દ.ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં જુઓ વરસાદની ક્યાં કેવી પરિસ્થિતિ?

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બુધવારે સમગ્ર દિવસ દરમ્યાન વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં સૌથી વધુ પોણા સાત ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત બારડોલી અને નવસારી શહેરમાં 6 ઈંચ, ખેરગામમાં 5.5 ઈંચ, જલાલપોરમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ડાંગના વઘઈમાં 4.75 ઈંચ, અને વાસંદામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 8 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. તેમજ 60થી વધુ તાલુકા એવા છે કે જ્યાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.

ગાંધીનગરના દહેગામ પંથકમાં ગાજવીજ અને પવનસ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો આજુબાજુના રખિયાલ, સામેત્રી અને ખાનપુર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ થયો હતો.

સંખેડા તાલુકામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

નસવાડીના બોડેલી પંથકમા મેઘરાજાએ જમાવટ કરી હતી. થોડા વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. મહત્વનુ છે કે પૂર્વપટીના ખેડૂતો ખેતી પર નિર્ભર છે ત્યારે તેમના માટે વરસાદનું આગમન થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. તો સંખેડા તાલુકામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના પગલે કોલેજ, હાંડોદ રોડ તેમજ ગામના રસ્તા પાણી પાણી થયા હતા.

બોડેલી તાલુકાના માંકણી ગામે ડેપ્યુટી સરપંચના આંગણામાં મુકેલી કાર પર વર્ષો જૂના પીંપળાનું ઝાડ પડ્યુ હતુ. કારના આગળના ભાગે ઝાડ પડતા એન્જિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ધીમી ધારે ધીરે મેઘ મહેર થતા ધરતીપુત્રો સહિત લોકોમાં આનંદ વ્યાપી ગયો હતો.

પાદરામાં સમી સાંજે મેઘો મહેરબાન થયો છે. દિવસભરના ઉકળાટ બાદ સમી સાંજે વાતાવરણ ઘેરાયું હતું. ઠંડા પવન સાથે મેઘરાજાનું આગમન થતા વરસાદમાં ઠંડક પ્રસરી ગઇ છે. બે કલાક સુધી ધોધમાર વરસાદ વરસવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. રોડ પર એક એક ફૂટ સુધી પાણી ભરાઇ જતા પાદરાના પતળિયા હનુમાન રોડ, ક્રિશ્ના રેસિડેન્સી, હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે.

જૂનાગઢમા મેઘો મન મુકીને વરસ્યો હતો. સોરઠમાં સાર્વત્રિક મેઘ કૃપા થતાં ખેડુતો અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો. જૂનાગઢ શહેરની સરખામણીમાં ગિરનાર પર્વત ઉપર વરસાદનું જોર વિશેષ રહ્યું હતુ. ભવનાથ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો. તો દામોદર કુંડ, નારાયણ ધારા સહીત જળાશયો અને ઝરણાં બે કાંઠે વહેતા થયા હતા.

ધોળકા પંથકમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ

અમદાવાદના ધોળકા પંથકમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ થયો હતો. ધોળકામાં સેવાસદન, પોલીસ સ્ટેશનથી ખાન મજીદ જવાનો રોડ પર, મહમદી સ્કૂલ સહિત ધોળકા બજાર, ગાયત્રી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, રસ્તા વચ્ચે રિક્ષા બંધ પડી જતા ધક્કો મારવાની ફરજ પડતા નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુક્યા હતા.

વડોદરામાં બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન હતુ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા સહિત માર્ગો પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, નોકરીથી પરત ફરતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા. સમગ્ર વડોદરામાં ઠંડક પ્રસરી હતી. મળતી માહિતી મુજબ સાંજ સુધોમાં ૧૪ મી.મી વરસાદ નોંધાયો.

અવિરત વરસાદથી 8 ગામ સંપર્કવિહોણા

તાપી જીલ્લાના અવિરત વરસેલા વરસાદથી આઠ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ચિબરડી, વડપાડા, વાલોથા તેમજ રાનીઅંબા, ઢોંગીઆંબા, લખાલી, ઝાંખરી અને મીરપુર સહિત 8 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા હતા. આ ગામના લોકોએ તાલુકા મથકે જવું હોય તો મોટો ચકરાવો મારીને જવુ પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. સાથે  વિદ્યાર્થીઓએ  પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સાથે જવાબદાર તંત્રના કોઈ અધિકારીઓ ન ફરકતા સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો .

આણંદના વિદ્યાનગરમાં મેઘરાજાનું આગમન

સમગ્ર ગુજરાત રાજ્યમાં સારા વરસાદના સમાચારથી રાજ્યના લોકોમાં ખુશી છવાઇ ગઇ છે. આણંદના વિદ્યાનગરમાં પણ મેઘરાજાએ ધીમે પગલે પોતાના આગમનનો પરિચય લોકોને આપી દીધો છે. વરસાદના આગમનથી સમગ્ર પંથકના લોકોને ગરમીથી રાહત મળતા આનંદ વ્યાપી ગયો છે. તો જગતના તાત ખેડૂતે ખુશી સાથે વાવણીની તૈયારીઓ કરી દીધી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter