ભારત વિરુદ્ધ આતંક ફેલાવવા હાફિઝ સઈદનો આ છે ખતરનાક પ્લાન

ભારત વિરુદ્ધ આતંકની ખેતી કરી રહેલા પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ હવે બાળકોને ભારત વિરુદ્ધ દહેશતગર્દી માટે તૈયાર કરી રહ્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવા ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે માસૂમ બાળકોનો પણ ઉપયોગ કરી રહ્યું છે. તેના પુરાવારૂપ તસવીર પણ સામે આવી છે.

પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાની એક તસવીર સામે આવી છે. આ તસવીર દ્વારા ભારત સામે આતંકવાદ ફેલાવવા માટે હાફિઝ સઈદ દ્વારા માસૂમ બાળકોનો ઉપયોગ થવાની વાત પણ ઉજાગર થઈ છે. આ તસવીરમાં જમાત-ઉદ-દાવાના આતંકી સદાકતનો નાનકડો છોકરો હાથમાં એક મોટી બંદૂક સાથે નજરે પડે છે. આ તસવીર ઈસ્લામાબાદના એક કાર્યક્રમની હોવાનું અહેવાલોમાં જણાવાઈ રહ્યું છે. આતંકવાદી હાફિઝ સઈદ 2008ના મુંબઈ ખાતેના આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે અને જમાત-ઉદ-દાવાનો પ્રમુખ પણ છે. આ જમાત-ઉદ-દાવા આતંકવાદી જૂથ લશ્કરે તૈયબાનો જ ભાગ છે.

જમાત-ઉદ-દાવાની તસવીરમાં બંદૂક સાથેના બાળકની પાછળ પોસ્ટર લાગ્યું છે અને તેના પર બકવાસ કરતા લખવામાં આવ્યું છે કે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો છે અને કાશ્મીરની આઝાદી માટે તેને સમર્થન આપતું રહેશે. અહેવાલો મુજબ.. જમાત-ઉદ-દાવા બાળકોને પોતાની સાથે જોડવા માટે અભિયાન ચલાવીને તેમને ભારત વિરુદ્ધ જેહાદના નામે આતંકવાદ ફેલાવવા ઉશ્કેરી રહ્યું છે.

આ પ્રતિબંધિત આતંકી સંગઠન દ્વારા પાકિસ્તાનમાં કેટલાક મદરસા અને ધાર્મિક સંસ્થાઓ પણ ચલાવવામાં આવે છે. આવી આતંકવાદી પ્રેરીત સંસ્થાઓમાં નાના-નાના ભૂલકાંઓના બ્રેનવોશ કરવામાં આવે છે. આ બાળકોના મનમાં અમેરિકા અને ભારત સહીતના દેશો બિનમુસ્લિમોની બહુમતી ધરાવતા દેશો વિરુદ્ધ નફરતના બીજ વાવવાનું નાપાક કૃત્ય પણ કરવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter