સુશાંત સિંહે 15 કરોડ રૂપિયાની એડ ફિલ્મ નકારી કાઢી

નાના પડદેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરીને રૂપેરી પડદે પોતાના અભનયના દમ પર હિટ ફિલ્મો આપનારા અને ટોચના કલાકારોની હરોળમાં ઊભા રહેવા જઇ રહેલા અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે ત્વચાને ગોરી બનાવતી કથિત ફેરનેસ ક્રીમની જાહેર ખબર કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યા મુજબ સંબંધિત ફેરનેસ ક્રીમ બનાવતી કંપનીએ સુશાંતને આ એડ ફિલ્મ કરવા માટે પંદર કરોડ રૂપિયાની મોટી રકમ ઑફર કરી હતી પરંતુ સુશાંતે રસ દાખવ્યો નહોતો.

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ કલાકારો જે તે પ્રોડક્ટની જાહેરખબર અંગે જાગૃત થઇ ગયા છે. સુશાંતને સંબંધિત કંપનીએ ખૂબ વીનવણી કરી હતી પરંતુ સુશાંતે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. એણે કહ્યું કે ત્વચાનો રંગ ઇશ્વર નક્કી કરે છે અને  દુનિયાનું કોઇ ક્રીમ કે ઔષધિ એને બદલી શકે નહીં. માત્ર પૈસા માટે હું મારા હજારો ચાહકો સાથે છેતરપીંડી કરી શકું નહીં. મારા ચાહકો જ મારી સૌથી મોટી મૂડી છે.

  અગાઉ કેટલાક ટોચના કલાકારોએ આ ફેરનેસ ક્રીમની એડ કરી હતી. ગયા વરસે અભિનેતા અભય દેઓલે આવા કલાકારોની જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આ કલાકારો થોડાક રૂપિયા કમાવવા માટે પોતાની ઇમાનદારી ગીરવે મૂકી રહ્યા હતા.

અગાઉ બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર શાહરુખ ખાન જેવા કલાકારોને પણ કાયદેસરની નોટિસ મળી હતી કે તમે જે પ્રોડક્ટનો પ્રચાર કરો છો એ વપરાશકાર સાથે છેતરપીંડી કરે છે. ત્યારબાદ કલાકારો પોતે જે પ્રોડક્ટની જાહેર ખબર કરે એની બાબતમાં થોડા જાગૃત થઇ ગયા હતા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter