સુરત: વેપારી પર ફાયરિંગની ઘટનામાં યોગેશ્વર મહેસૂરિયાએ ટીપ આપી ઘટનાને આપ્યો અંજામ

સુરતના ઉધનામાં તેલના વેપારી પાસે 2 કરોડની ખંડણીની માંગ કરાયા બાદ ઇલેક્ટ્રોનિક્સના વેપારી પર બે રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. વેપારી ભીકમ જૈન પાસેથી રૂપિયાની લેતી-દેતી મામલે યોગેશ્વર મહેસૂરિયા નામના આરોપીએ ટીપ આપી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સુરતના ઉધના વિસ્તારમાં ધોળે દહાડે ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવનારા શખ્શો આખરે પોલીસના સકંજામાં આવ્યા છે. સુરત પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સગીર વયનો છે. ઉધનાના સિલિકોન શોપિંગ સેન્ટરની અંદર ઇલેક્ટ્રોનિકના દુકાનદાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરી બે શખ્શો ભાગી છૂટ્યા હતા. પરંતુ ઘટનાના અર્ધા કલાક પહેલા તેલના વેપારી ભીકમ જૈન પર બે ખોખા રૂપિયા તૈયાર રાખવા માટે ફોન આવ્યો હતો. જે બાદ તેને ડરાવવા ફાયરિંગ કરાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. યોગેશ્વર મહેસુરિયા નામના મુખ્ય આરોપીને ભીકમ જૈન સાથે પૈસાની લેતીદેતી મુદ્દે વિવાદ ચાલતો હતો. જેથી યોગેશ્વર મહેસૂરિયાએ આ યોજના બનાવી હતી.

યોજના મુજબ સચુ ઉર્ફે કરણે જીગર પટેલ સાથે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે પ્રખર અને પ્રતીક ખન્ના તેમજ સગીર વયનો આરોપી ઘટના ઉપર વોચ રાખી રહ્યા હતા. સચુ નામનો આરોપી મૂળ બિહારનો છે અને બિહારથી દેશી બનાવટની પિસ્તોલ લઈને આવ્યો હતો. હાલ સમગ્ર બનાવની તપાસ હવે સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આરોપીઓએ અગાઉ આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter