સુરત :તબીબો દર્દીના પેટમાંથી નળી કાઢવાનું ભૂલી ગયા, ઓપરેશનના દોઢ વર્ષ બાદ થઇ જાણ

સુરત સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. તબીબોની બેદરકારીને કારણે પથરીના એક દર્દીને ઓપરેશન બાદ ફરીથી હોસ્પિટલના પગથિયા ચઢવા પડ્યાં. પથરીનું ઓપરેશન કર્યાના દોઢ વર્ષ બાદ ખબર પડી કે તબીબો દર્દીના પેટમાંથી નળી કાઢવાનું ભૂલી ગયા હતા.

સુરતની સિવિલ હોસ્પિટલ અને વિવાદ હવે એક સિક્કાની બે બાજુ બની ગઇ છે. ગૌતમ બૈસાને નામના દર્દીએ સિવિલ હોસ્પિટલમાં ત્રીજી ઓક્ટોબર 2016નાં રોજ પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તબીબોએ ઓપરેશન કરીને 16 એમએમની પથરી કઢી હતી. પરંતુ તબીબોની એવી બેદરકારી રહી કે ઓપરેશન બાદ નળી કાઢવાની રહી ગઈ હતી. ગૌતમને છેલ્લા પંદર દિવસથી દુઃખાવો થતાં એક્સ-રે અને સોનોગ્રાફી કરાવી ત્યારે તબીબોની બેદરકારી સામે આવી. દર્દીનો આક્ષેપ છે કે સિવિલનાં તબીબોએ તેમને આ નળી કાઢવાની કોઇ મૌખિક કે લેખિત સુચના આપી ન હતી.

તો બીજી તરફ તબીબોએ એવો બચાવ કર્યો કે પથરીનાં ઓપરેશન બાદ પેશાબનાં વહન માટે આ નળી મુકવામાં આવે છે. જેને દોઢ-બે મહિના બાદ કાઢી લેવામાં આવતી હોય છે. પણ દર્દીનાં ડિસ્ચાર્જ કાર્ડમાં આ નળી કાઢવા બાબતે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

દેખીતી રીતે એ વાત સ્પષ્ટ છે કે દર્દીનાં ડિસ્ચાર્જ કાર્ડમાં નળી કાઢવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેનાં કારણે દર્દીને પોતાનાં પેટમાં નળી છે કે નહિં તેની કોઇ જાણકારી હોય ન શકે. ત્યારે તબીબોની એક ભૂલને કારણે દર્દીને ફરીથી પીડાવાનો વારો આવ્યો છે. ત્યારે દર્દી સહિતના લોકોમાં બેદરકાર તબીબો સામે પગલાં લેવા માગ ઉઠી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter