આટલી સેલેરી મેળવશે ભારતીય ક્રિકેટના હેડ કોચ રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના ના નવા હેડ કોચ રવિ શાસ્ત્રીના વાર્ષિક વેતનની ચર્ચા હવે થવા લાગી છે. સૂત્રોનુસાર શાસ્ત્રીને વાર્ષિક 7 થી 7.5 કરોડ રૂપિયા વાર્ષિક મળશે. BCCIના એક મુખ્ય અધિકારીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, ”BCCI શાસ્ત્રીને 7 કરોડ રૂપિયાની ઑફર આપશે. શાસ્ત્રીથી અગાઉ ટીમના કોચ રહેલા કુંબલેએ મેમાં આપેલા પોતાના પ્રેઝન્ટેશનમાં પોતાના વેતન તરીકે આટલી જ રકમ માટે કહ્યું હતું.”

આ પહેલા જ્યારે શાસ્ત્રી ભારતીય ટીમનો ડિરેક્ટર હતો ત્યારે પણ તેને 7 થી 7.5 કરોડ રૂપિયાની રકમ અપાતી હતી. આમાં શાસ્ત્રીની તે વળતરરૂપી કિંમત પણ શામેલ હતી, જે તેને મીડિયા કમિટમેન્ટ્સમાંથી હટવા બદલ મળતી હતી. આ સૂત્રે એ પણ જણાવ્યું કે, શાસ્ત્રીની સાથે કામ કરનારા કોર સપોર્ટ સ્ટાફ એટલે કે, બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કોચને વાર્ષિક 2 કરોડ રૂપિયાથી વધુ નહીં મળે.

આ અધિકારીએ કહ્યું, ”શાસ્ત્રીની સાથે કામ કરનારા સપોર્ટ સ્ટાફ (બોલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગ કોચ)ને 2 કરોડથી વધુ નહીં મળે. બોર્ડ જલ્દીથી આ કોન્ટ્રાક્ટને ફાઈનલ રૂપ આપવામાં લાગેલુ છે.” જો બેટિંગ કોચના રૂપમાં સંજય બાંગર ટીમ સાથે જળવાઈ રહે છે તો તેની ઈન્કમમાં સારી એવી હાઈક આવશે. બીજી બાજુ ભરત અરુણ પણ આશરે 2 કરોડના પેકેજ સાથે ટીમના બૉલિંગ કોચ તરીકે જોડાશે. બૉલિંગ કોચ તરીકે તે શાસ્ત્રીની પહેલી પસંદગી છે.

સંજય બાંગર પહેલેથી જ કિંગ્સ XI પંજાબનું કોચ પદ છોડી ચૂક્યો છે. જો ભરત ટીમ સાથે જોડાય છે તો તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને હૈદરાબાદ રણજી ટીમથી રાજીનામુ આપવું પડશે. જો બીજી બાજુ રાહુલ દ્રવિડની વાત કરીએ તો તે પહેલેથી જ ભારત A અને અંડર 19ના કોચ પદ માટે પહેલેથી જ નિયુક્ત છે અને આ જવાબદારી માટે તેને પહેલા વર્ષે 4.5 કરોડ અને બીજા વર્ષે 5 કરોડ રૂપિયા પેકેજ મળ્યા છે.

જો વિદેશી પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા સાથે સહાયક કોચ તરીકે જોડાય છે તો તેની એક્સટ્રા ઈન્કમ હશે. બીજી તરફ ઝહિર ખાનની સેલેરી પર પણ અત્યાર સુધી BCCIએ કોઈ નિર્ણય લીધો નથી. જો તે બૉલિંગ કોચ બને છે તો હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, તેને કેટલા રૂપિયા આપશે. તેની સેલેરી એ બાબત પર આધારિત હશે કે, તે ટીમને કેટલા દિવસ પોતાની સર્વિસ આપી શકશે. સૂત્રોનુસાર અગાઉ બોર્ડ ઝહિરની ડિમાન્ડને ઠુકરાવી ચૂક્યું છે. તેણે ગત વર્ષે વર્ષમાં 100 દિવસના બદલામાં 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter