સુરત મનપા સંચાલિત શાળાની ઘોર બેદરકારી : 2 વિદ્યાર્થીઓ લોખંડના ગેટ નીચે દબાયા

સુરત મનપા સંચાલિત મહાત્મા જ્યોતિબા ફૂલેની શાળા નંબર 180માં એક ગંભીર ઘટના બની. આ ઘટના એવી હતી કે જેમાં શાળાના વિદ્યાર્થીનો જીવ જઇ શકે તેમ હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે.

સીસીટીવી દ્રશ્યોમાં દેખાય રહેલો લોખંડનો મહાકાય ગેટ સુરતની મનપા સંચાલિત મહાત્મા જ્યોતિબા ફૂલેની શાળા નંબર 180નો ગેટ છે. શાળામાં રિસેષનો સમય હતો. જેથી શાળાનું કોઇ બાળક બહાર ન જાય તે માટે સ્કુલના ગેટને બંધ રખાયો હતો. આ સમયે એક કિશોર બહારથી ગેટ પર ચઢીને અંદર આવે છે. આ કિશોર કોણ છે તેની કશી જ ખબર નથી. આ સમયે સિક્યુરીટી ગાર્ડ પણ હાજર હોય છે તે પણ આ કિશોરને ઓળખતો જ હશે.

કારણકે તેણે આ કિશોરને અટકાવ્યો નહીં.જે શાળાનો ગેટ કૂદીને અંદર આવે છે. આ દરમિયાન આ ગેટની આસપાસ શાળાના અંદાજે 10 વિદ્યાર્થીઓ ઉભા હોય છે. જેઓ કદાચ આ ગેટને ખોલવા માંગી રહ્યા હતા. આમ છતા સિક્યુરીટી ગાર્ડે તેને અટકાવ્યા નહીં. સિક્યુરીટી ગાર્ડ નિષ્ફિકર થઇને અંદર જતો રહે છે. ત્યારબાદ ગેટની બંને તરફથી બાળકો આ દરવાજાને ધક્કો મારે છે અને ત્યાં જ અચાનક આ મહાકાય દરવાજો નીચે પડે છે.

આ દ્રશ્યો ધ્રુજાવી દે તેવા છે.અંદાજે 500 કિલોથી વધુ વજનનો આ ગેટ વિદ્યાર્થીની માથે પડે તો શું થાય તેની કલ્પના માત્રથી ડરી જવાય છે. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની તો થઇ નથી. પરંતુ ગેટ પડતાની સાથે જ 2 વિદ્યાર્થીઓ આ ગેટની નીચે દબાઇ જાય છે. જેમાંથી એક વિદ્યાર્થીને પગમાં જ્યારે બીજા વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. હાલમાં આ બંને વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના બાદ આ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકને જ્યારે પૂછવામાં આવ્યુ ત્યારે તેણે એવી ગોળ ગોળ વાતો કરી.અને આ ઘટના માટે એન્જિનિયર પર જવાબદારી ઢોળવાની કોશિષ કરી.

આ તો થઇ સમગ્ર ઘટનાની વાત પરંતુ આ ઘટના અને સીસીટીવી ફૂટેજને જોતા કેટલાક ગંભીર સવાલો ઉભા થાય છે.

શું આ ગેટને બરાબર ફીટ નહોતો કરાયો?

ગેટ પડી ગયો ત્યારબાદ શા માટે તેને ફરી હતો તેમજ ફીટ કરાયો?

ગેટ કૂદીને આવનાર એ કિશોર કોણ હતો?

શા માટે તેને સિક્યુરીટી ગાર્ડે ગેટ કૂદતા ન અટકાવ્યો?

ઘટના સમયે સિક્યુરીટી ગાર્ડ ત્યાં જ ઉભો હતો તો શા માટે તેણે વિદ્યાર્થીઓને ગેટથી દૂર ન કર્યા?

શા માટે વિદ્યાર્થીઓ જાતે જ ગેટ ખોલવાની કોશિષ કરી રહ્યા હતા?

શા માટે આટલી મોટી ઘટના પછી મ્યુ.તંત્રના એક પણ અધિકારી શાળાની મુલાકાતે ન આવ્યા?

શું મ્યુ.તંત્ર આ ઘટનાની ગંભીર નોંધ લેશે?

શા માટે ગેટનું રિપેરિંગ કામ હાથ ન ધરાયુ?

આ ઘટના ઘણી જ ગંભીર છે. આ ઘટનામાં વિદ્યાર્થીનો જીવ જઇ શકતો હતો. જો કોઇ જાનહાની થઇ હોત તો કોણ જવાબદાર ગણાત. લોકમુખે એવી ચર્ચા છે કે સરકારી તંત્રમાં બધુ જ અંધેર રાજ હોય છે. આ શાળા પણ સરકારી શાળા છે. બહારથી દેખાવ પૂરતી સારી ઇમારત બનાવી દેવાય.પરંતુ ચાલુ શાળાએ આ રીતની ઘટના બને છે ત્યારે શાળાના શિક્ષક વિદ્યાર્થીને હોસ્પિટલ લઇ ગયા.પરંતુ એક પણ ઉચ્ચ અધિકારીએ શાળાની મુલાકાત લેવા સુધીની તસ્દી પણ લીધી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter