અમેરિકા-ઉ.કોરિયા વચ્ચે તણાવ યથાવત, કોરિયન ક્ષેત્રમાં અમેરિકન બોમ્બર્સનું ફરીથી ઉડાણ

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો તણાવ યથાવત છે. અમેરિકાના બોમ્બર્સે ફરી એક વખત ઉત્તર કોરિયા પરથી ઉડાણ ભરી છે. કોરિયાઈ ક્ષેત્રમાં પેદા થયેલી પરિસ્થિતિ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વની ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી.

ઉત્તર કોરિયા છે કે ટ્રમ્પના સમજાવવાથી માનવા તૈયાર નથી. જેને કારણે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ યથાવત છે. મંગળવારે મોડી રાત્રે અમેરિકાના બોમ્બર્સે નોર્થ કોરિયાના પેનિસુલા વિસ્તાર ઉપરથી ફરી એક વખત ઉડ્ડયન કર્યું છે. આમ કરીને અમેરિકાની વાયુસેનાએ પોતાની તાકાત દર્શાવવાની કોશિશ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, અમેરિકન બોમ્બર્સના ઉડ્ડયનના થોડા સમય પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓ સાથે ઉત્તર કોરિયાની ધમકીનો કેવી રીતે જવાબ આપવો જોઈએ તેના સંદર્ભે મહત્વની ચર્ચા-વિચારણા કરી હતી.

તાજેતરમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણો અને પરમાણુ બોમ્બના પરીક્ષણથી સૈન્ય હલચલમાં વધારો કર્યો છે. કિમ જોંગ ઉનના આદેશ પર જાપાનની ઉપરથી નોર્થ કોરિયાએ બે વખત મિસાઈલો છોડી હતી. ઉત્તર કોરિયા દ્વારા શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નોર્થ કોરિયા દ્વારા અમેરિકા પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતા હોવાના દાવા થઈ રહ્યા છે. તેને કારણે અમેરિકા ખાસું પરેશાન છે.

અમેરિકાની વાયુસેનાના બે બી-વનબી બોમ્બર્સ અને ફાઈટર પ્લેન એફ-15કેએ ઉડ્ડયન કર્યું હતું. આ યુદ્ધવિમાનો દક્ષિણ કોરિયાના ગુઆમ  એરબેસ પર તેનાત છે. બુધવારે સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અમેરિકાના બોમ્બર્સના ઉડ્ડયનના અહેવાલોને પુષ્ટિ આપવામાં આવી છે. સાઉથ કોરિયાના એરસ્પેસમાં પ્રવેશ બાદ બંને બોમ્બર્સે પૂર્વ તટ પર  એર-ટૂ-ગ્રાઉન્ડ મિસાઈલ ડ્રિલ પણ કરી છે.

અમેરિકાને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન દ્વારા સતત પડકાર ફેંકવામાં આવે છે. ઓબામા બાદ ટ્રમ્પ વહીવટી તંત્ર ઉત્તર કોરિયાને તેના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમને બંધ કરવા સતત ચેતવણીઓ આપી રહ્યા છે. પરંતુ કિમ જોંગ છે કે અમેરિકાની કોઈપણ વાત કાને ધરવા તૈયાર નથી. દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન જેવા દેશો ઘણીવાર યુએનમાં આની ફરિયાદ પણ કરી ચુક્યા છે. ઉત્તર કોરિયા પર અમેરિકા અને યુએનએસસીના પ્રતિબંધો પણ બેઅસર સાબિત થયા છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter