હવે સિમ વગર પણ કરી શકાશે મોબાઇલથી કૉલ

મોબાઇલ યૂઝર્સ ટૂંક સમયમાં WiFi નેટવર્કથી વૉયસ કૉલ કનેક્ટ કરવાનો વિકલ્પ મળશે. જે વિશેષ રીતે ખરાબ કૉલ કનેક્ટિવિટી ધરાવતા ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થશે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યૂનિકેશન (DoT)એ લાઇસન્સ શરતો પર સંશોધન કર્યુ છે, જેમાં સેલ્યૂલર મોબાઇલ સર્વિસ અને ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ બંને એક જ નંબર પર એલૉટ કરવામાં આવશે. જેનાથી વગર સેલ્યૂલર નેટવર્કના WiFi સર્વિસ દ્વારા વૉઇસ કૉલ કરવાની અનુમતિ મળશે.

આ સર્વિસ મોબાઇલ યૂઝરને નજીકના પબ્લિક WiFi નેટવર્કની મદદથી કૉલ કનેક્ટ કરવામાં મદદ કરશે. DoTએ એક નોટિસમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ ટેલિફોની સેવા માટે લાઇસન્સધાર કે સમયાંતરે સુધારવામાં આવનારા લાઇસન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેણે તમામ ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગ સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે.

યૂઝર્સ WiFi પરથી વૉઇસ કોલ કરે ત્યારે ટેલિકોમ કંપનીઓને એકબીજાના ડેટા નેટવર્કનો ઉપયોગ કરવાની પણ ડોટે મંજૂરી આપી છે. ત્રીજી પાર્ટી કંપનીઓને પણ લાઇસન્સ મેળવીને સર્વિસ પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા અને રિલાયન્સ જીઓનું પ્રતિનિધિત્વ કરતા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝે જણાવ્યું હતું કે, આ હિલચાલની અસર ગ્રાહક અને ઓપરેટર્સ પ્રમાણે અલગ અલગ રહેશે. ગ્રાહક અને ઓપરેટરે તેની અસર વ્યક્તિગત રીતે મૂલવવાની રહેશે. જેમ કે યૂઝર્સ પાસે વૉઇસ પ્લાન હોય તો તેને લાભ થશે કારણ કે તેને નીચા ખર્ચ પ્લાનનો લાભ થશે પણ જે ગ્રાહક ડેટા પ્લાનનો ઉપયોગ કરતો હોય તેને આ વિકલ્પથી કોઈ ફેર નહીં પડે.

કેટલાક ટેલિકોમ નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ નિર્ણય અમલી બનશે તો આંશિક ધોરણે સ્પેક્ટ્રમ છૂટું થશે અને તેનો ઉપયોગ રેગ્યુલર કોલ અને ડેટા માટે કરી શકાશે. આ પહેલા જિયો, આઇડિયા અને એરટેલ સહિતની કંપનીઓ WiFi રૂટ પર વોઇસ ઓવર સેવા માટે છૂપી રીતે તૈયારી કરી રહી છે. આવી સેવા 4G VoLTE ડિવાઇસ પર તરત જ કામ કરી શકશે. જિયોએ આંતરિક રીતે આ સેવાનું સફળ પરીક્ષણ કર્યું હોવાનું મનાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter