જાધવ મામલે પાક.નું અડગ વલણ યથાવત, 18મી વખત રાજદ્રાવી મદદની અપીલ ફગાવી

પાકિસ્તાનની સૈન્ય અદાલત દ્વારા ફાંસીની સજા પામેલા પાડોશી દેશની જેલમાં બંધ ભારતીય કારોબારી કુલભૂષણ જાધવને પાકિસ્તાને રાજદ્વારી મદદ આપવાનો ઈન્કાર કર્યો છે.

ભારત દ્વારા કુલભૂષણ જાધવને રાજદ્વારી મદદ માટે 18મી વખત માગણી કરવામાં આવી હતી. પાકિસ્તાને જાધવને કોન્સ્યુલર એક્સેસનો ઈન્કાર કરતા ભારત પર ટેરર ફંડિંગનો ખોટો આરોપ લગાવ્યો છે. આ સાથે ભારત પર હકીકતો છૂપાવીને કુલભૂષણ જાધવને સામાન્ય કેદી ગણાવાતો હોવાનું પણ પાકિસ્તાન તરફથી જણાવાયું છે. પાકિસ્તાની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા આપી હતી અને હામિદ નેહાલ અંસારી નામના ઈજનેરને પાકિસ્તાનમાં દાખલ થવા બદલ ત્રણ વર્ષની કેદની સજા આપી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ભારત હામિદ નેહલ અંસારી અને કુલભૂષણ જાધવના સંપૂર્ણ અને ઝડપી કોન્સ્યુલર એક્સેસ આપવાની પાકિસ્તાનને વિનંતી કરે છે. જાધવને 3 માર્ચ-2016ના રોજ બલૂચિસ્તાનમાંથી એરેસ્ટ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે.

જો કે કુલભૂષણ જાધવને ઈરાનથી કિડનેપ કરીને પાકિસ્તાનની એજન્સી લાવી હોવાની હકીકતોનો ખુલાસો વિદેશ મંત્રાલય દ્વારા થઈ ચુક્યો છે. કુલભૂષણ જાધવ ભારતીય નૌસેનાનો ભૂતપૂર્વ અધિકારી છે અને ઈરાનમાં તે કારોબાર કરી રહ્યો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં જાધવની ફાંસીની સજા પર રોક માટે વચગાળાનો આદેશ પ્રાપ્ત કર્યો છે અને હાલ આ કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચાલી રહ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter