને નિરાશ કર્યા છે. આ નિરાશા બાદ સંતો શું નિર્ણય લેશે તે કોઈ કહી શકે તેમ નથી. પરંતુ કોઈ મોટો નિર્ણય જરૂરથી થશે. સંતોની આ બેઠકને ધર્માદેશ નામ આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે ધર્મનો આદેશ. આ બે દિવસીય બેઠકના ત્રણ સત્રો યોજાઈ રહ્યા છે. પહેલા સત્રમાં રામમંદિર આંદોલન દરમિયાન અયોધ્યામાં ગોળીબારને કારણે જીવ ગુમાવનારા કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

આ સિવાય 1966માં સંસદની સામે ગોળીબારનો ભોગ બનેલે ગૌરક્ષકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બેઠકના બીજા સત્રમાં ધર્માંતરણના નવી-નવી રીત-ભાતો અપનાવાઈ રહેલી મિશનરીઓ પર વક્તાઓ પોતાની વાત રજૂ કરશે અને ઢોંગી બાબાઓ વિરુદ્ધ પણ સત્રમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જ્યારે ત્રીજા સત્રમાં ચોથી નવેમ્બરે શ્રીશ્રી રવિશંકર સહીત તમામ મોટા સંતો અને શંકારાચાર્ય સબરીમાલા પર સંબોધન કરશે અને રામમંદિર પર પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter