OMG: આ બોલરે એક જ ઓવરમાં લીધી 6 વિકેટ, કર્યા તમામને બોલ્ડ

ક્રિકેટના મેદાન પર અનેક રેકોર્ડ તૂટતા હોય છે, અને નવા રેકોર્ડ બનતા હોય છે ત્યારે શુક્રવારે વધુ એક રેકોર્ડ ચર્ચાનો વિષય બન્યો હતો. ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી જૂનિયર સ્તરની ક્રિકેટ મેચમાં લ્યૂક રોબિન્સન નામના એક બોલરે એક ઓવરમાં સતત 6 વિકેટ લઇને સિદ્વિ હાંસલ કરી હતી.

ક્રિકેટની રમતમાં એક ઓવર પર 6 છગ્ગા ફટકારતા બેટસમેન વિશે આપણે સાંભળ્યુ હશે. પરંતુ, શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, એક જ ઓવરના 6 બોલ પર પ્રતિસ્પર્ધી ટીમના 6 ખેલાડીઓને કોઇ બોલરે બોલ્ડ કર્યા હોય? ખરેખર આવી જ એક અજીબોગરીબ ઘટના ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી જૂનિયર સ્તરની ક્રિકેટ મેચમાં જોવા મળી હતી. જેમાં 13 વર્ષિય લ્યૂક રોબિન્સન શુક્રવારે ઉત્તર-પૂર્વ ઇંગ્લેન્ડના હફટન લે સ્પ્રિંગમાં ફિલાડેલ્ફિયા ક્રિકેટ કલબ તરફથી રમી રહ્યો હતો. આ અન્ડર-13 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તેણે અનોખી સિદ્વિ હાંસલ કરી હતી. લ્યૂકે એક જ ઓવરમાં પ્રતિસ્પર્ધી ટીમના 6 ખેલાડીઓને આઉટ કર્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આ બોલરે તમામ 6 વિકેટ બોલ્ડ કરીને હાંસલ કરી ક્રિકેટની દુનિયામાં ડંકો વગાડ્યો હતો. તેની આ શાનદાર બોલિંગની મદદથી તેની ટીમની જીતમાં તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

લ્યૂકના પરિવારનો પણ ક્રિકેટ સાથે અનોખો સંબંધ

નોંધપાત્ર છે કે, લ્યૂકે આ સિદ્વિ હાંસલ કરી ત્યારે તેના પિતા સ્ટીફન રોબિન્સન બોલિંગ એન્ડ પર જ અમ્પાયરિંગ કરી રહ્યાં હતા. જ્યારે તેની માતા હેલેન પેવેલિયનમાં બેસીને સ્કોરબુકમાં આ મેચનો સ્કોરિંગ રેકોર્ડ કરી રહી હતી. એટલું જ નહીં તે રમી રહ્યો તો ત્યારે તેનો નાનો ભાઇ મૈથ્યૂ પણ તેની ટીમમાં હતો અને તે મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તો બીજીતરફ તેના દાદા ગ્લેન પણ બાઉન્ડ્રી લાઇન પર ઉભા રહીને પોતાના પૌત્રની આ યાદગાર ક્ષણના સાક્ષી બન્યા હતા.

લ્યૂકના આ શાનદાર દેખાવ બાદ તેના પિતા રોબિન્સને કહ્યું કે, આ કોઇ સપનુ સાકાર થવા જેવો દેખાવ હતો. હું છેલ્લી 30 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છુ અને મેં પણ હૈટ્રિક લીધી છે. પરંતુ, આ અગાઉ તેઓ ક્યારેય આવા કોઇ દેખાવના સાક્ષી બન્યા ન હતા. કે આજદિન સુધી આ રેકોર્ડ સુધી સાંભળ્યું નથી. જો કે, આજે લાગી રહ્યું છે કે, ક્રિકેટમાં આવું પણ થઇ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter