મોદીના વધતા જતા કદથી RSS વિહવળ ? : હોસબોલેનું ૫ત્તુ શા માટે કપાયુ ?

2015 અને 2018 એમ બે વખત વડાપ્રધાન મોદીની સાથે ઘનિષ્ઠતા ધરાવતા દત્તાત્રેય હોસબોલે આરએસએસના સરકાર્યવાહ બની શકયા નથી. સંઘના સરકાર્યવાહ તરીકે 75 વર્ષના સુરેશ જોશી ઉર્ફે ભૈયાજી જોશીને ચોથી ટર્મ આપવામાં આવી છે. ત્યારે સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કદને સંગઠનથી મોટું નહીં થવા દેવાની ગણતરી સાથે દત્તાત્રેય હોસબોલેને આરએસએસના સરકાર્યવાહની જવાબદારી આપવામાં આવી નથી?   આમ તો આરએસએસમાં મોટી વયના નેતાઓના સ્થાને યુવાન નેતાઓની નિયુક્તિનો એક સિરસ્તો મોહન ભાગવતની સરસંઘચાલક તરીકે નિયુક્તિ સાથે શરૂ થઈ ચુક્યો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સંગઠનાત્મક શિસ્તને કારણે વિખ્યાત છે. પરંતુ તાજેતરમાં આરએસએસમાં પણ મોટા દ્ધંદ્ધ ચાલી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. આરએસએસની નાગપુર લોબીને લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી જે ઝડપથી રાજકીય કદમાં મોટા થઈ રહ્યા છે.. તેને જોતા આગામી સમયમાં તેમને નિયંત્રિત કરવાનું ક્યાંક મુશ્કેલ બની જાય નહીં. તેના કારણે આરએસએસના સરકાર્યવાહ પદે લોબિંગની કક્ષાની ચર્ચાઓ છતાં દત્તાત્રેય હોસબોલેની નિમણૂક થઈ નથી. હોસબોલે સહસરકાર્યવાહ તરીકે યથાવત રહ્યા છે અને સુરેશ જોશી ઉર્ફે ભૈયાજી જોશીને ચોથી ટર્મ માટે સંઘના સરકાર્યવાહ તરીકે ચૂંટવામાં આવ્યા છે. 75 વર્ષીય ભૈયાજી જોશીની નાદુરસ્ત તબિયતની અટકળો વચ્ચે તેમના સ્થાને હોસબોલેની નિયુક્તિની અટકળબાજીઓ સરકાર્યવાહની ચૂંટણી પહેલા ચાલતી હતી.

આરએસએસમાં સરસંઘચાલક બાદ સરકાર્યવાહ જ સૌથી મોટું અને વહીવટીય સત્તા ધરાવતું પદ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સતત તેમના તરફી લોબી દ્વારા સરકાર્યવાહ પદે તેમની સાથે ઘનિષ્ઠતા ધરાવતા દત્તાત્રેય હોસબોલેનને બેસાડવા માટેની કોશિશો થઈ રહી હોવાની એક માન્યતા છે. પરંતુ આરએસએસની નાગપુર લોબી બે વખત મોદી તરફી લોબીની આવી કોશિશોને નિષ્ફળ બનાવી ચુકી છે. પહેલીવાર 2015 અને બીજી વખત 2018માં હોસબોલેને સરકાર્યવાહ તરીકે સંઘમાં સ્થાન અપાવવામાં મોદી તરફી લોબીને નિષ્ફળતા મળી હતી.

આના માટેના કારણોની ચર્ચામાં દત્તાત્રેય હોસબોલે સંઘની શાખામાંથી નહીં. પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી આરએસએસમાં આવ્યા છે. સંઘના લોકોમાં એવી ધારણા પણ દ્રઢતાથી ઘર કરી ચુકી છેકે આરએસએસની શાખાઓમાં બાળપણથી સામેલ થનારા સ્વયંસેવકોને પ્રાથમિકતા મળવી જોઈએ. કારણ કે તેમની માન્યતા છે કે અન્ય સંગઠનોમાંથી લોકો યુવાવસ્થામાં પદ અને અધિકારની લાલસા સાથે સંઘ સાથે જોડાય છે અને મોટા-મોટા પદો પર પહોંચી જાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter