અમેરિકામાં ભારતીય માલિકીના 7-Eleven સ્ટોર્સ પર ઇમિગ્રેશન વિભાગની તવાઈ, 21થી વધુની ધરપકડ

અમેરિકામાં ભારતીયોની માલિકીના ૧૦૦ જેટલા ‘સેવન-ઇલેવન’ સ્ટોર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓએ આ દરોડા દરમિયાન ૨૧થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ કોલંબિયા ડિસ્ટ્રિક્ટ સહિત ૧૮ રાજ્યોમાં દરોડા પાડીને ૨૧ લોકોની ધરપકડ કરી હતી. અમેરિકામાં મોટા ભાગના સેવન-ઇલેવન સ્ટોર્સની માલિકી ભારતીય મૂળના અમેરિકનોની છે.

આઇસીઇના ડેપ્યુટી ડાયરેક્ટર અને વરિષ્ઠ અધિકારી થોમસ ડી હોમને જણાવ્યું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા લોકોને નોકરી પર રાખનારી કંપનીઓ માટે ચેતવણીરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે વસતા લોકોને જો નોકરી પર જ રાખવામાં ન આવે તો આ સમસ્યા દૂર થઇ શકે છે.

જો કે આઇસીઇ દ્વારા આ કાર્યવાહી અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. ધરપકડ કરાયેલા ૨૧ લોકો સામે હવે દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સેવન-ઇલેવનના ૮૬૦૦ સ્ટોર્સ આવેલા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter