વિશ્વભરના CEO માટે ભારત રોકાણ અંગે દુનિયાનો 5મો પસંદગીનો દેશ

દુનિયાભરના સીઈઓની નજરે ભારત રોકાણ મામલે દુનિયાનો પાંચમો સૌથી વધુ પસંદગી પામેલો દેશ છે. કન્સલ્ટિંગ ફર્મ પ્રાઈસવોટરહાઉસકૂપર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં ભારતે જાપાનને પછાડીને રોકાણકારોની પસંદગીની યાદીમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આઈએમએફનું અનુમાન છે કે આગામી વર્ષે ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસદર ચીન કરતા વધુ રહેશે.

રોકાણકારોને આકર્ષવાની પ્રવર્તમાન કેન્દ્ર સરકારની કામગીરી અસર દેખાડી રહી છે. દુનિયાભરના તમામ સીઈઓ વચ્ચે કરાવવામાં આવેલા સર્વેક્ષણમાં ભારત રોકાણ માટે પસંદગીના દેશોની યાદીમાં પાંચમા ક્રમાંકે છે. આ પહેલા પાંચમા સ્થાને જાપાન હતું. તેની સાથે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ કહ્યુ છે કે 2018માં ભારત ફરી એકવાર ઝડપથી ઉભરી રહેલી ઈકોનોમી તરીકે આગળ વધશે.

કન્સલ્ટિંગ ફર્મ પ્રાઈસવોટરહાઉસકૂપર્સ દ્વારા કરાવવામાં આવેલા સર્વેક્ષણમાં તમામ સીઈઓનું કહેવું છે કે તેમના હોમ માર્કેટ સિવાય અમેરિકામાં રોકાણ કરવાની તેમની સંભાવના સૌથી વધુ છે. ત્યારબાદ તેમણે ચીનને પોતાની પસંદગી ગણાવી છે. જ્યારે રોકાણકારોની પસંદગીમાં જર્મની અને બ્રિટન અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.

અંગ્રેજી અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સર્વેક્ષણ વડાપ્રધાન મોદી માટે એક બૂસ્ટરની જેમ છે. જો વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહીત કરશે. વડાપ્રધાન મોદીની નજર ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર છે. આ સેક્ટરમાં તેજી લાવવામાં ખાસ સફળતા મળી નથી. રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

પીડબલ્યૂસી ઈન્ડિયાના ચેરમેન શ્યામલ મુખર્જીએ કહ્યુ છે કે, સંરચનાત્મક સુધારાઓથી ગત એક વર્ષમાં ભારતની સ્થિતિ સારી થતી દેખાઈ રહી છે. તેમને મોટાભાગના ગ્રાહકો પોતાના વિકાસ બાબતે આશાવાદી છે. સરકારે પાયાગત માળખું, મેન્યુફેક્ચરિંગ અને કૌશલ જેવા ક્ષેત્રોની ચિંતાઓને દૂર કરવાની કોશિશ કરી છે. જો કે સાઈબર સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા નવા ખતરા પણ ભારતની સામે આવી ચુક્યા છે.

ગત કેટલાક વર્ષોમાં કેટલાક મુખ્ય ક્ષેત્રોને વિદેશી રોકાણકારો માટે ખોલવાથી ચાલુ નાણાંકીય વર્ષના પહેલા છ માસિકગાળામાં ભારતમાં એફડીઆઈમાં 17 ટકાનો વધારો થયો છે. 2016-17માં પહેલીવાર એફડીઆઈ 60 અબજ ડોલરથી ઉપર ગઈ હતી. પરંતુ 2017માં ચીનની 137 અબજ ડોલરની એફડીઆઈથી તે પચાસ ટકાથી પણ ઓછી હતી.

આમ છતાં આઈએમએફ દ્વારા સોમવારે પોતાના પહેલા અનુમાનમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે 2018માં ભારત 7.4 ટકાના વિકાસદરથી આગળ વધશે. 2019માં ભારતનો વિકાસદર વધીને 7.8 ટકા થશે. તેની સામે આઈએમએફના અનુમાનમાં ચીનના વિકાસદરને ભારતના મુકાબલે મંદ પડી જશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. ચીન 2018માં 6.8 ટકાના સ્થાને 6.4 ટકાના વિકાસદરથી આગળ વધશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter