રાજ્યસભાની ચૂંટણી : ભાજપના વિરોધ વચ્ચે ચૂંટણી અધિકારીએ નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખ્યું

રાજ્યસભાની ચૂંટણીમાં નારણ રાઠવાનુ ફોર્મ ચૂંટણી અધિકારીએ માન્ય રાખ્યું છે. તેમ છતાં તેમણે રજૂ કરેલા દસ્તાવેજોને લઇને વિવાદ હજુ યથાવત છે. ખાસ કરીને રાઠવાએ રજૂ કરેલા નો-ડ્યુ સર્ટિફિકેટને લઇને ભાજપે સવાલ ઉઠાવ્યા છે.

લોકસભા સેક્રેટરીએટ તરફથી ઇશ્યૂ થયેલા આ સર્ટિફિકેટને ખોટા હોવાનો ભાજપે દાવો કર્યો છે. સાથે જ રેલવે અને દિલ્હી પોલીસ તપાસ કરી રહીં હોવાનો પણ ભાજપે દાવો કર્યો છે. ભાજપના સંસદીય દળ તરફથી લોકસભા સ્પીકરને પત્ર લખાયો હતો. આ પત્રમાં નારણ રાઠવાને લોકસભા સેક્રેટરીએટ તરફથી અપાયેલા નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટને લઇને સવાલ ઉઠાવાયા છે. જોકે, નારણ રાઠવા અને કોંગ્રેસે આ તમામ આક્ષેપનો ફગાવ્યા છે. ભાજપ હવે આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવાનુ નક્કી કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ફોર્મ ચકાસણી વખતે નારણ રાઠવાને ફક્ત પંદર મિનિટમાં નો-ડ્યુ સર્ટિફિકેટ અપાતા ભાજપે વિરોધ કર્યો છે. 12 માર્ચે બપોરે 3-30 વાગ્યે લોકસભા સેક્રેટેરિયેટ દ્વારા નારણ રાઠવાને નો-ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જેની સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. સામાન્ય રીતે નો-ડ્યુ સર્ટિફિકેટ આપવામાં દોઢ કલાકનો સમય લાગતો હોય છે. તો પછી નારણ રાઠવાને ફક્ત પંદર મિનિટમાં કેવી રીતે સર્ટિફિકેટ અપાયું તેવો સવાલ ભાજપે ઉઠાવ્યો હતો. ફોર્મ ચકાસણી શરૂ થાય તે પહેલા નારણ રાઠવાએ અધિકારી સમક્ષ નો ડ્યુ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું. નિયમ મુજબ સ્ક્રુટીની પહેલા ખૂટતાં અસલ દસ્તાવેજ જમા કરાવવાની જરૂર રહે છે ત્યારે દિલ્હી હાઈકમાન્ડમાંથી મંગાવવામાં આવેલું નો-ડ્યુ સર્ટિફિકેટ આજે નારણ રાઠવાએ રજૂ કર્યું હતું. સોમવારે રાઠવાએ નોટિફાઈડ કોપી રજૂ કરી હતી. જો કે ભાજપના વિરોધ વચ્ચે ચૂંટણી અધિકારીએ નારણ રાઠવાનું ફોર્મ માન્ય રાખ્યું હતું.

ભાજપનું આદિવાસી વિરોધી વલણ છત્તુ થયું: નારણ રાઠવા

નારણ રાઠવાના રાજ્યસભાની ઉમેદવારીને લઇને હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે આક્ષેપબાજી શરૂ થઇ ચૂકી છે.નારણ રાઠવાએ તેમના ફોર્મ અને તેની સાથેની વિગતોને સાચી અને યોગ્ય ઠેરવી છે. તો સામે ભાજપે આક્ષેપ કર્યો છે કે રાઠવાએ ખોટુ સર્ટિફિકેટ રજૂ કર્યુ છે.

નારણ રાઠવા તેમની સામે ભાજપે શરૂ કરેલા વિરોધને આદિવાસી વિરોધ તરીકે પણ ગણાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપે કોઇ પણ આદિવાસીને રાજ્યસભામાં મોકલ્યો નથી અને આવો વિરોધ કરીને ભાજપનું આદિવાસી વિરોધી વલણ છતુ થયું છે. જોકે, ભાજપે તેમના આક્ષેપોને રદિયો આપ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter