મૂડીઝ દ્વારા વૈશ્વિક રેટિંગના વધારાને શૅરબજારે વધાવ્યો, સેન્સેક્ષ 236 પૉઈન્ટ વધ્યો, તો નિફટી 10200 પર

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસીસે ભારતનું સોવરીન રેટિંગ બીએએ-3થી વધારી બીએએ-2 કર્યું છે અને આઉટલૂક પૉઝિટિવથી વધારી સ્ટેબલ કર્યું છે. તે સાથે નોટબંધી અને જીએસટીના અમલને પીઠબળ આપ્યું છે.

મૂડીઝના આ પગલાંને શૅરબજારે વધાવી લીધું હતું. મુંબઈ શૅરબજારમાં સેન્સેક્ષ 236 પૉઈન્ટ વધ્યો હતો અને નિફટી 10200 ઉપર બંધ આવેલ હતો.

આ બનાવોથી એનડીએ સરકારને મોટો ટેકો મળી રહેશે. વિદેશી ઋણની કોસ્ટ ઘટશે અને ભારતમાં રોકાણ વધશે. સરકારના નોટબંધી, જીએસટી જેવાં આર્થિક પગલાંઓથી અને બૅન્કોની બેડ એસેટ ઈસ્યૂ ઉકેલવાના પગલાંથી પ્રભાવિત થઈને મૂડીઝે આ પગલું ભર્યું છે. આથી ધંધાનો માહોલ સુધરશે, ઉત્પાદકતા વધશે, વિદેશી અને દેશી રોકાણ વધશે. આથી મજબૂત અને ટકાઉ વિકાસ જોવાશે. તા. 31 માર્ચ, 2018ના પૂરા થનાર નાણાકીય વર્ષમાં રિયલ જીડીપી વિકાસદર થોડોક ઘટી 6.7 ટકા રહેવાની ધારણા છે.

ટેક્નિકલ ટર્મમાં સરકારની સ્થાનિક અને વિદેશી ચલણ ઈસ્યૂઅર રેટિંગ 13 વર્ષ બાદ બીએએ-3થી વધારી બીએએ-2 કરવામાં આવ્યું છે. રેટિંગ અંગેનું આઉટલૂક પૉઝિટિવમાંથી સ્ટેબલ કરાયું છે. દેશની લોકલ કરન્સી સિનિયર અનસિક્યોર્ડ રેટિંગ બીએએ-3થી વધારી બીએએ-2 કરાઈ છે. શોર્ટ ટર્મ લોકલ કરન્સી રેટિંગ પી-3ના સ્થાને વધારી પી-2 કરવામાં આવેલ છે.

રેટિંગ એજન્સી મૂડીઝે ભારત સરકારના સ્થાનિક અને વિદેશી ચલણના રેટિંગને બીએએ-3થી અપગ્રેડ કરીને બીએએ-2 કર્યું તેના પગલે શૅરબજારમાં આજે બૅન્કિંગ શૅરોમાં ઉછાળો આવ્યો હતો. આ રેટિંગ સુધારીને બજાર તથા ઉદ્યોગ જગતના અગ્રણીઓ તથા એનલિસ્ટસ સમુદાયે સાર્વત્રિક આવકાર આપ્યો હતો. સમાવિષ્ટ એવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરોમાં નોંધપાત્ર રીતે 4 ટકા સુધીનો વધારો થયો હતો. જેથી શૅરબજારનો સેન્સેક્ષ 190 પૉઈન્ટ ઊછળીને 33297 બંધ રહ્યો હતો.

મૂડીઝના રેટિંગ સુધારો થવાને કારણે બૅન્કોની સ્થિતિને લીધે ભારતને ધિરાણ સસ્તા દરે મળશે અને દેશમાં આવતા વિદેશી ભંડોળમાં પણ વધારો થશે એમ એનલિસ્ટો માને છે. મૂડીઝના જણાવ્યા પ્રમાણે સરકારના અનેક આર્થિક સુધારાનાં પગલાં હજુ પ્રાથમિક સ્તરે અથવા વિચારણા હેઠળ છે.

આજના શૅરબજારના સુધારામાં અગ્રણી જાહેર ક્ષેત્રની બૅન્કો સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બૅન્ક, બૅન્ક ઓફ બરોડા, આઈટીસીઆઈ, બૅન્ક ઓફ ઈન્ડિયા અને સિન્ડિકેટ બૅન્કના ભાવમાં ઈન્ટ્રા-ડે 2થી 4 ટકાનો વધારો થયો છે, જેથી પીએસયુ બૅન્કેકસ 4 ટકા વધીને 4191 કવોટ થયો હતો. જ્યારે બૅન્કેકસ 2 ટકા વધીને 25890 બંધ હતો.

જીએસટી લાગુ થવાને લીધે આંતરરાજ્ય વેપાર સરળ બનશે, જ્યારે બૅન્કોની એનપીએ માટે લીધેલ કડક નિર્ણયોને લીધે અને ડિમોનીટાઈઝેશનના નિર્ણયથી નાણાકીય નીતિગતતા અને બૅન્કોના એનપીએલમાં સુધારો થશે. દેશમાં સરકારે એસએમઈએલ અને નિકાસ ક્ષેત્ર માટે જાહેર થયેલ જીએસટીમાં સુધારાના નિર્ણયથી દેશનો રિયલ જીડીપી વૃદ્ધિદર 2017-18 અંતે વધીને 7.5 ટકા થયાની પ્રબળ સંભાવના છે, જ્યારે વર્ષ 2019 પછી લાંબા ગાળે ભારતનો વિકાસદર અન્ય બીએએ રેટિંગ ધરાવતા દેશોની સરખામણીએ ઊંચો 7.5 ટકા થવાની શક્યતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter