યેદિયુરપ્પા દ્વારા સરકાર બનાવવાના દાવા વચ્ચે ભાજપની ફ્લોર ટેસ્ટની રણનીતિ પણ રસપ્રદ બની રહેશે

કર્ણાટકમાં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવા છતાં બહુમતીના આંકડાથી આઠ જેટલી બેઠકો દૂર છે. આવા સંજોગોમાં યેદિયુરપ્પા દ્વારા સરકાર બનાવવાનો દાવો કરાયો છે. ત્યારે કર્ણાટકમાં ધારાસભ્યોની સંખ્યાના અંકગણિતના આધારે ભાજપની ફ્લોર ટેસ્ટની રણનીતિ પણ ઘણી રસપ્રદ બની રહેવાની છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી મળી નથી. નવી સરકાર બનાવવાને લઈને પેંચ ફસાયો છે. તો ફ્લોર ટેસ્ટમાં પણ ઘણાં દાંવપેચ જોવા મળવાના છે. આ ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો પ્રાપ્ત થઈ છે અને ભાજપે યેદિયુરપ્પાની આગેવાનીમાં કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. હવે ભાજપની કોશિશ છે કે કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને બહુમતી માટે જરૂરી 112 ધારાસભ્યોના ટેકાનો પત્ર રાજ્યપાલને આપી શકે નહીં.

જો કે જેડીએસ અને કોંગ્રેસના ચૂંટણી પછીના ગઠબંધન પાસે પરિણામોના આંકડા મુજબ 117 ધારાસભ્યોનો ટેકો છે. આ સંખ્યા પ્રમાણે 113ના મેજિક ફિગર કરતા ચાર ધારાસભ્યો વધારે છે. કોંગ્રેસ પ્રમાણે ધારાસભ્ય દળની બેઠકમાં ચાર એમએલએ પહોંચ્યા નથી. જેડીએસના બે ધારાસભ્યો પણ પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાંથી ગાયબ છે. આ આ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે એક અપક્ષ ધારાસભ્ય દ્વારા ભાજપને ટેકો આપવામાં આવ્યો છે.

તો કુમારસ્વામીએ બે વિધાનસભા બેઠકો પરથી વિજય પ્રાપ્ત કર્યો છે. તેથી ભાજપ રાજ્યપાલ પર દબાણ વધારશે કે કુમારસ્વામી વિશ્વાસમત પહેલા બેમાંથી એક બેઠક પરથી રાજીનામું આપે. ભાજપ ચાહે છે કે કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળા સૌથી મોટી પાર્ટી એટલે કે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રિત કરે અને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે સમય પણ આપે.

વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન કોંગ્રેસ અને જેડીએસના ઓછામાં ઓછા 15 ધારાસભ્યો ગેરહાજર રહે તેવું આયોજન થઈ રહ્યું હોવાનું ભાજપના સૂત્રોનું કહેવું છે. આવી સ્થિતિમાં કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યો 222થી 207 થઈ જશે. બાદમાં ભાજપ 104 ધારાસભ્યોના દમ પર આસાનીથી બહુમતી સાબિત કરી શકશે.

કારણ કે 15 ધારાસભ્યો ગેરહાજર રહે તો તેવી સ્થિતિમાં મેજિક ફિગર 112થી ઘટીને 104 પર આવી જશે. ભાજપ દ્વારા લિંગાયત અસ્મિતાને મુદ્દો બનાવવાની કોશિશો થઈ રહી છે. લિંગાયત મઠના પ્રભાવનો પણ કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરાય તેવી સંભાવનાઓ વહેતી થઈ છે. તેના માટે ભાજપ દ્વારા લિંગાયત મઠોનો પણ સંપર્ક સાધવાનું શરૂ થયાની અટકળો છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસમાં 21 અને જેડીએસના 10 ધારાસભ્યો લિંગાયત સમુદાયના છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter