શા માટે પ્રવીણ તોગડીયાએ ઉપવાસનું સ્થળ બદલ્યું, જાણો અહીં

છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદનો ચહેરો બની ચૂકેલા પ્રવિણ તોગડિયા વીએચપી સાથે છેડો ફાડ્યા બાદ હવે અનિશ્ચિત ઉપવાસ પર ઉતરી રહ્યા છે.  ઉપવાસના સ્થળ તરીકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે બહોળી સંખ્યામાં સમર્થકો પણ જોડાશે.  જો કે આ પહેલા ઉપવાસના સ્થળ તરીકે બત્રીસી હોલ નિશ્ચિત કરવામાં આવ્યો હતો.પરંતુ બહોળી સંખ્યામાં તોગડિયાના સમર્થકો હાજર રહે તેવી શક્યતા અને સુરક્ષાને કારણે ઉપવાસ સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવિણ તોગડિયાના ઉપવાસને રાજ્ય ઉપરાંત દેશભરના સંતો મહંતોએ સમર્થન જાહેર કર્યું છે.

અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ અવધૂત રામાયણીએ પ્રવિણ તોગડિયા સાથે મુલાકાત કરી હતી. અવધૂત રામાયણીએ દાવો કર્યો હતો કે મંગળવારથી શરૂ થઇ રહેલા તોગડિયાના ઉપવાસમાં દેશભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. બીજી તરફ સંઘના પદાધિકારીઓએ પણ પ્રવીણ તોગડિયા સાથે મુલાકાત કરી હતી.

 

તોગડિયા અને સંઘના પદાધિકારીઓ વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. જોકે સંઘના પદાધિકારી હરેશ ઠક્કરે બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી કોઇ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.. સંઘના ચિંતન ઉપાધ્યાય અને યશવંત ચૌધરી તોગડિયાને મળ્યા હતા. મંગળવારથી ઉપવાસ શરૂ કરતા પહેલા તોગડિયાએ અમદાવાદના પ્રસિદ્ધ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરે ભોળેનાથના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. તોગડિયાએ જણાવ્યું હતું કે તેમણે દેશમાં રામમંદિર તથા ગૌહત્યાનો કાયદો બને તેવા સંકલ્પ પૂરા થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી.

CRICKET.GSTV.IN

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter