જીલ્લા પંચાયતના અધિકારીઓની આડોડાઈથી કંટાળી સાબરકાંઠામાં આ પ્રકારનો ઠરાવ કરાયો

સાબરકાંઠા જીલ્લા પંચાયતના અધિકારીઓ હવે જો કોઈની સામે અણ છાજતું વર્તન કરશે તો તેમનો એક દિવસનો પગાર કપાશે. સાબરકાંઠા જીલ્લા પંચાયતના કેટલાક અધિકારીઓના મનસ્વી વર્તનને લઈને બુધવારની સાધારણ સભામાં હોબાળો મચ્યો અને સાબરકાંઠા જીલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વાર અધિકારીઓનો પગાર કાપવો એવો ઠરાવ કરાયો.

બુધવારે સાબરકાંઠા જીલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખની છેલ્લી સાધારણ સભા તોફાની બની ગઈ. વિરોધનું કારણ હતુ અધિકારીઓની આડોડાઈ. છેલ્લા ત્રણ માસથી સાબરકાંઠા જીલ્લા પંચાયતમાં નવા જીલ્લા વિકાસ અધિકારી તરીકે સ્તુતિ ચારણ મુકાયા છે. જીલ્લા પંચાયતના સભ્યોનો આરોપ છે કે ત્રણ- ત્રણ માસથી નવા ડી.ડી.ઓએ તમામ ફાઈલો ઢગલા મુકી રાખ્યા છે.સહી કરતા જ નથી.

જોકે આ વાતને લઈને જ સભ્યોએ જીલ્લા વિકાસ અધિકારીનો જ ઉધડો લઇ લીધો.તેમજ ક્લાસ વન અને ટુની કેડરના અધિકારીઓ સહીત કામ અર્થે આવનારા લોકો સાથે અણ-છાજતું વર્તન કરતા હોવાની વાતને ગંભીરતાથી લેવામાં આવી અને હવેથી જો કોઈ અધિકારી આ રીતનું વર્તન કરશે તો તેનો એક દિવસનો પગાર કાપવો એવો ઠરાવ કરાયો છે.

સાબરકાંઠા જીલ્લા પંચાયતના અધિકારીઓની આડોડાઈને લઈને સાબરકાંઠા જીલ્લાના ઇતિહાસમાં આ પ્રકારનો ઠરાવ સૌ પ્રથમ વખત કરાયો છે. ત્યારે આગામી સમયમાં મોટા ભાગના અધિકારીઓએ એક -એક દિવસનો પગાર મુકવો પડે તો નવાઈ નહિ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter