ત્રિપુરામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, 74 ટકા મતદાન

ત્રિપુરામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ. જેમાં કુલ 60 બેઠકોમાંથી 59 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થઇ. સાંજે ચારના ટકોરે ચૂંટણી પૂર્ણ થઇ છે. અહીં 4 વાગ્યા સુધીમાં 74 ટકા જેટલું મતદાન થયું હતુ. આ ચૂંટણીમાં ભાજપ અને સત્તાધારી ડાબેરીઓ વચ્ચે ટક્કર છે.

ડાબેરીઓ છેલ્લા 25 વર્ષથી રાજ્ય પર સત્તામાં છે. 3215 મતદાન કેન્દ્ર પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ. જે એકંદરે શાંતિપૂર્ણ રહી. ચરીમલ વિધાનસભા બેઠક પર માકર્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર રામેન્દ્ર નારાયણદેવ વર્માનું પાંચ દિવસ પહેલા નિધન થવાથી આ બેઠક પર 12 માર્ચે ચૂંટણી યોજશે. ચૂંટણીમાં 20 બેઠકો અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત છે.

રાજ્યમાં ડાબેરી મોરચાના 60 અને ભાજપના 51 ઉમેદવારો સહિત કુલ 292 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. જેમાંથી 23 મહિલા ઉમેદવાર છે. ત્રિપુરાની ચૂંટણી ડાબેરી પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઇ છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર રેલીઓ સંબોધી હતી. જ્યારે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત પક્ષના ઘણા મોટા નેતાઓએ આક્રમક પ્રચાર કરી ચુક્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી હતી. રાજ્યના મુખ્યપ્રધાન માણિક સરકારે રાજ્યમાં 50થી વધુ રેલીઓ સંબોધી હતી. આ ઉપરાંત સીતારામ યેચુરી અને વૃંદા કરાત સહિત અન્ય ડાબેરી નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter