ઉ.કોરિયાની પરમાણુ હુમલાની ધમકી, અમેરિકાના સહયોગી દેશોમાં ફેલાયો ફફડાટ

અમેરિકા અને દક્ષિણ કોરિયાની નૌસેનાઓની સંયુક્ત કવાયત વખતે ઉત્તર કોરિયા વધુ આક્રમક બન્યું છે. ઉત્તર કોરિયાની તબાહીની ધમકીથી અમેરિકા જ નહીં તેના મિત્રદેશો પણ ડરેલી છે. ઉત્તર કોરિયાએ હવે અમેરિકા બાદ અન્ય દેશોને પણ દહેશતમાં નાખી દીધા છે. અમેરિકાનો સાથ આપવાને કારણે ઓસ્ટ્રેલિયા પણ ઉત્તર કોરિયાના નિશાને છે. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ચુકી છે કે ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન જુલિયા બિશોપને કહેવું પડયું છે કે તેમનો દેશ ઉત્તર કોરિયાનો પહેલો ટાર્ગેટ નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયા દ્વારા કહેવામા આવ્યું છે કે જે પણ કોઈ દેશ નોર્થ કોરિયા પર કાર્યવાહી માટે અમેરિકાનો સાથ આપશે તેને ઉત્તર કોરિયા તરફથી નિશાન બનાવવામાં આવશે. પરંતુ જે લોકો અમેરિકાનો સહયોગ કરતા નથી, તેઓ પોતાને સુરક્ષિત માને, તેના ઉપર ઉત્તર કોરિયા કાર્યવાહી કરવાનું નથી.

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વિવાદ ચરમસીમાએ છે. એક તરફ અમેરિકા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પર લગામ લગાવવાની કોશિશો થઈ રહી છે, તો બીજી તરફ ઉત્તર કોરિયા પ્રતિબંધ માનવા માટે તૈયાર નથી અને પરમાણુ હુમલા સુધીની ધમકીઓ આપી રહ્યું છે.

18 ઓક્ટોબરે ઉત્તર કોરિયા પરમાણુ હુમલાની ક્ષમતા ધરાવતી મિસાઈલનું પરીક્ષણ કરવાનું છે. તેને કારણે સૈન્ય ટકરાવની શક્યતાઓ વધવાની સંભાવના છે. જાપાન, દક્ષિણ કોરિયા પહેલા જ ઉત્તર કોરિયાની મિસાઈલ પરીક્ષણની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. ગત છ માસથી દિન-પ્રતિ-દિન નોર્થ કોરિયા અને અમેરિકામાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ વર્ષે મેમાં કિમ જોંગ ઉને જાપાનને ચેતવણી આપી હતી કે પરમાણુ હુમલાથી તે જાપાનને કેકના ટુકડાઓમાં વિભાજિત કરી દેશે.

જુલાઈમાં નોર્થ કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તેની રેન્જ 6700 કિલોમીટરની હોવાનુ જણાવવામાં આવે છે. એટલે કે અમેરિકાના અલાસ્કા સુધી તેના દ્વારા હુમલો કરવાની ક્ષમતા હોવાનો ઉત્તર કોરિયા દ્વારા દાવો કરાયો હતો. ઉત્તર કોરિયાએ છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કરીને પોતે હાઈડ્રોજન બોમ્બ તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. ઉત્તર કોરિયા 2006થી પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે.

2016માં ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલું પરમાણુ પરીક્ષણ વધારે ખતરનાક હતું. તેના દ્વારા 1945માં હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી ઘણા શક્તિશાળી બોમ્બ બનવવાનો દાવો કરાયો હતો. અમેરિકા સહીતના ઘણાં દેશ નોર્થ કોરિયા પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. પ્રતિબંધના કારણે ઉત્તર કોરિયા દબાણમાં છે. પરંતુ સાર્વજનિક રીતે તે આક્રમક મુદ્રામાં દેખાઈ રહ્યું છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter