રાજનાથસિંહના ઘરે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કાશ્મીર મુદ્દે થઈ આ ચર્ચા

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ ફરીથી શરૂ થઇ શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહના ઘરે કાશ્મીર મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ. સૂત્રો મુજબ આ બેઠકમાં ઇદ બાદ કાશ્મીરમાં સીઝફાયર સમાપ્ત કરવું કે ચાલુ રાખવુ તે અંગે ચર્ચા થઇ.

જમ્મુ-કાશ્મીરમાં શાંતિના ઉદેશ્યથી ગૃહ મંત્રાલયે આતંકવાદીઓ સામેનું ઓપરેશનને ઇદ સુધી રોકી દેવાનું એલાન કર્યુ હતુ. જેને રમઝાન સીઝફાયર કહેવામાં આવ્યુ હતુ.

કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ગૃહપ્રધાન રાજનાથસિંહની આગેવાનીમાં એક મહત્વની બેઠક મળી. 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં રાજનાથસિંહ ઉપરાંત એનએસએ અજીત ડોભાલ, આર્મી ચીફ બિપિન રાવત, ગૃહસચિવ રાજીવ ગાબા તેમજ ગૃહ મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.

સૂત્રો મુજબ બેઠકમાં સસ્પેન્શન ઓફ ઓપરેશનને લઇને સુરક્ષાદળોનો મત જાણવામાં આવ્યો. અલગ અલગ સિક્યોરિટી એજન્સીએ રમઝાન દરમિયાન સુરક્ષાદળો પર થયેલા આતંકી હુમલા તેમજ હિંસાની ઘટનાઓ અંગેની વિસ્તૃત જાણકારી બેઠકમાં રજૂ કરી. સૂત્રો મુજબ 16 જૂને ઇદ બાદ જો સરકાર સીઝફાયરને આગળ નહીં વધારે તો તે આપમેળે જ ખતમ થઇ જશે. આ બેઠક પહેલા ભાજપના મહાસચિવ અને જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવે ગૃહ સચિવ ગાબા સાથે મુલાકાત કરી હતી.

તાજેતરમાં જ રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેમણે જુદા જુદા સંગઠનો અને વ્યક્તિઓ સાથે મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કાશ્મીર મુદ્દે રાજનાથસિંહની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા મુદ્દે પણ ચર્ચા થઇ. જેમાં સીઆરપીએફના ડીજી અને બીએસએફના ડીજીએ પોતાના જવાનોની સમગ્ર તૈનાતી અંગે રાજનાથસિંહને માહિતી આપી. આ ઉપરાંત અમરનાથ યાત્રા પર ગુપ્ત એજન્સીઓના ઇનપુટ અંગે પણ ચર્ચા થઇ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter