પત્રકાર પરિષદમાં ભારતના ધ્વજ અંગે શાહિદ આફ્રિદીએ કંઈક આવું કહ્યું

દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીના ભારત અને પાકિસ્તાનમાં લાખ્ખો સમર્થકો છે. પરંતુ હાલમાં સ્વિઝરલેન્ડમાં એક ક્રિકેટ ઈવેન્ટ દરમ્યાન તેમણે કંઈક એવું કર્યુ કે બંને દેશોના લોકો તેમના વખાણ કરવા લાગ્યા. ખરેખર, સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મેરિત્જ આઇસ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમ્યાન આફ્રિદી પોતાના સમર્થકો સાથે તસ્વીર ખેંચાવી રહ્યાં હતાં. આ દરમ્યાન તેમની સાથે ફોટો ખેંચાઇ રહેલા ભારતીય સમર્થકને તેનો ધ્વજ સીધો કરવા કહ્યું હતું. આ અંગે સોશિયલ મીડિયા પર આફ્રિદીના ભરપૂર વખાણ થયા હતાં.

આફ્રિદીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગેનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે દરેક દેશના રાષ્ટ્રીય ધ્વજનું સન્માન કરવું જોઈએ અને એટલે મે તેમને તેમનો રાષ્ટ્રીય ધ્વજ યોગ્ય રીતે પકડવા માટે કહ્યુ હતું. તેમણે કહ્યું કે, હું ઈચ્છતો હતો કે મારા ફોટા સુંદર આવે. આ સિવાય તે સમયે તેમણે ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધોના ભવિષ્ય વિશે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બે પાડોશી દેશો વચ્ચેની રાજદ્વારી સમસ્યાઓ બંને દેશના ખેલાડીઓ વચ્ચેની મિત્રતાને પ્રભાવિત કરે છે. તેમણે જણાવ્યું કે, બંને દેશોના ખેલાડીઓ ઈચ્છે છે કે તેઓ બંને રાષ્ટ્રના આંતરિક સંબંધોના સારા ભવિષ્ય માટે રમે. આફ્રિદીએ કહ્યું કે, અમે શાંતિના દૂત છીએ અને વિશ્વભરમાં પ્રેમ અને શાંતિ ફેલાવવા ઈચ્છીએ છીએ.

તાજેતરમાં યોજાયેલી વન-ડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ ટીમે પાકિસ્તાની ટીમને હરાવી હતી. આ અંગે વાતચીત કરતાં આફ્રિદીએ કહ્યું કે, મેચ અંગેની તૈયારીઓમાં ઉણપ રહીં હતી. તેમણે કહ્યું કે, ન્યૂઝીલેન્ડ જતાં પહેલાં પાકિસ્તાની ટીમે માત્ર એક જ દિવસ અભ્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેન્ટ મેરિત્જ આઈસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આફ્રિદી સિવાય શોએબ અખ્તર, વિરેન્દ્ર સહેવાગ, ઝાહીર ખાન, ગ્રીન સ્મિથ, એન્ડ્રયુ સાયમંડ્સ, લસિથ મલિંગા અને મહેલા જયવર્ધને પણ ભાગ લીધો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter