દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી સટાસટી કંઇક આવો રહ્યો દિવસભરનો ઘટનાક્રમ

મેઘરાજાએ ફરી એક વખત દક્ષિણ ગુજરાતને ધમરોળતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.  મંગળવાર રાત્રિના સમયથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ દિવસભર ચાલુ રહેતા દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી અને બારડોલી સૌથી વધુ વરસાદથી પ્રભાવિત થયા છે. તો સુરત અને તાપીમાં પણ સતત વરસી રહેલા વરસાદે મુશ્કેલી સર્જી છે.

નવસારીમાં ધોધમાર વરસાદ

નવસારીમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા નવસારી પાણી પાણી થઇ ગયુ છે. નવસારીમાં મંગળવાર રાત્રિથી શરૂ થયેલો વરસાદ દિવસભર ચાલુ રહેતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.  છેલ્લા 24 કલાકમાં જ નવસારી જિલ્લામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

રસ્તાઓમાં ફરી વળ્યા પાણી

નવસારીના શાંતાદેવી રોડ સેન્ટ્રલ બેંક ભારતી ટોકીઝ  તેમજ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.  રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે જાણે કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નવસારીની નજીક આવેલી ખાડીઓમાં પણ પાણીની આવક વધી છે.  જેના કારણે ઘણી સોસાયટીઓ અને  રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.

રસ્તામાં ઘોડાપુર ઉમટ્યા

ભારે વરસાદને કારણે સમગ્ર નવસારીમાં જાણે કે ઘોડાપુર ઉમટ્યા હતા. નવસારી જિલ્લાના તમામ રસ્તાઓ પર મોટા પાયે પાણી ફરી વળ્યા હતા.  જેન કારણે અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વાહનોને પાણીમાંથી પસાર કરાવતી વખતે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.

અનેક વિસ્તારો જળબંબાકાર

સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લાના વિજલપોર સહિત અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ હતી. મુખ્ય રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદને કારણે ઉભી થયેલી પુર જેવી સ્થિતિને લઇ જિલ્લાવહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.

ઘરોમાં ઘુસ્યા પાણી

ભારે વરસાદને કારણે નીચણવાળા વિસ્તારોના અનેક ઘરોમાં પાણી ઘુસી આવ્યા હતા.  નવસારીમાં દશેરા ટેકરી વિસ્તારમાં રેલ રાહત કોલોની.  બાપુનગર ઝૂપડપટ્ટી કલીયાવાડીમાં રાજીવનગર તથા વિજલપોર શહેરમાં હળપતિવાસ. કોટનમિલ ચાલ વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હતા.

ખેતરોમાં ફરી વળ્યા પાણી

વિજલપોરમાં વરસાદને કારણે સોસાયટી અને જાહેર માર્ગો ઉપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતરો જાણે કે તળાવ સમાન બની ગયા હતા. ખેતરોમાં વરસાદી પાણી ઘુસવાને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

હાઇવે પાણીમાં ગરકાવ

ભારે વરસાદને કારણે નવસારીના મુખ્ય માર્ગો તેમજ જિલ્લાના અન્ય માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. હાઇવે પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. તેમજ વાહનચાલકોને હાઇવે પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી.

ચીખલી કોઝવેમાં પાણી ભરાયા

નવસારીમાં અનરાધાર વરસાદને પગલે ચીખલીના આમધરા-મોગરાવાડી માર્ગ પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા.  કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ખરેરા નદીના જળ સ્તરમાં વધારો થતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

વલસાડમાં વરસાદી કહેર

બીજી તરફ વલસાડમાં પણ મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. વલસાડ ઉપરાંત ધરમપુર પારડી. વાપી ઉમરગામ અને કપરાડામાં વરસાદ પડવાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. વરસાદને પગલે કરંજવેરી અને વાંસદા રોડ પર આવેલા માન નદીના પુલ પર પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વાહનચાલકો ફસાયા હતા.

જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું

વલસાડના કરંજવેરી ગામે આવેલી માન નદીના પુલ પર પાણી ભરાયાનો અહેવાલ સૌપ્રથમ જીએસીટીવી દ્વારા પ્રસારીત કરવામાં આવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.  જીએસટીવીના અહેવાલના પગલે પુલ પર પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બારડોલીમાં મેઘરાજાએ બોલાવી સટાસટી

બારડોલીમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. વરસાદને કારણે બારડોલી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બારડોલીની કોયલી ખાડીમાં વરસાદી પાણીની આવક થતા પૂર આવ્યા હતા. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

પુરમાં તણાવાથી યુવકનું મોત

બારડોલીની કોયલી ખાડીમાં આવેલા પૂરમાં ઈસ્લામાપરના બે યુવક ડૂબી ગયા.. જેમાથી એકનો બચાવ કરવામાં આવ્યો. અન્ય એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. બન્ને યુવક એક મકાનમાં પાણીનો ભરાવો થતા સમાન ખસેડવા ગયા હતા. સામાન ખસેડતી વખતે બંને યુવકો ખાડીમાં પડી ગયા હતા.

ગરનાળામાં પાણી ભરાયા

બારડોલીમાં વરસાદને પગલે શહેરના સુગર ગરનાળામાં પાણી ભરાયા હતા. જેમાંથી પસાર થતી વખતે એક કારચાલક ફસાયો હતો. સ્થાનિક લોકોએ મહામુસીબતે કાર ચાલકને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ગરનાળામાં પાણી ભરાયા હોવા છતા વાહન ચાલકો જીવના જોખમે ગરનાળુ પસાર કરી રહ્યા હતા.

કાછલ ગામમાં પાણી ભરાયું

બીજી તરફ મહુવાના કાછલ ગામમાંથી પસાર થતા હાઈવે પર પાણી ભરાવાના કારણે કાછલ ગામના લોકોમાં રોષ ફેલાયો છે. સતત વરસી રહેલા પાણીના કારણે ગામમાંથી પસાર થતો હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. લોકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઇ ઉકેલ લાવવામાં નથી આવ્યો.

સુરતમાં મેઘરાજાની ટ્વેન્ટી ટ્વેન્ટી

સુરતમાં હવામાન ખાતાની આગાહી વચ્ચે મેઘમહેર થઇ છે. સુરતમાં દિવસભર ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે માર્ગો પર લોકોની ચહલપહલ ઓછી જોવા મળી હતી. હવામાન ખાતા દ્વારા ફરી પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરતમાં ફરી મેઘરાજા સટાસટી બોલાવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

સુરતનો કોઝવે ઓવરફ્લો

સુરતમાં વરસાદને કારણે વિયર કમ-કોઝ વે ઓવરફલો થયો છે. કોઝવેની સપાટી 6.04 ફૂટથી વધી 6.16 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. કોઝવેમાં પાણીની આવક થતા પાણીનો પ્રવાહ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો છે. જેને લઈ બંને તરફના ગેટ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે તંત્રની તાકીદ હોવા છતાં યુવાનો કોઝવેમાં જીવના જોખમે ડૂબકી લગાવતા જોવા મળ્યા હતા.

સુરતમાં જાહેરમાર્ગો પર પાણી ફરી વળ્યા

સુરતમાં મંગળવાર રાત્રિથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પરથી વરસાદી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ઝરમર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.

તાપીમાં સાર્વત્રિક વરસાદ

બીજી તરફ તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદને પગલે કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતા. તો નદીનાળાઓ પણ છલકાઇ ઉઠતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

વાલોડમાં ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી

બીજી તરફ વાલોડમાં વાલોડમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. વાલોડથી શાહપોરને જોડતા માર્ગ પર વિશાળ વૃક્ષ તૂટી પડ્યુ હતુ. જેથી લોકોએ ત્યાંથી પસાર થવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાલોડ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

તંત્ર એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સુરત. નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે. વલસાડની ઔરંગા નદીમાં જળસ્તર વધી રહ્યું હોવાથી વહીવટી તંત્રએ સાવચેતીના પગલાં સ્વરૂપે સાયરન વગાડી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter