GSTV
Ahmedabad Trending

અમદાવાદની ઓળખસમી ઐતિહાસિક સિદી સૈયદની જાળીની શું ખાસિયત છે?

અમદાવાદની ઓળખ બનેલી ઐતિહાસિક સીદી સૈયદની મસ્જિદની જાળી વિશ્વ પ્રખ્યાત છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી બનેલી છે. આ જાળી નકશીકામનો બેજોડ નમુનો ગણાય છે. અમદાવાદની પ્રસિદ્ધ ઇમારતોમાંની એક હોવા ઉપરાંત સીદી સૈયદની જાળી અમદાવાદના ચિહ્ન તરીકે પણ વપરાય છે.

અમદાવાદમાં આવતાં દેશ-વિદેશના પ્રવાસીઓ સીદી સૈયદની જાળી જોવા અચૂક જાય છે. શહેરના ભરચક વિસ્તાર એવા લાલ દરવાજા પાસે સીદી સૈયદની મસ્જિદ આવેલી છે. જેની એક દિવાલ પર ચાર જાળીઓ છે. આ જાળીઓનું નકશીકામ બેનમૂન છે. તેમાંય સીદી સૈયદની જાળી જે કહેવાય છે તે ખજૂરીના ઝાડની ડાળીઓ વાળી જાળી છે. પ્રથમ નજરે જોતાં એમ લાગે કે ખજૂરીના ઝાડની ડાળીને પથ્થરો વચ્ચે ગોઠવીને ફિટ કરી દીધી છે. પરંતુ તે રેતિયા પથ્થરોથી કંડારાયેલી કલાત્મક જાળી છે. સીદી સઈદની જાળી શહેરના સ્મૃતિચિહ્ન તરીકે પ્રસ્થાપિત થઈ છે. સલ્તનત યુગમાં વર્ષ ૧૫૭૩માં સીદી સૈયદે આ જાળી બનાવી હતી. સીદી સૈયદે બનાવી હોવાથી આ જાળી તેના નામથી જ પ્રચલિત થઈ. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊચાઈ સાત ફૂટ છે.

જાળી પથ્થરના બદલે કપડાં પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન લાગે છે. ઢળતા સૂર્યનો પ્રકાશ જયારે આ જાળીમાંથી ચળાઈને આવે છે ત્યારે કંઈક જુદું જ વાતાવરણ સર્જાય છે. સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી બેનમૂન મસ્જિદ બનાવી હતી. પરંતુ અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે. તેનું અવસાન થતાં તેને આ મસ્જિદમાં દફનાવાયો હતો. અંગ્રેજો ત્રીજી જાળી લઈ ગયા હોય તેવી વાતને કોઈ સમર્થન મળતું નથી. રશિયાનો ઝાર જ્યારે ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે તેણે સીદી સઈદની જાળીની મુલાકાત લીધી હતી. તે પછી ઈંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ પણ જાળીની કોતરણી જોઈને અચંબામાં પડી ગયાં હતાં.

અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશો પણ મહેમાનોને આ જાળીની પ્રતિકૃતિ ભેટમાં આપે છે. અમદાવાદની ઓળખનાં ચિહ્નો તરીકે સ્થાપિત થયેલી જાળીની પ્રતિકૃતિ બહારથી આવતા મુલાકાતીઓ તેમની સાથે લઈ જાય છે. તો ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટે તેને પોતાના પ્રતીકમાં સ્થાન આપ્યું છે.

 

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla
GSTV