રીલાયન્સ કોમ્યુનિકેશન વિરુદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવાનો NCLTનો આદેશ

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન કંપની હવે દેવાળું ફૂંકવાને આરે આવી પહોંચી છે. નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે રિલાયન્સ કોમ્યુનિકેશન વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. એનસીએલટીએ સ્વીડનની એરિક્સન કંપનીની આર કોમ વિરૂદ્ધની ત્રણ અરજીઓનો સ્વીકાર કર્યો છે. પરિણામે મોટા ભાઇ મુકેશ અંબાણીની જિયો ઇન્ફોકોમને વાયરલેસ એસેટ્સ વેચવાની આર કોમની ડીલ પણ અટકી શકે છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન એટલેકે આરકોમના માલિક અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર ફરી મુશ્કેલીના વાદળો મંડરાઇ રહ્યા છે. ઇનસોલવન્સી ટ્રિબ્યુનલે રિલાયન્સ કોમ્યુનિકેશન વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે આ કંપનીની પોતાની વાયરલેસ સંપત્તિઓ મોટા ભાઇ મુકેશ અંબાણીના રિલાયન્સ જીયો ઇન્ફોકોમને 18 હજાર કરોડમાં વેચવાની સમજૂતીને ફટકો પડી શકે છે. આર કોમ દેવાના ડૂંગર હેઠળ દબાયેલી છે અને દેવું ઓછું કરવા આ સમજૂતિ કરાઇ હતી.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીની મુંબઇ બેન્ચે આઠ મહિનાની કાયદાકીય લડાઇ બાદ આર કોમ અને તેની સહાયક કંપની વિરૂદ્ધ સ્વીડનની ટેલિકોમ ગિયર કંપની એરિક્સનની 3 અરજીઓનો સ્વીકાર કર્યો છે. જેના કારણે એરસેલ બાદ આરકોમ નાદારી પ્રક્રિયામાં જનારી બીજી ટેલિકોમ કંપની બની ગઇ છે. એનસીએલટીના આદેશ વિરૂદ્ધ આર કોમ નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરે તેવી શક્યતા છે.

આર કોમ પર લગભગ 45 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આર કોમ દેશના ટેલિકોમ માર્કેટમાં ગળાકાપ સ્પર્ધાનો સામનો કરી શકી નહોતી. પરિણામે 2017ના અંતમાં પોતાનો વાયરલેસ બિઝનેસ બંધ કરવા મજબૂર બની ગઇ હતી. એરસેલ સાથે મર્જરના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા બાદ કંપનીએ આ પગલું ભર્યું હતું. ગત ડિસેમ્બરમાં આર કોમે જિયો સાથે પોતાના સ્પેક્ટ્રમ, ટાવર, ફાયબર અને સ્વીચીંગ નોડ્સ વેચવાની ડીલ કરી હતી. દેવું ઓછું કરવા માટે કંપનીએ આ નિર્ણય કર્યો હતો. પરંતુ હવે કંપની વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ થવાથી આ ડીલ અટકે તેવી શક્યતા છે.

આ મામલે એરિક્સન કંપનીના વકીલે જણાવ્યું હતું કે કંપની વતી દાખલ કરાયેલી ત્રણેય અરજીઓ સ્વીકારવામાં આવી છે. અને એરિક્સને વચગાળાના ઠરાવ માટે પ્રોફેશનલના નામની ભલામણ કરવાની છે. આર કોમ પર એરિક્સનની લગભગ 1150 કરોડ રૂપિયાની રકમ લેણી નીકળે છે. જેને રિકવર કરવા એરિક્સને અરજી દાખલ કરી હતી. આ મામલા સાથે જોડાયેલા વકીલોનું કહેવું છે કે સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા છે. કેમ કે બંને પક્ષમાંથી એક પણ પક્ષ પીછેહઠ કરવા તૈયાર નહીં થાય.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter